Abtak Media Google News
  • અમદાવાદ ખાતેથી રેલવેના રૂ. 85000 કરોડના 6000 જેટલા પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પિત કર્યા: 10 નવી વંદે ભારત ટ્રેનોને આપી લીલીઝંડી: 35 રેલ કોચ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન
  • રેલવે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતેથી રેલવેના રૂ. 85 હજાર કરોડના 6000 જેટલા પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પિત કરી રેલવેને પુરપાટ દોડાવવા પટારો ખોલ્યો છે.  દેશમાં 764 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  તમામ સ્ટેશનો પર 10,000 ડિજિટલ સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન સીધા સાબરમતી ડી કેબિન ખાતે પહોંચ્યા હતા. જયાં વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું. અહીંથી જ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી.   આમાં પશ્ચિમ રેલવેની અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે.  જ્યારે ચાર વંદે ભારત ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી બતાવી હતી.  જેમાં અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી છે.  આ ઉપરાંત વડાપ્રધાન આસનસોલ અને હટિયા અને તિરુપતિ અને કોલ્લમ સ્ટેશનો વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી છે.  આ ઉપરાંત ન્યૂ ખુર્જા જંક્શન, સાહનેવાલ, ન્યૂ રેવાડી, ન્યૂ કિશનગઢ, ન્યૂ ઢોલવાડ અને ન્યૂ મકરપુરાથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર માલગાડીઓને પણ ફ્લેગ ઑફ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 35 રેલ કોચ રેસ્ટોરન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.  આમાં અંધેરી અને બોરીવલીમાં વેસ્ટર્ન રેલવેની રેલ કોચ રેસ્ટોરન્ટનો પણ સમાવેશ થાય છે.  રેલ કોચ રેસ્ટોરન્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને જનતાની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત રેલવે માટે ભાડા સિવાયની આવક ઊભી કરવાનો છે.  આ સિવાય પીએમ રેલવે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ જન ઔષધિ કેન્દ્રો લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડશે.  પીએમબીકેજી પશ્ચિમ રેલ્વેના અંકલેશ્વર, વલસાડ, મહેસાણા અને રતલામ એમ ચાર સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવ્યા છે.

1500થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ્સનો પ્રારંભ

પ્રધાનમંત્રી દેશભરમાં ફેલાયેલા 1500 થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. જેમાંથી 89 વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ પશ્ચિમ રેલવેમાં છે.  તેમાં મુંબઈના 34 ઉપનગરીય સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે.  આ સ્ટોલ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક કારીગરો અને વ્યવસાયો માટે આવક પેદા કરશે.  આ કાર્ય દ્વારા 6 લાખથી વધુ વિશ્વકર્મા જેમ કે સુથાર, સુવર્ણકાર, લુહાર, ધોબી, દરજી વગેરે પીએમ સાથે સીધા જોડાશે.  પ્રધાનમંત્રીએ 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશનો/ઇમારતો રાષ્ટ્રને સમર્પિત કરી છે.  આ પહેલ ભારતના રિન્યુએબલ એનર્જી ધ્યેયોમાં યોગદાન આપશે અને રેલ્વેના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરશે.

229 જેટલી ગુડ્ઝ ટ્રેનને લીલીઝંડી બતાવાય

પીએમએ 229 ગુડ્ઝ શેડ રાષ્ટ્રને સમર્પિત કરી છે.  તેમાંથી છ ગુડ્સ શેડ પશ્ચિમ રેલવે પર છે.  જેમાં ઉધના, અસારવા, નરોડા, રાધનપુર, ધોસાવાસ અને નીમચમાં ગુડ્સ શેડનો સમાવેશ થાય છે.  નવા સારા શેડ લગાવીને નવો ટ્રાફિક ઉમેરવામાં આવશે.  ભારતીય રેલ્વેએ અત્યાર સુધીમાં 1476 મિલિયન ટન લોડિંગ હાંસલ કર્યું છે, જે અગાઉના સમયગાળા કરતાં 70 મિલિયન ટન વધુ છે.  નવા ઈલેક્ટ્રીફાઈડ સેક્શનનું સમર્પણ, ટ્રેક/મલ્ટી-ટ્રેકિંગ, રેલવે ગુડ્સ શેડ, વર્કશોપ, લોકો શેડ, પીટ લાઈન્સ/કોચિંગ ડેપો વગેરેનો વિકાસ જેવા અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું પણ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.  આ પ્રોજેક્ટ્સ આધુનિક અને મજબૂત રેલવે નેટવર્ક બનાવવા પ્રત્યે સરકારના સમર્પણનો પુરાવો છે.  આ રોકાણ માત્ર કનેક્ટિવિટી જ નહીં બલ્કે આર્થિક વૃદ્ધિને વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

51 ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ શરૂ

વડાપ્રધાન 51 ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.  આ ટર્મિનલ્સ પરિવહનના વિવિધ માધ્યમો વચ્ચે માલસામાનની સીમલેસ હિલચાલને પ્રોત્સાહન આપશે.  તેમાંથી સાત ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પશ્ચિમ રેલવે પર સમર્પિત કરવામાં આવ્યા છે.  તેમાં વિરોચનનગર, બેચરાજી, વધારવા, સુરબારી, લીલીયા મોતા, દહેજ અને વરનામા ખાતેના ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો સમાવેશ થાય છે.

80 વિભાગોમાં સ્વચાલિત સિગ્નલિંગના 1045 કિમી રૂટ શરૂ

વડાપ્રધાન 80 વિભાગોમાં સ્વચાલિત સિગ્નલિંગના 1045 કિમી રૂટ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.  આ અપગ્રેડેશનથી ટ્રેનની કામગીરીની સલામતી અને કાર્યક્ષમતામાં વધારો થશે. વડાપ્રધાને 2646 સ્ટેશનો પર રેલ્વે સ્ટેશનોના ડિજિટલ નિયંત્રણને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.  આનાથી ટ્રેનોની કાર્યક્ષમતા અને સલામતીમાં સુધારો થશે.

ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેકટનો કરાયો પ્રારંભ

અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ’મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો  પ્રારંભ કરાવ્યો છે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.

અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાય

મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઉપરાંત પશ્ચિમ રેલવેએ સૌરાષ્ટ્રની રેલવે કનેક્ટિવિટીને વધુ સુવિધાજનક બનાવી છે તે, રીતે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને મોટી રાહત અને સુવિધા પુરી પાડી છે, તે અંતર્ગત ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે. ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નેટવર્ક દિવસે ને દિવસે વધારી રહી છે. તે અંતર્ગત રેલવે વિભાગે અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલ ગાંધીનગર-મુંબઈ વચ્ચે એક વંદે ભારત ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે. જે અમદાવાદ સ્ટેશન પર ઊભી રહે છે. પરંતુ મુસાફરોની માંગ અને ઘસારાને ધ્યાને લઈને અમદાવાદથી જ ટ્રેન સંચાલિત કરવાનો નિર્ણય લેવાયો છે. જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી 12 માર્ચે વર્ચ્યુઅલી 10 ટ્રેનોને લીલીઝંડી બતાવશે. જેમાં અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.