બોટાદ: યુવક વાળ કપાવતો હતો અને પાછળથી આવી છાતી-ગળામાં કાતરના ઘા ઝીંકયા, ઢીમ ઢાળી દીધું 

અબતક, રાજકોટ

બોટાદ જીલ્લામાં શરૂ  થયેલી ખુનની પરંપરામાં બે દિવસ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવાનનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી જે બનાવના આરોપીઓ હજુ પકડાયા નથી ત્યાં ગઇકાલે સાંજે બરવાળા તાલુકાના વહીયા ગામે વાણંદની દુકાને વાળ કપાવા બેઠેલા કોળી યુવાનને આડા સંબંધની શંકાના કારણે કોળી શખ્સે છાતી અને ગળામાં કાતરના ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના વહીયા ગામે રહેતા અને હીરાનું કારખાનું ધરાવતા શૈલેષ કેશુભાઇ કોગતીયા (ઉ.વ.૨૬) નામના કોળી યુવાને બરવાળા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બરવાળાના વહીયા ગામે રહેતા રણજીત થોભણ ડાળસરાનું નામ આપ્યું છેે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે સાંજે ફરીયાદીનો નાનો ભાઇ સંજય કેશુભાઇ કોગતીયા (ઉ.વ.ર૯) ગામમાં આવેલ કમલેશભાઇ વાણંદની દુકાને વાળ કપાવવા ગયો હતો ત્યારે આરોપી રણજીત સામે વાણંદની દુકાને ભેટી ગયો હતો.

રણજીત ડાળસરાની સગાઇ ત્રણ વર્ષ પહેલા બોટાદના કારીયાણી ગામે રહેતા ફરીયાદીના મામા દિનેશ લાભુભાઇ સીતાપરાની પુત્રી રિન્કુ સાથે થયેલ છે અને રિન્કુને ફરીયાદીના ભાઇ સંજય સાથે આડાસંબંધ હોવાની રણજીતને શંકા જતા અગાઉ માથાકુટ થઇ હતી જેનો ખાર  રાખીને ગઇકાલે સાંજે વાળ કપાવવા બેઠેલા સંજયને વાણંદની દુકાનમાં પડેલ કાતરનો છાતી અને ગળામાં ઘા ઝીંકી દેતા સંજયને ગંભીર ઇજા સાથે ૧૦૮માં બરવાળા હોસ્પિટલ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ: હતું.

પોલીસની તપાસમાં મરનાર સંજય બેભાઇ એક બહેનમાં સાથી નાનો હોવાનું અને તેના સાત માસ પહેલા આશા નામની યુવતિ સાથે લગ્ન થયા હતા.આ બનાવ અંગે પોલીસે ખુનનો ગુનો નોંધી વિશેષ તપાસ બરવાળા પી.એસ.આઇ. કે.એમ. કારેલા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે અને નાશી છુટેલા આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.