Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી પાઠવ્યો પત્ર

કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાનું અભિયાન આખા દેશમાં સુચારુ રીતે ચાલી રહ્યું છે ત્યારે પત્રકારોને પણ રસીકરણ અભિયાનમાં અગ્રતા આપવી જોઈએ એવી સૌરાષ્ટ્ર-રાજકોટના પત્રકાર-ફોટોગ્રાફર-કેમેરામેન એસોસીએસન દ્વારા લાગણી વ્યક્ત કરતી રજૂઆતને લઈને  ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તારીખ 10-3-2021 ના રોજ રૂબરૂ મળી ને  રજુઆત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારઆલમ માટે હૃદયપૂર્વકની વિશેષ લાગણી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી આ અંગે રાજય સરકાર યોગ્ય કરશે તેમ કહી પોતાની પત્રકારમિત્રો માટે સંવેદના વ્યક્ત કરી હતી.

રાજુભાઇએ જણાવ્યું છે કે, સમગ્ર દેશની સાથે આપણા રાજ્યમાં પણ કોરોના વિરુદ્ધ રસીકરણ સુઆયોજિત રીતે ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે ગોઠવેલી વ્યવસ્થાને લીધે શહેરો અને ગામડાઓમાં આ ઝુંબેશ ચાલી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ના શરૂઆતી સમય થી આજ સુધી વિવિધ સમાચાર માધ્યમોના પત્રકારો, કર્મચારીઓ પોતાના સમાચાર સંપાદન કાર્ય દ્વારા ઘટનાઓથી  લોકો ને વાકેફ રાખવા જાગૃત કરવા માટે સતત કાર્ય કરતા રહ્યા છે. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડીયા, વેબ મીડિયાના પત્રકાર, કેમેરામેન, ફોટોગ્રાફરો જરનાલિસ્ટ અને પ્રિન્ટ મીડિયા- અખબાર કે ચેનલ ના સંચાલન સાથે સંકળાયેલા મેનેજમેન્ટ અને અન્ય કર્મચારીઓ પણ આ કપરા સમયમાં ફરજ બજાવી રહ્યા છે. પત્રકારો-ફોટોગ્રાફરો-કેમેરામેનો પણ સમાજનાં ફ્રન્ટ લાઈન કોરોના વર્કર- વોરિયર છે ત્યારે કોરોના વિરોધી રસીકરણ અભિયાન માં પત્રકારો – વિવિધ સમાચાર માધ્યમોના કર્મચારીઓને અગ્રતા આપવી જોઈએ. પોતાના ફિલ્ડ રિપોર્ટિંગ દરમિયાન પત્રકારો, કેમેરામેને પણ સતત ફરતા રહેતા હોય છે. એમને વાયરસનાં સંક્રમણની સંભાવના વધુ રહે છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સમાચાર માધ્યમોના કેટલાક મિત્રોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા અને અનેક પત્રકારો કે એમના પરિવારજન કોરોનાનો ભોગ બન્યા. એમને આર્થિક મુશ્કેલી પણ ઘણી પડી. આ સ્થિતિમાં હવે જ્યારે રસી ઉપલબ્ધ છે રસીકરણ ચાલી રહેતું છે,  ત્યારે રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તથા નાયબ મુખ્યમંત્રી-આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ને નમ્ર વિનંતી કરી છે કે સરકારી-ખાનગી પત્રકારો – સમાચાર માધ્યમનાં કર્મચારીઓને પણ કોરોના ફ્રન્ટલાઈન વર્કર-વોરિયર ગણીને એમને રસીકરણ અભિયાનમાં અગ્રતા આપવાની વ્યવસ્થા કરે. ભાજપ સરકારે કોરોનાકાળ દરમિયાન લોક કલ્યાણ-પ્રજા ની સુખાકારી માટે લીધેલા અનેક અગત્યના પગલાં જેવું જ મહત્વનું અને કલ્યાણકારી પગલું બની રહેશેએવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.