Abtak Media Google News

દેશમાં જળાશયોનો ઉપયોગ માત્ર પૈયજળ અને સિંચાઈ માટે જ નહીં, ડેમોની સાઈટોને વોટર ટુરીઝમ ક્ષેત્રે વિકસાવવાની દિશામાં હવે નવી ક્ષિતીજો તરફ પ્રયાણ

જળ એ જ જીવન… વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર મુળભૂત રીતે ખેતી આધારીત ગણવામાં આવે છે અને દેશના કૃષિ ક્ષેત્ર પર કુલ વસ્તીના ૮૨ ટકાથી વધુ ટકાવારી ધરાવતી ગ્રામીણ વસ્તીનો આર્થિક આધાર રહેલો છે ત્યારે કૃષિ અને પૈયજળ સહિતના વપરાશ માટે સતતપણે નિર્માણ પામતા જળાશયોની રચના અને જાળવણી સરકાર માટે એક મહત્વની કામગીરી હોય તે સ્વાભાવિક છે. કેન્દ્ર સરકાર ખાસ યોજના થકી દેશના કુલ ૧૯ રાજ્યોમાંથી ૭૩૬ જળાશયોના પુન: નિર્માણ, નવસર્જન અને વિકાસની એક ૧૦ વર્ષીય પરિયોજના માટે કમરકસી છે. સાથે સાથે સરકારે લીધેલા એક મહત્વના નિર્ણયમાં અત્યાર સુધી જળાશયોનો ઉપયોગ માટે પૈયજળ અને સિંચાઈ માટે જરૂરી પાણીની ઉપલબ્ધી માટે કરવામાં આવતું હતું. હવે સરકાર જળાશયોનો વિકાસ પ્રવાસનની દ્રષ્ટિએ કરવા માટે નવો દ્રષ્ટિકોણ અપનાવીને એક મહત્વની દિશા તરફ આગળ વધી રહી છે.

કેન્દ્રીય કેબીનેટે ગઈકાલે ગુરૂવારે દેશના ૧૯ રાજ્યોના ૭૩૬ જળાશયોને આગામી ૧૦ વર્ષની પરિયોજના અંતર્ગત નવસાધ્ય કરવાના વિધેયકને મંજૂરીની મહોર લગાવી દીધી છે. જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેબીનેટની કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જળાશયોના નવસાધ્યકરણ અને તેની સુધારણાની બે થી ત્રણ તબક્કાના કાર્યો ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન રૂા.૧૦૨૧૧ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.

મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આ પરિયોજનાની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૨માં શરૂ થયેલી આ પરિયોજના ૨૦૨૦ સુધીમાં પુરી થઈ છે જેમાં ૨૨૩ ડેમોને વિશ્ર્વ બેંકની સહાયથી નવસાધ્ય કરવામાં આવ્યા હતા. રાજ્યની સરકારની માલિકીના સાર્વજનિક હેતુ માટે ઉપયોગમાં લેવાતા જળાશયોની નવસાધ્ય કરવાની કામગીરીને અગ્રતાના ધોરણે હાથમાં લેવામાં આવશે. આ યોજના અંતર્ગત જળાશયોનું નવસર્જન, નહેરોનું નિર્માણ, હયાત નહેરોની સાફસુફી, ડેમમાં ભરાયેલા કાપને દૂર કરી તેની જળસંચય શક્તિ વધારો કરવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ચીન અને અમેરિકાની જેમ જળાશયો આસપાસ પર્યટન સ્થળ, વોટરપાર્કનો પણ વિકાસ કરવામાં આવશે.

ભારતમાં કુલ ૫૩૩૪ મોટા ડેમો હયાત છે, ૪૧૧નું નિર્માણ કાર્ય ચાલુ છે, મોટાભાગના ૮૦ ટકાના ડેમોની આવરદા ૨૫ વર્ષની થઈ ગઈ છે તેમાંથી કેટલાંક તો ૧૦૦ વર્ષ જૂના થઈ ગયા છે તે અત્યારે ઉપયોગમાં આવી રહ્યાં છે. આવા ડેમોની ક્ષમતા વધારવા અને તેમને નવસાધ્ય કરવા માટે આ પરિયોજનામાં સમાવેશ થયો છે. સરકાર દ્વારા દેશના ૧૯ રાજ્યોમાં ૭૩૬ ડેમોને નવસાધ્ય કરવાની કામગીરીને કેબીનેટે લીલીઝંડી આપી દેતા ડેમોના નવસાધ્યની સાથે સાથે ડેમ સાઈટ પર પ્રવાસન ક્ષેત્રના વિકાસની એક નવી જ પરંપરા ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.