મલાડમાં ઈમારત ધરાશાયી: 9ના મોત, 8ને ઈજા, મૃતાંક વધવાની ભીતિ !

મુંબઈમાં ચોમાસાના વરસાદના ધોધમાર આગમનની સાથે જ મલાડના માલવાણી વિસ્તારમાં મોડીરાત્રે રહેણાંક ઈમારત પત્તાના મહેલની જેમ ધસી પડતા કાટમાળમાં દબાઈ જવાથી 9ના મોત અને 8ને ઈજાગ્રસ્ત હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા છે. હજુ સંભવિત કાટમાળમાં કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઘવાયેલાઓમાંથી કેટલાંકની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.

ધરાશાયી ઈમારત નજીકના જૂના મકાનો પણ જોખમી સ્થિતિમાં

બુધવારે મોડી રાત્રે મલાડ વિસ્તારમાં આવેલ માલવાણીમાં રહેણાંક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. મોડી રાત્રે 11 વાગ્યે સર્જાયેલી આ દુર્ઘટના ચાલુ વરસાદમાં સર્જાતા બચાવ રાહત કામગીરીમાં પણ મોટો અવરોધ ઉભો થયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં 9 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજેલ હાલતમાં મૃતદેહ મળ્યા હતા. તમામને કાંદીવલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડ પ્લસ 3 માળની રહેણાંક ઈમારત છેલ્લા કેટલાંક સમયથી જર્જરીત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. હજુ આ ઈમારત સંલગ્ન અન્ય જર્જરીત ઈમારત પડુ-પડુ થઈ હોય તેવી સ્થિતિમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. આ દુર્ઘટનામાં હજુ મૃતાંક વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.