Abtak Media Google News

૪૩ જીલ્લા મહાનગરોમાં ભાજપની બૃહદ સંકલન સમિતિની બેઠકો શરૂ

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના આઠ મહાનગરો સહિત કુલ ૪૩ જિલ્લા, મહાનગરોમાં હવે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બુથ સ્તર સુધીના સંગઠનને સક્રિય કરવા માટે બૃહદ સંકલન બેઠકો, પ્રભારીઓના પ્રવાસો શરૂ કર્યા છે. તાજેતરમાં મળેલી પ્રદેશ બેઠકમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ પ્રભારીઓને આપેલા માર્ગદર્શન પ્રમાણે હવે જિલ્લા, મહાનગરોમાં કામગીરીને ગિયર અપ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આગામી ચૂંટણીને અનુલક્ષીને ભાજપે જેટલા આગેવાન કાર્યકરો, પદાધિકારીઓ તેમજ સક્રિય કાર્યકરોને ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપી છે તેમને હવે પોતાના જિલ્લા, મહાનગર સિવાયના વિસ્તારો (પક્ષીય કામગીરી સિવાય વ્યક્તિગત અથવા સામાજિક પ્રવાસો, ગુજરાત બહારના)માં લાંબા સમયના પ્રવાસો કરવા પર પાબંધી ફરમાવી છે. વિશેષ કરીને જે જિલ્લા, મહાનગરોમાં ભાજપની રૂપાણી સરકાર દ્વારા આગામી તા.૬થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી નર્મદા યાત્રા તેમજ ઓક્ટોબરમાં યોજાનારી ભાજપની પ્રચાર યાત્રાની જવાબદારી છે તેવા કાર્યકરોએને આ વિશેષરૂપથી લાગુ પડશે. સૂત્રોના કહેવા પ્રમાણે, છેલ્લા ત્રણ મહિનાથી ભાજપે તેના પ્રદેશથી લઇને છેક બુથ સ્તર સુધીના સંગઠનને ચૂંટણીના માઇક્રો પ્લાનિંગ માટેની તૈયારીઓ માટે સક્રિય કર્યું છે. હવે આ તૈયારીનો બીજો તબક્કો સપ્ટેમ્બર માસથી શરૂ થઇ રહ્યો છે તેના કાર્યક્રમો તાજેતરમાં પ્રદેશ કક્ષાએ મળેલી બૃહદ બેઠકમાં નક્કી કરાયા છે. જિલ્લા, મહાનગરોના પ્રભારીઓના પ્રવાસ શરૂ કરી દેવાની સૂચના અપાઇ છે. પ્રભારીઓને એમના વિસ્તારમાં ઓછામાં ઓછા બે દિવસ સુધી રાત્રિ રોકાણ કરીને બેઠકો, સમીક્ષા બેઠકો યોજવા જણાવાયું છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં નર્મદા યાત્રાના રૂટમાં આવતા ૨૩ જિલ્લાના દસ હજાર ગામોમાં તૈયારીઓ માટે સમિતિઓ બનાવી સમગ્ર કાર્યક્રમ સફળ રહે તેની સૂચના અપાઇ છે. નર્મદા યાત્રા માટે ૭૫ રથ તૈયાર કરાયા છે આ રથ છેક ગામે ગામ ફરશે. ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમનું લોકાર્પણ કરવા આવવાના છે આથી મધ્ય ગુજરાતના સંગઠનને વિશેષ તૈયારીઓ કરવાની સૂચના અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.