Abtak Media Google News
  • પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ સહિત 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી છતાં વિક્રમજનક જીત
  • સવા વર્ષ પૂર્વે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય પણ ભાજપ માટે ફળદાયી નિવડ્યો ઓછું મતદાન કમળ માટે બન્યું આશિર્વાદ, હવે પાંચ વર્ષ વિકાસને જ પ્રાધાન્ય અપાશે

જનસંઘથી ગુજરાતને ભાજપની રાજકીય લેબ માનવામાં આવે છે. અહિં ગમે તેવાં આકરા નિર્ણયો લેવામાં આવે તો પણ તેનું પરિણામ ભાજપ તરફી જ આવે છે. આ વાત આજે વધુ એક વખત ચરિતાર્થ થઇ જવા પામી છે. ગુજરાતની રાજકીય લેબમાં ભાજપના તમામ પરિક્ષણોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી નાંખવા છતાં ભાજપની વિક્રમજનક જીત થવા પામી છે. સવા વર્ષ પૂર્વે ગુજરાતમાં કરવામાં આવેલું નેતૃત્વ પરિવર્તન પણ ભાજપ માટે ફળદાયી સાબિત થયું છે. ઓછું મતદાન કમળ માટે આશિર્વાદરૂપ નિવડ્યું છે. સી.આર.પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે લીધેલાં કડવા અને આકરા નિર્ણયો પક્ષને ફળ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

સામાન્ય રીતે કોઇપણ સત્તાધારી પક્ષ જ્યારે બે ટર્મથી વધુ સત્તામાં રહે ત્યારે તેની સામે સત્તાવિરોધી લહેર જોવા મળતી હોય છે. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી અને 6 ટર્મથી સતત ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બની રહ્યું છે. છતાં ગુજરાતની સાડા છ કરોડ જનતાએ વધુ એક વખત ગુજરાતની ગાદીનું સુકાન ભાજપને સોંપ્યું છે.

આજથી સવા વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર-2021માં ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીપદેથી નિતીનભાઇ પટેલ સહિત આખા મંત્રીમંડળને ઘરે બેસાડી દેવામાં આવ્યું હતું. જેના સ્થાને ગુજરાતની બાગડોર ભૂપેન્દ્રભાઇ પટેલને સોંપવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉપરાંત આખું મંત્રીમંડળ નવું હોવા છતાં સવા વર્ષ દરમિયાન વિકાસવાદને આપવામાં આવેલા પ્રાધાન્યને કારણે સતત સાતમી વખત ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે.

ઉમેદવારોની પસંદગીથી લઇ ચૂંટણી પ્રચાર સુધી ભાજપે ગુજરાતમાં નવા-નવા પ્રયોગો કર્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, વર્ષોથી પક્ષનો ચહેરો ગણાતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદુ, કૌશિક પટેલ સહિતના મોટા માથાઓ અને 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી નાંખવામાં આવી હતી. ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં પણ મંત્રી રહેલા કેટલાંક નેતાઓને ફરી ટિકિટ આપવામાં આવી ન હતી. રાજકોટ જેવા સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર ગણાતા શહેરમાં પણ ભાજપે ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દીધી હતી અને નવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલાઓને મેદાન ઉતારવામાં આવી હતી. જ્યારે પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ત્યારે રાજકીય પંડિતોના મનમાં પણ અનેક સવાલો ઉભા થયાં હતાં.

જો કે, ગુજરાતએ ભાજપ માટે સ્થાપના કાળથી રાજકીય લેબોરેટરી રહી છે. અહિં ગમે તેવા પ્રયોગો કરવામાં આવે તેનું પરિણામ હમેંશા ભાજપ માટે ફળદાયી રહે છે. ગુજરાતે વધુ એક વખત આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે. સવા વર્ષ પહેલા નેતૃત્વ પરિવર્તન અને એક સાથે 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી હોવા છતાં ગુજરાતમાં ભાજપ માત્ર જીતી રહ્યું નથી પરંતુ રેકોર્ડ બ્રેક લીડ સાથે નવો ઇતિહાસ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.