Abtak Media Google News

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સીરિઝ બાદ આઇસીસી વર્લ્ડ કપ સુપર લીગના પોઇન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. શ્રીલંકા સામેની સીરિઝ જીતવાનો બાંગ્લાદેશને ફાયદો થયો છે. 2023માં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરવાનો મુશ્કેલ રસ્તો વધુ સરળ થઇ ગયો છે. વર્લ્ડ કપ સુપર લીગમાં બાંગ્લાદેશે અત્યારસુધીમાં 9 મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. બાંગ્લાદેશ સતત પોતાનો દેખાવ સારો કરતું આવ્યું છે જેના કારણે અત્યારસુધીમાં 50 પોઇન્ટ્સ છે અને પહેલા નંબર પર આવી ગયું છે. જ્યારે બીજા નંબર પર ઇંગ્લેન્ડની ટીમ છે. ઇંગ્લેન્ડની પાસે 40 પોઇન્ટ છે. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ સુપર લીગમાં અત્યારસુધીમાં 9 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે.

ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સિવાય પાકિસ્તાનની ટીમ પણ સુપર લીગના પોઇન્ટ ટેબલમાં ટોપ 3માં આવી ગયું છે. પાકિસ્તાન પાસે હાલ 40 પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. વર્લ્ડ કપ સુપર લીગમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે અત્યારસુધીમાં 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમની પાસે પણ હાલ 40 પોઇન્ટ છે પરંતુ નેટ રન રેટ પાકિસ્તાનની ઓછી છે જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથા સ્થાન પર આવી ગઇ છે.

ન્યૂઝિલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટિન્ડિઝની ટીમના 30-30 પોઇન્ટ છે અને ત્રણેય ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં પાંચમાં, છઠ્ઠા અને 7માં સ્થાન પર છે. જ્યારે વાત કરીએ આપણી ટીમ એટલે ભારતીય ટીમે વન ડે સુપરલીગમાં 6 મેચમાંથી 3 મેચમાં હારનો સામનો કર્યો છે. આ ત્રણ મેચમાં મળેલા પરાજયને કારણે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં 8માં સ્થાન પર છે. ભારતની પાસે હાલ 29 પોઇન્ટ છે. ભારતીય ટીમ વન ડે સુપરલીગમાં સ્લો રન રેટ છે. આગામી સીરિઝમાં ભારતીય ટીમે પોતાનું કંગાળ ફોર્મ સુધારી સારી રન રેટ સાથે જીત મેળવવી જરૂરી બનશે.

આમ તો ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપની મેજબાની કરવાની છે જેના કારણે ભારતને ટૂર્નામેન્ટમાં સીધી એન્ટ્રી તો મળી જ જશે. ઉલ્લેખનીય છે કે સુપરલીગ દરમિયાન જે કોઇ ટીમ 8માં નંબર પર રહેશે તેને વર્લ્ડ કપ 2023માં સીધી એન્ટ્રી મળી જશે. આઇસીસીએ 2023માં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરવામાટે વર્લ્ડ કપ સુપર લીગનું આયોજન કર્યું છે. જે અંતર્ગત જે કોઇ ટીમ વન ડે મેચ રમશે તેના પોઇન્ટની ગણતરી વન ડે સુપરલીગમાં કાઉન્ટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.