જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને આવકારતા બેનરો લાગી ગયા ! સરકારની મંજૂરીની રાહ

 

૨૦ જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રિ ઉપર યોજાતા પાવન પવિત્ર શિવરાત્રી મેળા અંગે હજુ સરકાર દ્વારા કોઈ ગાઇડ લાઇન કે સૂચના આપવામાં આવી નથી. ત્યારે બીજી બાજુ પૂરી શ્રદ્ધા અને આશાવાદ સાથે શ્રી જ્ઞાતી સમાજો ટ્રસ્ટોનુ ઉતારા મંડળ ભવનાથ દ્વારા યાત્રાળુઓને આવકારતા શહેરોમાં મોટા મોટા બેનરો લાગી ચૂક્યા છે અને તંત્ર દ્વારા પણ અગાઉ તૈયારીઓ થઈ રહી હતી, મનપા દ્વારા પણ મેળા માટે જરૂરી રકમની ફાળવણી કરાઈ છે, પરંતુ આ વર્ષે મેળો યોજાશે કે કેમ ? તે પ્રશ્ન સોરઠ વાસીઓને સતાવી રહ્યો છે, અને ચર્ચાય રહ્યો છે.

જૂનાગઢમાં નવનાથ, ચોર્યાસી સિધ્ધ અને ચોસઠ જોગણીના જયા બેસણા છે તેવા ગરવા ગઢ ગિરનારની ગિરીકંદરના સાનિધ્યમાં ભજન-ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમો મહાશિવરાત્રીનો મેળો ઊજવાય છે જેને ગત વર્ષે સરકારે ભવનાથના મીની કુંભમેળા તરીકે જાહેર કરેલ છે. જે મેળામાં દર વર્ષે દશેક લાખની સંખ્યામા ભકતો મહાદેવના દર્શનાર્થે આવે છે. એ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો આ વખતે કોરોના મહામારીના કારણે યોજાશે કે કેમ તે અંગેની સંભાવના સેવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રી મેળાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. શ્રી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટનુ ઉતારા મંડળ ભવનાથ દ્વારા ભવનાથમાં મેળામાં આવતા યાત્રાળુઓને આવકારતા શહેરમાં મોટા મોટા હોલ્ડિંગ મારવામાં આવી રહ્યા છે. ઉતારા મંડળ અને અન્ય ક્ષેત્રો દ્વારા આ શિવરાત્રી ના મેળાને માણવા આવતા લાખો ભાવિક ભક્તજનો માટે ભાવતા ભોજન પીરસાય તે માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તથા શ્રદ્ધાળુઓને રહેવા માટેની વ્યવસ્થા ને પણ આખરી ઓપ અપાઈ ગયા છે, તેવું શ્રી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટનુ ઉતારા મંડળ ભવનાથના ભાવેશ વેકરીયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

ભાવેશ વેકરીયાના વધુમાં જણાવ્યા અનુસાર જો આ વખતે ભવનાથના શિવરાત્રી મેળા માટે સરકાર મંજુરી નહીં આપે તો તે મહાદેવનું આપમાન થયુ ગણાશે. મેળોએ આપણી સનાતની ફરજ અને ધાર્મિક પરંપરા છે. અને મેળો એ પરંપરા છે. મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે, ભાવિકો આ સંતો, મહંતો, યોગીઓના દર્શન સાથે અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરીને ભાવિકો અલગ-અલગ ઉતારાઓમાં ચાલતા ભજન, સંતવાણીનો લાભ લે છે અને શિવમય બને છે. અને ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે ગુંજી ઉઠે છે. મેળો નહિ યોજાય તો ? એવી ચિંતા સાથે દર વર્ષે મેળામાં વેપાર કરતા વિપુલભાઈ કક્કડના જણાવ્યા અનુસાર, મેળાના કારણે નાના-મોટા હજારો વેપારીઓ પોતાના રોજી રોટીની મેળવે છે. સામાન્ય પરિસ્થિતિમાં જીવતા રિક્ષા ચાલકો અને પેસેન્જર વાહન ચાલકોને આ મેળો આર્થિક રીતે ટેકા રૂપ છે, તો મેળાના કારણે હજારો પરિવાર આર્થિક લાભ મેળવી શકે છે, ત્યારે સરકારે હવે કોરોના બાદ બધું ખોલી નાખ્યું છે, ચૂંટણી પણ યોજી રહી છે, ત્યારે લાખોને રોજી, રોટી આપતો મેળો યોજાવો જોઈએ તેવી લાગણી અને માંગણી કરી રહ્યા છે. બ્રહ્મ પુત્ર કિશોરભાઈ ઠાકરના મતે  ગિરનાર મહાત્મ્ય અને સ્કંધપુરાણમાં કથાનુસાર કૈલાસ પરથી શિવજી જ્યારે વિહાર કરવા માટે નીકળ્યા અને ગિરનાર વિસ્તાર તરફ આવ્યા. ત્યારે તેઓ આ પ્રદેશથી મોહિત થઈને અહી જ ધ્યાનમગ્ન થઇ ગયા. બીજી બાજુ શિવજી ઘણા સમય સુધી પરત ન આવતા માતા પાર્વતી અને અન્ય દેવગણો શોધખોળ કરવા લાગ્યા અને અહીં તેમને શિવજી ધ્યાનમગ્ન જોવા મળ્યા. શિવજીને કૈલાસ લઇ જવા પાર્વતી મનાવવા લાગ્યા. તે સમયે ગિરનારના સાધુઓએ અહીં જ રોકાઈ જવાની વિનંતી કરી અને ભગવાન અહી શિવલિંગ રૂપે પ્રગટ થયા તે તિથિ મહા વદ ચૌદસ હતી ત્યારથી દિવસને મહાશિવરાત્રી તરીકે જૂનાગઢમાં ઊજવવામાં આવે છે. અને તે માટે આ મેળો દશકાઓથી ભરાય છે. એટલે આ મેળો એ મેળાવડો નહિ પરંતુ મહા શિવરાત્રિએ શિવ ભકતોનો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ નો મેળો છે. તે ધાર્મિક પરંપરા સાથે યોજાવો જોઈએ.