Abtak Media Google News

આજનો યુવા ભારત આવનારા દાયકાઓમાં ઝડપથી વૃદ્ધ થઈ રહેલા સમાજમાં ફેરવાઈ જશે.એક રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. સદીના અંતમાં કુલ વસ્તીના 36 ટકા લોકો વૃદ્ધ હશે, જ્યારે હાલમાં માત્ર 10.1 ટકા છે. દેશમાં વૃદ્ધોની વસ્તી વધારવાની પ્રક્રિયા 2010થી શરૂ થઈ છે. વર્તમાન ટ્રેન્ડ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની સંખ્યા અંદાજે 15 વર્ષમાં બમણી થઈ રહી છે.

સદીના અંતમાં કુલ વસ્તીના 36 ટકા લોકો વૃદ્ધ થવાનો દાવો

ભારતીય વસ્તીની વૃદ્ધત્વને કારણે ઊભી થતી સમસ્યાઓ અને તેના નિદાન અને ઉકેલોને ધ્યાનમાં રાખીને, યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સે બુધવારે ઈન્ડિયા એજીંગ રિપોર્ટ 2023 બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, 2022 માં 7.9 અરબની વસ્તીમાંથી લગભગ 1.1 અરબ લોકો 60 વર્ષથી વધુ વયના હતા. આ વસ્તીના લગભગ 13.9 ટકા છે. 2050 સુધીમાં, વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધીને આશરે 2.2 અરબ (22%) પહોંચી જશે.

ભારતમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થવાના ત્રણ કારણો છે  પ્રજનનક્ષમતામાં ઘટાડો, મૃત્યુદરમાં ઘટાડો અને અસ્તિત્વમાં વધારો. છેલ્લા એક દાયકામાં દેશમાં પ્રજનનક્ષમતામાં 20 ટકાનો ઘટાડો થયો છે. 2008-10 દરમિયાન દેશનો કુલ પ્રજનન દર 86.1 હતો, જે 2018 થી 2020 દરમિયાન ઘટીને 68.7 થયો છે. રાષ્ટ્રીય સ્તરે 2021માં વૃદ્ધોની વસ્તી 10.1% હતી, જે 2036માં વધીને 15% થઈ જશે. 2050માં વૃદ્ધોની વસ્તી 20.8% હશે. રિપોર્ટ અનુસાર ડિપેન્ડન્સી રેશિયો ચિંતાનો વિષય છે. હાલમાં દર 100 કામ કરતા લોકો માટે 16 વૃદ્ધો અને દર 100 બાળકોની સરખાણીએ 39 વૃદ્ધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.