Abtak Media Google News

ખાનગી કંપનીઓ હજુ સેંકડો નાના ગામોને ઈન્ટરનેટ નથી આપી શકી, તેવા ગામો માટે બીએસએનએલ

બનશે આશાનું કિરણ: આગામી વર્ષના મધ્યમાં 2.2 લાખ ગામોને 4જી નેટ પુરૂ પાડવાનો લક્ષ્યાંક

બીએસએનએલ ફરી માર્કેટમાં આવી રહ્યું છે. હાલ તે સરકારના 4G સેચ્યુરેશન પ્રોગ્રામ પર કામ કરી રહી છે જ્યાં દરેક ગામ કે જેઓ પાસે હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન નથી તેઓને આવતા એક વર્ષમાં એક સાથે પ્રદાન કરવામાં આવશે તેમ ટેલિકોમ સચિવ કે રાજારામને શુક્રવારે જણાવ્યું હતું.

બીએસએનએલ એક્ટિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે, એમ રાજારામને એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટમાં જણાવ્યું હતું. ભારત નેટ પ્રોગ્રામ થકી બીએસએનએલ લગભગ 1.9 લાખ ગામડાઓ સુધી પહોંચવામાં સક્ષમ બન્યું છે અને આગામી વર્ષના મધ્ય સુધીમાં 2.2 લાખ ગામડાઓ સુધી પહોંચવાનું લક્ષ્ય છે.  રાજારામને જણાવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારતના તમામ 6 લાખ ગામડાઓમાં ભારત નેટ નેટવર્ક પહોંચાડવા માટેનું આયોજન હાથ ધરી રહ્યું છે.સરકાર 600 બ્લોકમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે જેમાં તેણે સબસિડીવાળા ખર્ચે 30,000 થી વધુ પરિવારોને ભારત નેટમાંથી ફાઈબર કનેક્શન આપ્યા છે.ઉદ્યોગને ઓપ્ટિક ફાઈબર નેટવર્કને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરવા માટે, સરકાર નીતિગત પગલાં લઈ રહી છે. બીજી તરફ ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએસએનએલના પુનરુત્થાન માટે રૂ. 1.64 લાખ કરોડના મેગા પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને તે ટેલિકોમ પાવર સપ્લાય યુનિટને સંપૂર્ણપણે બદલી નાખશે.

આડેધડ ખોદકામ ફાયબર નેટવર્ક માટે નુકસાનકારક

રાજારામને જણાવ્યું હતું કે બાંધકામ પ્રવૃત્તિઓ અને પાણી અને ગેસની પાઇપલાઇન નાખવાને કારણે ફાઇબર નેટવર્કમાં દર મહિને દર 1,000 કિલોમીટરે ઓછામાં ઓછા ચાર કટ આવે છે.આવા કાપને ઘટાડવા માટે, સરકાર કેટલાક રાજ્યોમાં નીતિગત હસ્તક્ષેપની પહેલ કરી રહી છે જ્યાં ખોદકામ કરતા લોકોએ ફાઈબર નેટવર્કના માલિકોને જાણ કરવી પડશે, જેથી એકસાથે મળીને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નુકસાન ઓછું થઈ શકે.

બીએસએનએલના પુન:ઉત્થાન ઉપર સરકારનું સંપૂર્ણ ધ્યાન

મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં મોબાઈલ ડેટા વિશ્વમાં સૌથી સસ્તો છે.  અહીં એક ગીગાબાઈટ ડેટા 20 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે, જે યુપી સરકાર દરમિયાન લગભગ 200 રૂપિયા હતો.  આ સાથે, તેમણે કહ્યું કે સરકારનું સંપૂર્ણ ધ્યાન બીએસએનએલના પુનરુત્થાન તરફ છે, જેમાં સેવામાં સુધારો, સ્પેક્ટ્રમની ફાળવણી અને અન્ય ઘણી બાબતોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.