Abtak Media Google News

1 જાન્યુઆરીએ અખિલ ગુજરાત અને 5 ફેબ્રુઆરીએ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે

ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગરવા ગઢ ગિરનાર ઉપર સૌથી ઝડપી ચડાણ અને ઉતરાણ કરવાની એશિયાની સૌથી કઠિન અને સાહસ પૂર્ણ કહી શકાય તેવી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા. 1 જાન્યુઆરી  અને 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા   5 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે. દર વર્ષે રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે.

Advertisement

ત્યારે આગામી વર્ષ 2023 ના જાન્યુઆરી માસની પહેલી તારીખે 37 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી રજીસ્ટ્રેશન કરાવનાર 4 વિભાગના કુલ 1,457 સ્પર્ધકો ભાગ લેશે. જેમાં સિનિયર ભાઇઓ 544, જુનિયર ભાઇઓ 489, સિનિયર બહેનો 233, જુનિયર બહેનો 191 નો સમાવેશ થાય છે.

આ સાથે 15 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા. 5 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે. જેમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા ઉમેદવારોની સાથે પૂરા ભારત વર્ષના સાહસિક યુવક – યુવતીઓ ભાગ લેશે.

રાજ્યના સાહસિક યુવક-યુવતીઓ માટે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ગિરનાર ખાતે થશે. આ સ્પર્ધાના સુચારું આયોજન અંગે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયાની અધ્યક્ષતામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાના સુચારૂ આયોજન અને સંચાલન અંગે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્પર્ધાની તારીખ, વિભાગો, સ્પર્ધા અંતર અને સમય સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધા માટે અધિકારીઓના અધ્યક્ષસ્થાને ઉદ્ધાટન-ઇનામ વિતરણ સમિતિ, પ્રચાર-પ્રસાર અને સંપર્ક સમિતિ, પરિણામ સમિતિ, નિવાસ અને કાર્યલય સમિતિ, મેડિકલ અને ભોજન સમિતિની રચના કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.