ઇલેક્ટ્રિક પ્રોડક્ટના કચરાના રિસાયક્લિંગથી અનેક ધાતુઓ મળતી હોવાથી તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરાય તો ખાણકામ કરીને ધાતુઓ મેળવવામાંથી મહદ અંશે છુટકારો મળી શકે
એક ટન મોબાઈલ ફોનના કચરામાંથી 3,573 ગ્રામ ચાંદી, 368 ગ્રામ સોનું અને 287 ગ્રામ પેલેડિયમ મળે છે, આટલું સોનુ ખાણકામ કરીને કાઢવું ખૂબ મુશ્કેલ
અંગદાન દ્વારા મોતના મુખમાં જઇ રહેલા વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આ વાત જગજાહેર છે. પણ ઈલેક્ટ્રોનિક સાધનોનો કચરો પણ જિંદગી બચાવી શકે છે. જેની પાછળનું કારણ એ છે કે ઇલેક્ટ્રિક પ્રોડક્ટના કચરાના રિસાયક્લિંગથી અનેક ધાતુઓ મળતી હોવાથી તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરાય તો ખાણકામ કરીને ધાતુઓ મેળવવામાંથી મહદ અંશે છુટકારો મળી શકે. ખાણકામની પ્રવૃત્તિ ઓછી થાય એટલે પર્યાવરણને નુકસાન થતું અટકે અને જનજીવનને થતું નુકસાન અટકે.
નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક સાધનોને રિસાઈકલ કરી શકાય છે. જૂના ફોન અથવા લેપટોપને આડેધડ રીતે ફેંકી દેવાને બદલે, નિયુક્ત સ્થળોએ તેનો નિકાલ કરવાથી નિષ્ણાતોને તેમાંથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુઓ મેળવવામાં મદદ મળી શકે છે. આનો ઉપયોગ ફક્ત નવા ફોન અથવા લેપટોપ બનાવવા માટે જ નહીં, પરંતુ આવી સિસ્ટમ કેટલીક ધાતુઓની ખાણ કરવાની જરૂરિયાતને ઘટાડશે.
દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા 2015ના સંશોધન પેપર મુજબ, એક ટન મોબાઈલ ફોનના કચરામાં 3,573 ગ્રામ ચાંદી, 368 ગ્રામ સોનું અને 287 ગ્રામ પેલેડિયમ મળે છે. વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર સારી-ગુણવત્તાવાળી મોટા કદની ભૂગર્ભ ખાણમાં પ્રત્યેક ટન ખનનમાંથી માત્ર 8-10 ગ્રામ સોનું મળે છે, આમ ખાણકામ કરતા ઇવેસ્ટમાંથી સરળતાથી સોનુ મળી જાય છે.
આમ ઇલેક્ટ્રીનીક્સ કચરાને રિસાયક્લિંગ કરવું એ સોનાની ખાણ બની શકે છે. ગ્લોબલ ટેક માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર વૈશ્વિક ઈ-વેસ્ટમાં સ્માર્ટફોનનો ફાળો 12% છે. પરંતુ ઈ-વેસ્ટમાં લેપટોપ અને ઈલેક્ટ્રિક વાહનોની બેટરીનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 2022 માં 5 મિલિયન ટન ઈ-વેસ્ટનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર 2020 રિપોર્ટ દર્શાવે છે કે 2019માં સમગ્ર વિશ્વમાં 53.6 મિલિયન ટન ઈ-વેસ્ટ ડમ્પ કરવામાં આવ્યો હતો. તેમાંથી માત્ર 17.4% રિસાયકલ કરવામાં આવ્યો હતો. ચીન 10.1 મિલિયન ટન સાથે મોખરાનું યોગદાન આપનાર દેશ હતું અને યુએસ 6.9 મિલિયન ટન સાથે તે પછીનું સ્થાન ધરાવે છે. 2019માં ભારત 3.2 મિલિયન ટન સાથે ત્રીજા ક્રમે હતું.
રિસાયકલ ઈન્ડિયા ફાઉન્ડેશનના સેક્રેટરી આશિષ અગ્રવાલ કહે છે કે દેશમાં ઈ-વેસ્ટ કલેક્શન અને મેનેજમેન્ટમાં વિપુલ સંભાવના છે. “ભારત વૈશ્વિક સ્તરે ત્રીજો સૌથી મોટો ઈ-વેસ્ટ ઉત્પાદક દેશ છે, છતાં તેમાંથી માત્ર 1/5માં ભાગ સરકાર દ્વારા માન્ય કેન્દ્રો દ્વારા રિસાયકલ કરવામાં આવે છે.
2018-19ના આર્થિક સર્વેમાં ઈ-વેસ્ટ માઈનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભારત ઈ-વેસ્ટમાંથી 1 બિલિયન ડોલરનું સોનું કાઢી શકે છે, અસરકારક સંસાધન કાર્યક્ષમતા વ્યૂહરચનાનો યોગ્ય અમલીકરણ ભારતને ઉત્પાદન ક્ષેત્રમાં રૂ. 6,000 કરોડની બચત કરવામાં મદદ કરી શકે છે, એમ સર્વેમાં જણાવાયું છે.
ડેલોઈટના સુરાના કહે છે કે કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. એમએસએમઇ સેક્ટર માટે ઈ-વેસ્ટ કલેક્શન, મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ બિઝનેસમાં પ્રવેશવા માટે તે એક મોટું ક્ષેત્ર બની શકે છે.
એક મોબાઈલ ફોનના રિસાયક્લિંગથી 10થી વધુ ધાતુ મેળવી શકાય છે
મોબાઈલ ફોન વિશે ખાસ વાત કરીએ તો, એક હેન્ડસેટમાં સામાન્ય રીતે 10 થી વધુ વિવિધ ધાતુઓ હોય છે, જેને જો સ્માર્ટ રીતે હેન્ડલ કરવામાં આવે તો તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. મોબાઇલ ફોનમાં સીસું, આર્સેનિક, સોનું, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ અને અન્ય બેઝ મેટલ્સ હોય છે. એલસીડી ડિસ્પ્લેમાં સોનું, ચાંદી, આર્સેનિક, બેરિયમ, કોપર અને અન્ય બેઝ મેટલ્સનો સમાવેશ થાય છે. કેમેરામાં સિલ્વર, કોપર અને નિકલનો સમાવેશ થાય છે. લવચીક સબસ્ટ્રેટ અને મોટર ચાંદી, સોનું, તાંબુ અને પ્લેટિનમથી બનેલી છે. સ્પીકર અને માઇક્રોફોનમાં તાંબુ, મેંગેનીઝ અને જસતનો સમાવેશ થાય છે. બેટરી લિથિયમ અને ગ્રેફાઇટની બનેલી છે.
ઇ-વેસ્ટ ક્ષેત્રમાં 2025 સુધીમાં નવા 4.5 લાખ લોકોને રોજગારી આપવાની ક્ષમતા
ઈ-વેસ્ટનું સેક્ટર પણ વિપુલ પ્રમાબમાં નોકરીઓનું સર્જન કરે છે અને અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપે છે. ભારતમાં ઈ-વેસ્ટ સેક્ટરમાં 2025 સુધીમાં 4.5 લાખ સીધી નોકરીઓ અને ટ્રાન્સપોર્ટેશન અને મેન્યુફેક્ચરિંગના સંલગ્ન ક્ષેત્રોમાં અન્ય 1.8 લાખ નોકરીઓ ઊભી કરવાની ક્ષમતા છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને જણાવ્યું હતું.
2025 સુધીમાં ઇ-વેસ્ટનું માર્કેટ 1.20 લાખ કરોડનું થવાનો અંદાજ
રિસાયકલ ઈન્ડિયા ફાઉન્ડેશન, એક એનજીઓ જે પ્લાસ્ટિક અને ઈ-કચરાને રિસાયકલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2025 સુધીમાં ભારતના વેસ્ટ મેનેજમેન્ટ માર્કેટનું કદ 15 બિલિયન ડોલર એટલે કે 1.20 લાખ કરોડનું થવાનો અંદાજ છે. અગ્રવાલ કહે છે કે 2022માં ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ 400 બિલિયન ડોલરનું હતું. “જો 5% પણ વેસ્ટ ગણવામાં આવે પણ સંભવિત ઇ વેસ્ટ 8 બિલિયન ડોલરે પહોંચે છે.
દેશમાં ઇ-વેસ્ટ માટે મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ભારતમાં ઈ-વેસ્ટના મોટા પાયે વ્યવસ્થાપન માટે મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર રાકેશ સુરાના કહે છે કે દેશમાં માત્ર 333 રજિસ્ટર્ડ ડિસમન્ટલર્સ અને 215 રજિસ્ટર્ડ રિસાઈકલર્સ છે. તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ખાનગી-જાહેર ભાગીદારીનો ઉપયોગ કરવા માટે નાણાં પૂરા પાડવાના માર્ગ તરીકે સેસ લાદવાનું સૂચન કરે છે. ઈ-વેસ્ટને હેન્ડલ કરવા માટે અનૌપચારિક ક્ષેત્રને સજ્જ કરવાથી કચરો ઓછામાં ઓછો આડેધડ રીતે ફેંકવામાં ન આવે તે સુનિશ્ચિત કરી શકાય છે. નિષ્ણાતો કહે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કચરાના સંગ્રહને ચેનલાઇઝ કરવા અને વધુ સારી રિસાયક્લિંગ તકનીકોને અમલમાં મૂકવા માટે કરી શકાય છે.