Abtak Media Google News

સુકાની હરમનપ્રીતની અડધી સદીએ બાંગ્લાદેશને 7 વિકેટે મ્હાત આપી

ક્રિકેટ ટીમ સતત સફળતાના શિખરો શેર કરી રહી છે ત્યારે પુરુષોની ટીમની જેમ મહિલાઓની ટીમ પણ પાછળ રહી નથી અને તે પણ સતત પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિપક્ષીઓને હંફાવી રહી છે.ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી હતી અને તેમાં ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં આસાનીથી શાનદાર જીત મેળવી હતી. તેણે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી ટીમને 7 વિકેટે જીત અપાવી હતી.  ભારતની જીતમાં સ્પિનર   મિન્નુ મણીનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યુ હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની નવી સિઝનની શાનદાર શરૂઆત કરી છે.

Advertisement

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા હતા.  તેના જવાબમાં ભારતે 16.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે 35 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મારી 54 રનની અણનમ ઈનિંગ રમી અડધી સદી પુરી કરી હતી. હવે બંને ટીમો વચ્ચે બીજી ટી20 11 જુલાઈએ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. ભારતે ત્રણ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું.

બાંગ્લાદેશની ટીમે 115 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 115 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત જોઈએ તેટલી બરાબર નહોતી. જેમા શફાલી વર્મા ખાતું ખોલાવ્યા વિના જ પહેલી જ ઓવરમાં મારુફા અખ્તરના હાથે એલબીડબ્લ્યુ આઉટ થઈ ગઈ હતી.  તેના પછી જેમિમા રોડ્રિગ્સ માત્ર 11 રન કરી આઉટ થઈ હતી. સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીતે ત્રીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોધાવી હતી. મંધાનાએ 34 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા અને 38 રનની ઇનિંગ રમી હતી. તો છેલ્લે હરમન અને યાસ્તિકા ભાટિયાએ સાથે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.