Abtak Media Google News
  • આંધ્રપ્રદેશમાં ટીડીપી સાથે ગઠબંધન: 25માંથી 17 બેઠકો ઉપર ટીડીપીના, 6 બેઠકો ઉપર ભાજપ અને 2 બેઠકો ઉપર જનસેના પાર્ટીના ઉમેદવારોને ઉભા રાખવાનો વ્યૂહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન 400 + માટે દક્ષિણ ભારત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં અગાઉ વડાપ્રધાન મોદીએ પુરજોશમાં જાહેર સભાઓને સંબોધિત કરી અને રોડ શો પણ કર્યા છે. ભાજપે આ વખતે દક્ષિણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે,  દક્ષિણ ભારતમાં લોકસભાની કુલ 131 બેઠકો છે, જેમાં તમિલનાડુમાં 39, કર્ણાટકમાં 28, આંધ્રપ્રદેશમાં 25, કેરળમાં 20, તેલંગાણામાં 17, પોન્ડિચેરી અને લક્ષદ્વીપમાં એક-એક બેઠકનો સમાવેશ થાય છે.

Advertisement

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે 370 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે અને જો ભાજપ 2019ની સરખામણીમાં દક્ષિણના રાજ્યોમાં કરિશ્માપૂર્ણ પ્રદર્શન આપે તો જ આ હાંસલ કરી શકાશે.  વિપક્ષી ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસનું પણ સંપૂર્ણ ધ્યાન દક્ષિણ પર છે, કારણ કે દક્ષિણના બે મોટા રાજ્યો કર્ણાટક અને તેલંગાણામાં તેની સરકારો છે.  રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી લોકસભાના સાંસદ પણ છે અને આ વખતે પણ તેઓ આ સીટ પરથી ચૂંટણી લડશે.  કોંગ્રેસના સહયોગી સીપીઆઈએ વાયનાડ બેઠક પરથી ઉમેદવાર ઉતારીને વિપક્ષી ગઠબંધનમાં ભંગાણની તસવીર ચોક્કસપણે સ્પષ્ટ કરી છે.

બીજી તરફ ભાજપે આંધ્રપ્રદેશના વધુ બેઠકો મેળવવા માટે ટીડીપી સાથે ગઠબંધન કર્યું છે. આ ગઠબંધન મુજબ હવે આંધ્રપ્રદેશની કુલ 25 બેઠકોમાં 17 બેઠકો ઉપર ટીડીપીના, 6 બેઠકો ઉપર ભાજપ અને 2 બેઠકો ઉપર જનસેના પાર્ટીના ઉમેદવારોને ઉભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કર્ણાટક

કર્ણાટકમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 28માંથી 25 બેઠકો જીતી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તેના પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.  અહીં, ભાજપ માટે તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું એક મોટો પડકાર છે, આવી સ્થિતિમાં, ભાજપની સંશોધન ટીમ પાયાના સ્તરે સંપૂર્ણ રીતે કાર્યરત છે.

તમિલનાડુ

ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુમાં ડીએમકે અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ વગર ગઠબંધન બનાવવાનો ઈરાદો જાહેર કર્યો. હવે ભાજપ ત્યાં નાના પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે.  કેરળમાં પણ ભાજપની નજર ઘણી નાની પાર્ટીઓ પર છે, જેમાંથી કેટલાક સાથે તેણે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે..

કેરળ

રાજ્યમાં 20 બેઠકો છે. અનેક બેઠકો કોંગ્રેસ અથવા ડાબેરી પક્ષોમાં જાય તેવી શક્યતા છે.  એનડીએ ગઠબંધને વધુમાં વધુ સીટ મેળવવા કમર કસી છે. ભાજપે અગ્રણી ખ્રિસ્તી નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ કે એન્ટની અને કેરળના દિગ્ગજ નેતા પીસી જ્યોર્જનો સમાવેશ કર્યો છે. વધુમાં, પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેરળની વારંવારની મુલાકાતોનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.