ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોના ગુજરાતમાં ધામા: સાંજે ધારાસભ્યો સાથે બેઠક

ભૂપેન્દ્ર યાદવ અને આશિષ સેલર બે દિવસ ગુજરાતમાં રોકાશે: રાજયસભાની ચાર પૈકી ત્રણ બેઠકો જીતવા ધડાશે વ્યુહ રચના

ગુજરાતમાં ખાલી પડેલી રાજયસભાની ચાર બેઠકો માટે આગામી શુક્રવારે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોઇપણ ભોગે ચારમાંથી ત્રણ બેઠકો જીતવા માટે ભાજપ મકકમ છે જેના માટે રણનીતી ધડવા આજથી ભાજપના બે કેન્દ્રીય નીરીક્ષકો બે દિવસ માટે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. સાંજે ભાજપના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી તમામન માર્ગદર્શન આપવામાં આવશે.

દેશના અલગ અલગ રાજયમાં ખાલી પડેલી રાજયસભાની બેઠકો માટે આગામી  ૧૯મી જુનના રોજ ચૂંટણી યોજાવાની છે ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો ખાલી પડી છે. ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા અગાઉ ભાજપને બે અને કોંગ્રેસને બે બેઠકો મળે તેમ હતી. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. બે બેઠકો જીતે તેમ હોવા છતાં ભાજપે અભયભાઇ ભારદ્વાજ, રસીલાબેન બારા  અને નરહરી અમીનને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સામા પક્ષે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલને ટિકીટ આપી છે. રાજય સભાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના નીરીક્ષક તરીકે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને મુંબઇ શહેર ભાજપના પૂર્વ અઘ્યક્ષ આશિષ સેલરની નિમણુંક કરી છે.

આ અંગે ભાજપા પ્રદેશ અઘ્યક્ષ જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે રાજયસભાની ચૂંટણી સંદર્ભમાં કેન્દ્રીય ભાજપા દ્વારા રાજયોના નિરીક્ષકો નીમવામાં આવ્યા છે. તે મુજબ ગુજરાતમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ અને મુંબઇના પૂર્વ અઘ્યક્ષ તથા પૂર્વ મંત્રી આશિષ સેલર આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય નિરિક્ષકો બે દિવસ સુધી ગુજરાતમાં રહીને પ્રદેશનાં મુખ્ય અગ્રણીઓ, ધારાસભ્યોને મળશે તેમજ આજે સાંજે ૫ કલાકે ઉમિયા ધામ, કલેકટર ઓફીસ સામે, ગાંધીનગર ખાતે આયોજીત ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

ભાજપ હાલ ચારમાંથી ત્રણ બેઠકો જીતી શકે તેવી પરિસ્થિતિમાં છે પરંતુ ત્રણ ધારાસભ્યો કોરોનાથી પીડાય રહ્યા છે. નિકાલના ધારાસભ્ય જગદીશ પંચાલ, નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અને વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ કોરોનાગ્રસ્ત હોવાથી હાલ હોમ કવોરન્ટાઇન છે તેઓ રાજયસભાની ચુંટણીમાં મત આપી શકશે કે કેમ તેના પર પણ સવાલ છે જો આ ત્રણ ધારાસભ્ય જો મત ન આપે તો કેવી રીતે ચારમાંથી ત્રણ બેઠકો જીતવી તેના માટે પણ આજે વ્યુહ રચના ઘડવામાં આવશે.

રાજયસભાની ચૂંટણીમાં એકડા-બગડાની રમતથી બેઠક જીતી શકતી હોય છે જો કોઇ ધારાસભ્ય મતદાન વેળાએ ફર્સ્ટ પ્રેફરન્સમાં ભૂલ કરે તો પક્ષે નુકશાની સહન કરવી પડતી હોય છે.

આવામાં આજે ભાજપના કેન્દ્રીય નીરીક્ષકો દ્વારા ભાજપના ધારાસભ્યો સાથેની બેઠકમાં દરેકને એવું માર્ગદર્શન આપશે કે કોને એકડા કરવાનો છે અને બીજો નંબર કોને આપવાનો છે જો કોરોનાગસ્ત ધારાસભ્ય મત ન આપે તો કેવી રીતે બેઠક કબ્જે કરી શકાય તેવી પણ વ્યુહ રચના ધડાશે બીટીપીના બે ધારાસભ્યો ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરશે તો ભાજપ માટે ત્રણ બેઠકો જીતવી આસાન બની જશે. છેલ્લા ઘણા સમયથી બિમાર એવા ભાજપના ધારાસભ્ય પરસોતમભાઇ સોલંકી અને શંભુભાઇ ઠાકોરને સહાયક દ્વારા મતદાન કરવાની આ વખતે ચુંટણી પંચ દ્વારા છુટ આપવામાં આવી છે.

ભાજપના કેન્દ્રીય નીરીક્ષકો ભુપેન્દ્ર યાદવ અને આશિષ સેલર સતત બે દિવસ ગુજરાતમાં રહી પક્ષને રાજયસભાની ચારમાંથી ત્રણ બેઠકો જીતાડવા વ્યુહ રચના ઘડશે.