Abtak Media Google News
  • ફળો અને શાકભાજીને સુધારવામાં કાઢી નાંખવામાં આવતી છાલ એટલે સ્વસ્છતા માટે પોષકતત્વોની ચૂકવવી પડે કિંમત
  • ફળો અને શાકભાજીની છાલમાં પલ્પ કરતા વધુ પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે

આપણે સૌ જાણીએ છીએ કે સ્વાસ્થ્યને સારૂં રાખવા માટે ફળો અને શાકભાજી ફાયદાકારક હોય છે. પરંતુ આપણને એક પ્રશ્ર્ન સતાવતો હોય છે કે ફળો અને શાકભાજી છાલ સાથે ખાવા યોગ્ય છે કે છાલ વગર.કેટલાક ફળો અને શાકભાજી એવા છે. જેની છાલમાં જરૂરી ફાઇબર અને પોષક તત્વો હોય છે. જ્યારે તેમની છાલ દૂર કરવામાં આવે છે ત્યારે તે પોષક તત્વો પણ નષ્ટ થઇ જાય છે. પરંતુ હવે ખેતીમાં જંતુનાશકોના વગેરેના વધુ પડતા ઉપયોગને કારણે છાલ કાઢીને ખાવાનું ચલણ વધ્યું છે. પરંતુ ઘણી વખત આમ કરવા પાછળનું કારણ માહિતીનો અભાવ હોય છે.

Advertisement

આવી સ્થિતિમાંએ જાણવું જરૂરી છે કે ક્યા શાકભાજી અને ફળોને છાલ સાથે ખાવામાં આવે તો વધુ પોષણ મળશે. મોટાભાગના શાકભાજીના છાલમાં પણ પોષક તત્વો હોય છે. પરંતુ લોકો તેના વિશે જાગૃત્ત નથી. આ જ કારણ છે કે લોકો શાકભાજીને રાંધતા પહેલા તેની છાલ ઉતારવા લાગે છે. બટાટા, તુરિયા, કોળુ, કાકડીને છાલ ઉતાર્યા વગર ખાવાથી ફાયદો થાય છે. બટાકામાં આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિશન્સ અને મેગ્નેશિયમ હોય છે. જેના લીધે મેટાબોલિઝમ સુધરે છે. બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તુરિયાંમાં ફાઇબર વિટામિન-સી, કેલ્શિયમ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાચનતંત્ર તંદુરસ્ત રહે છે.

કોળુમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામીન બી-2, વિટામીન-ઇ, આર્યન હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને, પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કાકડીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર હોય છે. જેનાથી કબજીયાતમાં અસરકારક નિવડે છે તથા પેટની સમસ્યામાં રાહત આપે છે અને આંખો માટે પણ ફાયદાકારક છે. તેવી જ રીતે સફરજન, ચીકુ, કેરી, કીવી, પીચ, જરદાળુ છાલ સાથે ખાવાથી અનેક ફાયદા થાય છે. સફરજનમાં વિટામીન એ, સી, કે, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ હોય છે. જે લિવરને સ્વસ્થ બનાવે છે. ચીકુમાં વિટામીન એ, સી, ઇ અને કે હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. કેરીમાં પોલીફેનોલસ જે ડાઘ ઓછા કરવામાં મદદરૂપ થાય છે. કીવીમાં ફાઇબર, ફોલેટ, વિટામીન ઇ હોય છે. જેનાથી કેન્સર અથવા હૃદ્યરોગના જોખમ ઘટાડે છે. પીચમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ, ફાઇબર હોય છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જરદાળુમાં ફાઇબર, વિટામીન સી હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખે છે.

કેરીની છાલ ત્વચાને સ્વસ્થ બનાવે છે

કેરીને ફાળોની રાણી કહેવામાં આવે છે.. કેરીની છાલમાં  ફાયબર અને એન્ટિ-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે રોગોનું જોખમ ઘટાડે છે. જેમાં  વિટામિન એ,  સી,  કે, ફોલેટ, મેગ્નેશિયમ, કોલિન, પોટેશિયમ જેવા પોષક તત્ત્વો પણ હોય છે. આ સિવાય  કેરીની છાલને સૂકવીને તેને દહીંમાં મિક્સ કરીને ફેસ પેક પણ બનાવી શકો છો. આ ફેસ પેક ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરી શકે છે. જો કે, કેટલાક લોકોને કેરીની છાલથી એલર્જી થઈ શકે છે. તેથી, સાવચેત રહેવું જરૂરી છે.

ચીકુંની છાલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ચીકું હંમેશા છાલ સાથે જ ખાવા જોઈએ. તેમાં રહેલા એન્ટિઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વધુમાં, તેની છાલમાં પોટેશિયમ,આયર્ન, ફોલેટ જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે.

કોળાની છાલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે

કોળાની છાલ એન્ટિઑકિસડન્ટ, વિટામિન ઇ2, વિટામિન ઊ, આયર્ન જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબત બનાવે છે તેમજ કોળાની છાલમાં હાજર ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

કારેલા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે

કારેલાની છાલ ઇન્સ્યુલિન જેવા સંયોજન પોલીપેપ્ટાઈડ-પીથી ભરપૂર હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેની છાલ એન્ટિ ઑકિસડન્ટોથી સમૃદ્ધ હોય છે, જે શરીરમાંથી ઉચ્ચ ઝેરી કણોને દૂર કરે છે. આ સિવાય કારેલાની છાલમાં હાજર વિટામિન સી અને વિટામિન એ વાળની ચમક વધારે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.

તુરિયાની છાલ પાચનતંત્રને સુધારે છે

તુરિયાનુ શાક બનાવતી વખતે, લોકો સામાન્ય રીતે તેની છાલ ઉતારે છે. પરંતુ તુરિયાની છાલ ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્ત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. આનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

બટાકાની છાલ ત્વચા અને ચયા પચયને સુધારે છે

તમારે શાક બનાવવું હોય કે બટાકાને બાફીને ખાવું હોય. મોટાભાગના લોકો બટાકાની છાલ કાઢીને ફેંકી દે છે. હકીકતમાં આ છાલમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન અને મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે મેટાબોલિઝમ સ્વસ્થ રાખે છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ એજન્ટ ત્વચા માટે પણ ફાયદાકારક છે.

સફરજનની છાલ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે

સફરજનની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે  લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક  છે. તેની છાલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.

કાકડીની છાલ આંખો માટે ફાયદાકારક

કાકડીની છાલ અદ્રાવ્ય ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે કબજિયાત જેવી બીમારીઓથી રાહત આપે છે. તેની છાલમાં વિટામિન એ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ, ત્વચા અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

જરદાળુ ત્વચાના ડાઘ ઘટાડે

જરદાળુની છાલ ઘણા વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. તે ખીલ અને ડાઘથી પણ બચાવે છે.

કીવીની છાલમાં આવશ્યક પોષક તત્ત્વો હોઈ છે

કીવીની છાલ પણ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામીન અને એન્ટિઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. વધુમાં, છાલમાં હાજર ફાઇબર પેટમાં હાજર સારા બેક્ટેરિયાને પોષણ આપે છે, જે હૃદયરોગ, કેન્સર અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.