Abtak Media Google News

સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધની કડક અમલવારી કરાવવા કોર્પોરેશનની ટીમો ત્રાટકશ

આવતીકાલથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ અને વેંચાણ પર પ્રતિબંધ લાગૂ પડી જશે. શહેરમાં પાન-ફાકીના પ્લાસ્ટીક ઉપરાંત ઇયરબર્ડ, સ્ટ્રો, આઇસ્ક્રીમની દાંડી સહિતની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાગી જશે. આ પ્રતિબંધના કડક અમલ માટે કોર્પોરેશનની ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકશે. ક્યા પ્રકારનો પ્લાસ્ટીક પકડવું અને કેવી કામગીરી કરવી તે અંગે નિતી-નિયમો અંગે માર્ગદર્શન આપવા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

Untitled 1 601

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. આ ઉપરાંત આ પ્લાસ્ટીક તમામ જીવો માટે જોખમકારક સાબિત થઇ રહ્યું છે. ભારત સરકાર દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ-2016ના સુધારેલા નિયમ-4/2 મુજબ પોલીસ્ટાયરીંન અને એક્ષ્પાન્ડેબલ પોલીસ્ટાયરીંન સહિતની સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉત્પાદન, આયાત, સ્ટોકીંગ, વિતરણ, વેંચાણ કે ઉપયોગ પર 1લી જુલાઇથી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેમાં પ્લાસ્ટીક સ્ટીક સાથેના ઇયર બર્ડ, ફૂગ્ગાઓ માટેની પ્લાસ્ટીંકની દાંડી, પ્લાસ્ટીક ધ્વજ, કેન્ડી સ્ટીક, આઇસ્ક્રીમની દાંડી અને થર્મોકોલની સજાવટની સામગ્રી ઉપરાંત પ્લોટ, કપ, ગ્લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્ટ્રો, કટલેરી, મિઠાઇના ડબ્બા, નિમંત્રણ કાર્ડ અને સિગારેટની પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મ સહિત 100 માઇક્રોનથી ઓછા જાડાઇના પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા જાહેર નોટિસ થકી જાહેરનામું પણ પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છેે. કાલથી સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

આજે બપોરે આ અંગે સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પ્રતિબંધની કડક અમલવારી કરી શકાય તે માટે ચોક્કસ માટે માર્ગદર્શિકા અનુસાર કામગીરી કરવામાં આવશે અને ટીમોની રચના કરવામાં આવશે. ક્યા પ્રકારનું પ્લાસ્ટીક પકડવું અને દંડની જોગવાઇ સહિતની માહિતી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવશે. શહેરમાં સામાજીક પ્રસંગો દરમિયાન મોટા પ્રમાણમાં ડિસ્પોઝેબલ ગ્લાસ, ડીશ, ચમચી સહિતની ચીજવસ્તુઓનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. જેના ઉપર આવતીકાલથી પ્રતિબંધ લાગી જશે. અગાઉ 50 માઇક્રોનથી નીચેની જાડાઇના પ્લાસ્ટીકના ઉપયોગમાં પ્રતિબંધ હતો. જેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે 100 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.