Abtak Media Google News

બે-ખૌફ’ સ્થળાંતરિતો કોરોના બોમ્બ ફોડશે?
લોકડાઉનની મથામણ ઉદ્યોગો અને આરોગ્યની સ્થિતિ બગાડી નાખશે?

જો લોકડાઉન હટાવવામાં ઉતાવળ થશે તો મે મહિનાના અંત સુધીમાં દેશમાં કોરોના મહામારીના ત્રણ લાખથી વધુ કેસ ફાટી નીકળે તેવી દહેશત

કોરોનાની મહામારી ફેલાય નહીં તે માટે લેવાયેલા લોકડાઉનના પગલા કારગત નિવડી રહ્યાં છે ત્યારે ‘બે-ખૌફ’ સ્થળાંતરિતો કોરોના બોમ્બ ફોડે તેવી દહેશત જોવા મળી રહી છે. સ્થળાંતરિત થયેલા ૪૨ લાખ લોકોને પોતાના  સ્થાને પહોંચાડવાનો સરકાર માટે મોટો પડકાર છે. આગામી ૩ તારીખે પૂરું થનારુ લોકડાઉન ખુલ્લુ કરી દેવામાં જો ઉતાવળીયો નિર્ણય લેવાશે તો ભારતમાં ૩૧મી મે સુધીમાં ૮ લાખથી વધુ કેસ ફાટી નીકળે તેવી ભયંકર ભીતિ છે. વર્તમાન સમયે લોકડાઉનના કારણે મે મહિનાના અંત સુધીમાં કોરોનાના ૩૫ હજાર કેસ નોંધાઈ શકે છે. આવા સંજોગોમાં લોકડાઉન એકદમ હટાવી લેવું કોઈપણ રીતે હિતાવહ નથી તેવું નિષ્ણાંતોનું માનવું છે.

સ્થળાંતરિતોને આશ્રય આપવા કે તેમના ઘરે પહોંચાડવાનો મોટો પડકાર સરકાર સામે આવીને ઉભો રહ્યો છે. બિહાર, યુપી સહિતના રાજ્યોના ૪૨ લાખ લોકો પોતાના ઘરે પરત ફરવાની વેંતરણ કરી રહ્યાં છે. આ લોકોના રજિસ્ટ્રેશન અને સ્ક્રીનીંગ તેમજ ટ્રાન્સપોર્ટ અને કવોરન્ટાઈન રાખવાની વ્યવસ્થા હજુ થઈ જ નથી. જેથી મોટા પ્રમાણમાં કોરોનાના કેસ સામે આવે તેવી ભીતિ છે. જો સ્થળાંતરિત શ્રમિકોને આશ્રય નહીં અપાય તો લાંબા સમય સુધી દેશને કોરોના વાયરસ સામે ઝઝુમવું પડશે. બિહારના તંત્ર દ્વારા કોરોના વાયરસના કારણે રદ્દ થયેલી ટ્રેનો ફરીથી દોડાવવાની કેન્દ્ર સમક્ષ માંગ મુકવામાં આવી છે. હાલ તામિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી પણ ૨૭ લાખ સ્થળાંતરિત શ્રમિકો બિહાર અને યુપીમાં ઘરે આવવા માંગે છે. આ સ્થળાંતરિતોને હેમખેમ પહોંચાડવા જરૂરી છે.

રાજસ્થાનમાંથી પણ ૨.૫ લાખ જેટલા શ્રમિકો અન્ય રાજ્યોમાં પેટીયુ રળવા ગયા છે. આ શ્રમિકોને ફરીથી રાજસ્થાન લાવવા પ્રયાસો આવતા અઠવાડિયે થશે. વર્તમાન સમયે રાજસ્થાન, યુપી અને બિહાર દ્વારા ઠેર-ઠેર ફેલાયેલા સ્થળાંતરિત શ્રમિકો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા લોકડાઉનમાં જ હજારોની સંખ્યામાં શ્રમિકો માર્ગો પર નીકળી પડ્યા હતા. દિલ્હીમાં શ્રમિકોનો જમાવડો થયો હતો. આવા સંજોગો વચ્ચે સરકાર દ્વારા ફરીથી જો શ્રમિકો એકઠા થઈ જશે તો ચેપગ્રસ્ત વ્યક્તિના કારણે લાખો લોકો ભોગ બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. આવા સમયે એકલા દિલ્હીની હેલ્પલાઈનમાં એક જ દિવસમાં ૪૫ હજાર કોલ મદદ માટે આવી ચૂકયા છે. મહારાષ્ટ્ર માટે જાહેર થયેલી યુપી સરકારની હેલ્પલાઈનમાં ૯૭૭૫૪ કોલ આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેથી ઠેર-ઠેર પથરાયેલા શ્રમિકોની હાલત અને ઘર પરત આવવાની મહેચ્છા ફલીત થાય છે. છેલ્લા એક મહિનામાં મધ્યપ્રદેશ દ્વારા પોતાના ૧.૫ લાખ જેટલા શ્રમિકો પરત બોલાવી લેવાયા છે. પં.બંગાળે પણ ૨ લાખ શ્રમિકોને પરત બોલાવ્યા છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગઈકાલે વડાપ્રધાન મોદી સાથે ઓરિસ્સાના ૧૦ લાખ શ્રમિકોને પરત લાવવા વ્યવસ્થા ગોઠવવા દરખાસ્ત કરી હતી. આ ઉપરાંત કેરળના પણ ૮૫૦૦૦ લોકો કર્ણાટક અને તામિલનાડુથી પરત આવવા ઈચ્છી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસ ફાટી નીકળતા સજ્જડ લોકડાઉનની અમલવારી થઈ રહી છે. આવા સમયે પણ મે મહિનાના અંત સુધીમાં ૩૫૦૦૦ લોકો મહામારીનો ભોગ બનશે અને જો લોકડાઉન ઉઠાવી લેવાશે તો ૩૧મી મે સુધીમાં ૮ લાખ લોકો સંક્રમણનો ભોગ બની જશે તેવી ભીતિ છે. ઉપરાંત જો વધુ બેદરકારી દાખવાશે તો સપ્તટેમ્બર મહિના સુધી કોરોનાને દેશવટો આપી શકાશે નહીં તેવું પણ સામે આવી રહ્યું છે. અમેરિકા, ઈટાલી, સ્પેન જેવા ભારતના હાલ થાય નહીં તે માટે લોકડાઉનની ચુસ્ત પાલન અતિ આવશ્યક છે. આવા સમયે સરકારે ખાંડાની ધાર પર ચાલવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. વધુ સમય સુધી લોકડાઉન રાખી શકે તેમ નથી. જો લોકડાઉન લંબાવાય તો ઉદ્યોગોની હાલત ખરાબ થઈ જશે અને લંબાવાશે નહીં તો લાખો લોકો મહામારીનો ભોગ બનશે તેવું ફલીત થાય છે.

  • લોકડાઉનમાં ૨૫ ટકાની રિકવરી ધુળધાણી થશે

વર્તમાન સમયે કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ સાજા થતા દર્દીઓની ટકાવારી ૨૫ ટકાએ પહોંચી ચૂકી છે. પરંતુ શ્રમિકોને ઘરે પહોંચાડવામાં ચૂક રખાશે તો આ રીકવરીની ધુળધાણી થઈ શકે તેમ છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં રિકવરી વધુ છે. જેની પાછળ લોકડાઉનની સ્થિતિ બાદ આરોગ્યમાં તંત્રએ દાખવેલી સરાહનીય કામગીરી જવાબદાર છે. પરંતુ લોકડાઉન-૩ નહીં થાય અથવા મોટા પ્રમાણમાં છુટછાટ અપાશે તો બેખૌફ લોકો ૨૫ ટકા રિકવરીની ધુળધાણી કરી શકે તેવું સામે આવી રહ્યું છે. જેથી સરકારને થોડા દિવસ માટે વધુ કડક લોકડાઉન આવશ્યક હોવાનું સુચવાયું છે.

  • સ્થળાંતરિતોને થાળે પાડવા ખાસ ટ્રેન દોડાવવા સહિતના વિકલ્પો

ધંધા-વ્યવસાય અને અભ્યાસ સહિતના કારણોસર પોતાના વતનને છોડીને દેશના અન્યત્ર વિસ્તારોમાં વસતા ૨૫ ટકા સ્થળાંતરિતો લોકડાઉન દરમિયાન પોતાના વતન જવા ઉતાવળા બની રહ્યાં છે ત્યારે આ સ્થળાંતરિતોને તેમના વતન પહોંચાડવા પરિવહનની વ્યવસ્થા કેવી રીતે કરવી તે મુદ્દો સરકાર માટે મુશ્કેલ‚પ બની રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આ મુદ્દે રેલવેના અધિકારીઓ સાથે ગઈકાલ બપોરે બેઠક યોજી હતી. આ બેઠકમાં જ્યાં સ્થળાંતરિતો મોટી સંખ્યામાં હોય તેવા સ્થાનો પરથી ખાસ ટ્રેનો દોડાવવા સહિતના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે રેલવે મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે, આ મુદ્દે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળતા જ રેલવે તંત્ર ખાસ ટ્રેનો દોડાવશે. આ માટે રેલવેએ ૩૦ હજાર સ્વીપર કોચે તૈયાર રાખ્યા છે અને અમો સુચનાના ચારથી પાંચ કલાકમાં ખાસ ટ્રેનો દોડાવવા સક્ષમ છીએ.

  • સ્થળાંતરિતોને સ્થિર કરવા રૂ ૬૫ હજાર કરોડ ખર્ચાશે?

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતરિત થયેલ લોકોને વતન પરત પહોંચાડવા પાછળ ૬૫ હજાર કરોડનો ખર્ચ થાય તેવી શકયતા છે. લોકોને પરત પહોંચાડવા માટે ખાસ ટ્રાન્સપોર્ટ ફેસેલીટી આપવી પડશે. ત્યારબાદ તેમના રિપોર્ટ કરવા અથવા તેમને કવોરન્ટાઈન કરવાની સગવડ પણ રાખવી પડશે. આ ઉપરાંત જો આશ્રય આપવામાં આવે તો પણ તોતીંગ ખર્ચ લાગે તેવી શકયતા છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે સ્થળાંતરિતોને આશ્રય પણ આપવો પડશે. જો યોગ્ય પ્રમાણમાં દેખરેખ નહીં થાય તો કોરોનાનું સંક્રમણ લાગી શકે અને હજારો લોકો તેના ભરડામાં આવી શકે.

  • માલનું પરિવહન ઝડપથી થાય તે માટે ટ્રક ડ્રાઇવરનું લાયસન્સ પુરતું

લોકડાઉનના કારણે સમગ્ર દેશા થંભી જવા પામ્યો છે. જેમાં દેશભરમાં માલનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટ વ્હીકલોનો પણ સમાવેશ પણ થાય છે. માલ પરિવહન બંધ થઈ જતા દેશના અનેક વિસ્તારોમાં વિવિધ ચીજ વસ્તુઓની તંગીની ફરિયાદો ઉઠવાપામી છે. જેથી થોડાસમય પહેલા કેન્દ્ર સરકારે માલનું પરિવહન ચાલુ કરવા લોકડાઉનમાંથી ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટ વ્હીકલોને દેશભરમાં પરિવહન કરવાન છૂટ આપી હતી. કેન્દ્ર સરકારની છૂટ છતા અમુક રાજય સરકારો દ્વારા છૂટછાટનો પાસ ન હોવાના મુદે ટ્રકોને રોકવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ગઈકાલે ફરીથી દરેક રાજય સરકારોનામુખ્ય સચિવોને પત્ર લખીને ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટ વ્હીકલોને લોકડાઉનમાંથી મૂકિત પાસની કોઈ જરૂ ર ન હોવાનું અને ટ્રક ડ્રાઈવરનું લાયસન્સ જ પૂરતું હોવાનું સ્પષ્ટ કર્યું છે.

આ પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવે જણાવ્યું છે કે તેમના ૩ અને ૧૨ એપ્રિલના પત્રમાં આ અંગે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હોવા છતાં હજુ પણ અનેક રાજયોમાં ટ્રાન્સપોર્ટ વાહનોને પાસ ન હોવાના મુદે રોકવામાં આવે છે. જેના કારણે જીવન જરૂ રી ચીજ વસ્તુઓની સપ્લાય ચેઈન તુટી જવા પામે છે. જેથી આ પત્ર દ્વારા ફરીથી વખત સ્પષ્ટતા કરવામાં આવે છે કે ટ્રક સહિતનાટ્રાન્સપોર્ટ વ્હીકલોને લોકડાઉનના કોઈ પાસની જરૂ ર નથી માત્ર ડ્રાયવરા પાસે માન્ય ડ્રાઈવીંગ લાયસન્સ હોવું જરૂરી છે. ઉપરાંત આ પત્રમાં દરેક ટ્રકમાં બે ડ્રાયવર અને એક કલીનર રાખવાની પણ છૂટ આપવામાં આવ્યાનું જણાવાયું છે. ઉપરાંત ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટ વાહનોને આંતર રાજય પરિવહન દરમ્યાન પણ સરહદો પર પાસના મુદે રોકવામાં ન આવે તેવી તાકીદ પણ આ પત્રમાં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.