Abtak Media Google News

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ગુરૂવારે 11 રાજ્યોના 100 સ્થળો પર દરોડા પાડયા છે. આ કાર્યવાહી રૂ. 3700 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે કરવામાં આવી હતી. આ ફ્રોડને લઈને દેશભરમાં 30 એફઆઈઆર દાખલ કરાઈ છે.

સીબીઆઈના સ્પોક્સપર્સન આર સી જોશીએ જણાવ્યું કે, દેશની અલગ અલગ બેંકમાંથી મળેલી ફરિયાદોના આધારે ફ્રોડ કરનારાઓ વિરૂદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આ દરોડા મારવામાં આવ્યા છે. ફરિયાદ કરનારી બેંકમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, એસબીઆઈ,  આઈડીબીઆઈ, કેનરા બેંક, ઈન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામેલ છે. જયપુર, ભોપાલ અને અમદાવાદમાં પણ કાર્યવાહી

આ બેંકની ફરિયાદના આધારે કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોયડા, ગુડગાંવ, ચેન્નાઈ, તિરુવરુર, વેલ્લોર, બેંગ્લુરુ, ગુંટૂર, હૈદરાબાદ, બલ્લારી, વડોદરા, કોલકાતા, પશ્ચિમ ગોદાવરી, સુરત, મુંબઈ, ભોપાલ, નિમાડી, તિરૂપતિ, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, રાજકોટ, કરનાલ, જયપુર અને શ્રીગંગાનગરમાં રેડ મારવામાં આવી હતી.

જોશીના જણાવ્યા અનુસાર, સીબીઆઈને અનેકવિધ બેંકોમાંથી થોકબંધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેના આધારે કાર્યવાહીના ભાગરૂપે સીબીઆઈ દ્વારા અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈ હાલ આ પ્રકરણમાં વધુ તપાસ કરી રહી છે.

દેશભરના મોટા શહેરોમાં કરાયેલી રેડમાં ગુજરાતના મહાનગરો પણ શામેલ છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ આ મામલામાં મોટા માથાઓના નામ પણ સામે આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.