Abtak Media Google News

એજન્સીઓના કથિત દુરુપયોગ અને અદાણી વિવાદ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ, સામે રાહુલ ગાંધીના લંડનના નિવેદનનો મુદ્દો ભાજપે ચગાવ્યો

સંસદમાં બજેટના બીજા સત્રનો આજથી પ્રારંભ થયો છે. જે આગામી 6 એપ્રિલ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન 17 બેઠકો થશે. બીજી તરફ આજે પ્રથમ દિવસે જ ભાજપ રાહુલ ઉપર તૂટી પડ્યો હતો. બન્ને ગૃહોમાં હંગામો થતા બન્નેને કાલ સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી વિદેશની ધરતી પરથી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે ભારતમાં તેઓને બોલવા દેવામાં આવતા નથી. માટે જ વિદેશમાંથી બોલવું પડે છે. જો કે રાહુલબાબાના આ નિવેદનોને લઈ ભાજપ લાલઘૂમ છે. ભાજપ આજે સંસદમાં આ મુદ્દે તૂટી પડ્યું હતું. શરૂઆતમાં જ પિયુષ ગોયેલે  રાહુલ ઉપર આકરા તેરવ દેખાડ્યા હતા.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.  તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગૃહના વરિષ્ઠ નેતા છે. તેઓએ વિદેશી ધરતી પરથી ભારતનું અપમાન કર્યું છે.  તેમણે સંસદમાં આવીને માફી માંગવી જોઈએ.  તેમના નિવેદન બાદ વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો.  આ પછી ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ભાજપના નેતા પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.  તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ભારતના લોકો અને ગૃહનું અપમાન કર્યું છે. ભારતમાં વાણીની સ્વતંત્રતા છે અને દરેક વ્યક્તિ સંસદમાં પોતાના વિચારો રાખે છે. તેમને ભારત પર આવી ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. આવો અને માફી માગો. ”

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ લંડનમાં રાહુલના નિવેદનોને લઈને પ્રહારો કર્યા હતા.  તેમણે કહ્યું કે, તેઓ લોકસભામાં રાહુલ ગાંધીને જેટલો સમય આપવામાં આવ્યો છે તેનાથી વધુ બોલ્યા છે, તો પછી જ્યારે તેમને બોલવાની તક જ નથી આપવામાં આવી ત્યારે તેઓ કેવી રીતે બોલે છે.  તેણે ભારતની બહાર ભારતનું કેટલું અપમાન કર્યું.  તેમણે (રાહુલ ગાંધી) ભારતના લોકતંત્રને બચાવવા માટે અન્ય દેશને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી.  આ ભારત, ભારતની લોકશાહી અને સંસદનું અપમાન છે.  તેઓ જૂઠું બોલીને આ દેશનું અપમાન કેમ કરી રહ્યા છે?

રાહુલ ગાંધીને લઈને ચાલી રહેલા વિવાદ પર બીજેપી સાંસદ રાજ્યવર્ધન રાઠોડનું નિવેદન પણ આવ્યું છે.  તેણે કહ્યું કે કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ તેમની ટીમ વિરુદ્ધ કામ કરે છે, તે (રાહુલ ગાંધી) આવા જ એક ખેલાડી છે.  ભારતને બદનામ કરવા તે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવતો રહ્યો.  તેમને દેશ અને દુનિયાની વાત પછી કરવા દો, પહેલા તેઓ જણાવે કે રાજસ્થાનમાં આવી હાલત કેમ છે?

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે રાહુલના નિવેદન પર ચાલી રહેલા વિવાદને મામૂલી રાજકારણ ગણાવ્યું છે.  તેમણે કહ્યું કે આ સસ્તી રાજનીતિ છે. રાહુલ ગાંધીએ એ નથી કહ્યું કે તેમના પર શું આરોપ લગાવવામાં આવી રહ્યા છે.  તમે તેમનું નિવેદન જોઈ શકો છો.  મને અહીં એવું કંઈ દેખાતું નથી કે જેના માટે તેણે માફી માંગવાની જરૂર હોય.

સંસદના બંને ગૃહોમાં 35 બિલ પેન્ડિંગ

રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં 26 અને લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેને સરકાર પાસ કરાવવા માંગે છે.  આ સિવાય સરકારે ગત શિયાળુ સત્ર દરમિયાન મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી (સુધારા) બિલ-2022 અને જન વિશ્વાસ (સુધારા) બિલ-2022 સંયુક્ત સમિતિને મોકલ્યા હતા.  સમિતિ આ બિલોની તપાસ કરી રહી છે.  સીપી જોશીની આગેવાની હેઠળની સમિતિ આ સત્રમાં જ મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ બિલ પર રિપોર્ટ રજૂ કરશે.  સરકારે એજન્ડામાં જૈવવિવિધતા સુધારા બિલ-2021ની નોંધણી પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.