Abtak Media Google News

સતત ત્રીજા વર્ષે મેઘરાજા મન મૂકી વરસશે

લોન્ગ પિરિયડ એવરેજ અનુસાર દેશમાં સાર્વત્રિક વરસાદ 96થી લઈ 104 ટકા સુધી પડી શકે

આવ રે વરસાદ…. વાયરસ અને વાવાઝોડું તો ફૂગની મહામારી વચ્ચે ધરતીપુત્રો માટે એ સારા સમાચાર છે કે આ વર્ષે વરસાદ સારો રહેશે… ચોમાસું 100 નહીં પણ 101% જમાવટ કરશે.  સતત ત્રીજા વર્ષે મેઘરાજા મન મૂકી વરસશે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે પણ ચોમાસુ સામાન્ય રહેશે અને લોન્ગ પિરિયડ એવરેજમાં 101 ટકા વરસાદ પડશે. કોરોનાના કપરાકાળમાં ધરતીપુત્રોને માટે આ આનંદના સમાચાર છે.

હવામાન વિભાગે અગાઉ પણ સારા વરસાદની આગાહી કરેલી છે. પણ ગઈકાલે મોન્સૂન અપડેટ આપતા ભારતીય હવામાન ખાતાના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે ચાલુ વર્ષે વરસાદ સામાન્ય થી ભારે વરસી શકે છે. અને લોન્ગ પિરિયડ એવેરેજમાં વરસાદ સિઝન દરમિયાન 101 ટકા વરસશે. લોન્ગ પિરિયડ એવેરેજનો અર્થ છેલ્લાં 50 વર્ષમાં દેશમાં જેટલો વરસાદ વરસ્યો હોય તેની સરેરાશ છે.

વર્ષ 1961 થી 2010 દરમિયાન સરેરાશ 88 સે.મી. વરસાદ વરસ્યો છે. જે મુજબ  હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પણ વરસાદ તેની નજીક રહી શકે છે. લોન્ગ પિરિયડ એવરેજની વાત કરીએ તો વરસાદ 96% થી લઈને 104% સુધી પડી શકે છે. એટલે કે એની સરેરાશ 101 ટકા છે. આગાહીમાં વધીને 4 ટકાનો તફાવત પડી શકે છે પરંતુ ઓવરઓલ વરસાદ તો સારો જ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વખતે વરસાદ મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધુ વરસશે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી નીચે રહેશે. બીજી લાંબી રેન્જની આગાહી જાહેર કરતાં આઇએમડીના ડાયરેક્ટર મહાપાત્રાએ કહ્યું કે જો આપણે સમગ્ર ભારતની સરેરાશ વિશે વાત કરીએ તો ચોમાસુ સામાન્ય રહેશે. ચોમાસું સામાન્ય રહેશે તેવું આ સતત ત્રીજું વર્ષ છે.

જણાવી દઈએ કે આવતા એકથી ત્રણ મહિના માટે હવામાનની આગાહીને લાંબા અંતરની આગાહી કહેવામાં આવે છે, તેમાં હવાનું દબાણ, ચક્રવાતનું અનુમાન અને ચોમાસાના વરસાદની આગાહી વગેરે શામેલ હોય છે. ત્યારે હાલ આ લાંબા ગાળાની આગાહી સરેરાશ જૂનથી સપ્ટેમ્બર મહિના માટે રજૂ કરવામાં આવી છે. આ દરમિયાન મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની ધારણા છે. જ્યારે પૂર્વીય ભાગમાં સામાન્ય કરતા ઓછો તો દક્ષીણમાં સામાન્ય વરસાદ રહેવાની ધારણા છે.

જણાવી દઈએ કે આ વખતે ચોમાસું બે દિવસ મોડું એટલે કે 3 જૂને કેરળ પહોંચશે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે ચોમાસુ 31 મેના રોજ કેરળ પહોંચી શકે છે. જો કે, તે પણ પાછળથી 4 દિવસ હોવાનો અંદાજ હતો. રવિવારે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 3 જૂને  કેરળ પહોંચશે.

કયા રાજયોમાં કેવો વરસાદ રહેશે??

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં એટલે કે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 92 થી 108 ટકા વરસાદ થવાની સંભાવના છે, જે સામાન્ય છે. તે જ સમયે, દક્ષિણ ભારતમાં એટલે કે કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને ગોવામાં 93 થી 107 ટકા વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર પૂર્વ રાજ્યો જેવા કે યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં 95 ટકાથી ઓછા વરસાદની સંભાવના છે. તે જ સમયે, દેશમાં વરસાદ આધારિત કૃષિ જમીન ધરાવતા મધ્ય ભારતના રાજ્યોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં 106 ટકાથી વધુ વરસાદ થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.