Abtak Media Google News

કોરોના હળવો થતા આવતીકાલથી રાજ્ય સરકારે અનેકવિધ છૂટછાટો જાહેર કરી છે. જેમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી રાખવા ઉપરાંત લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. સાથે રેસ્ટોરન્ટ અને હોટેલોને પણ છૂટ આપી દેવામાં આવી છે.

આવતીકાલથી રાજ્ય સરકારે જાહેર કરી અનેક છૂટછાંટો

દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : રેસ્ટોરન્ટ અને હોટેલો પણ ધમધમશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ ૧૧ જૂનથી ૨૬ જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય  દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે.

 

રાત્રી કર્ફ્યુનો અમલ  તારીખ 11 જૂન રાત્રે ૯ થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન  દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે

રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કૈલાસનાથન  ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત  વરિષ્ઠ સચિવો પણઉપસ્થિત રહ્યા હતા.

તંત્ર માટે ધર્મસંકટ : રાતના 9 વાગ્યાથી કરફ્યુ સામે 12 વાગ્યા સુધી ટેક અવેની છૂટ !!

રાજ્ય સરકારે ગઈકાલે સાંજે જે છૂટછાટ અંગેની જાહેરાત કરી છે. તેમાં રાતના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાંથી ટેક અવેની અપાયેલી છૂટે તંત્ર માટે ધર્મ સંકટ ઉભું કરી દીધુ છે. એક તરફ રાતના 9 વાગ્યાથી કરફ્યુ શરૂ થઈ જાય છે. બીજી તરફ રાતના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને પાર્સલના ટેક અવેની છૂટ આપવામાં આવી છે. મતલબ કે સરકારની સૂચના મુજબ કોઈ પણ વ્યક્તિ રાત્રીના 12 વાગ્યા સુધી ફૂડનું પાર્સલ લેવા બહાર નીકળી શકે છે. તો પછી કરફ્યુનો અર્થ શું? હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કઈ રીતે વર્તે છે.

સોમનાથ, દ્વારકા, ચોટીલા સહિતના મંદિરોના દ્વાર કાલથી ભાવિકો માટે ખુલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ આવતીકાલથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ કાલથી ખુલી જશે.અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે. જ્યારે પાવાગઢ મંદિર કાલથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામુંડા માતાજીનું મંદિર પણ કાલથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે.

માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર કાલથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર કાલથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.