Abtak Media Google News

અબોલ જીવોના ઘાસચારા માટે દાતાઓએ માતબર રકમનું અનુદાન કર્યું

અનેક અનેક આત્માઓને સંયમ પંથ પર પ્રયાણ કરાવીને સંતત્વને સાર્થક કરી રહેલા રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દાદાગુરુ ડુંગરસિંહજી મહારાજ સાહેબની ગાદીના ગામ ગોંડલમાં નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે વીરલપ્રજ્ઞા પૂજય વીરમતીબાઈ મહાસતીજીની સુર્વણ જયંતિ મહોત્સવ શ્રદ્ધા, ભાવ, ભકિતથી સંપન્ન થયો હતો.

ગુજરાત રત્ન પૂજય સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મ.સા., આદિ ઠાણા-૫ તેમજ શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ. આદિ ઠાણા પૂ.ભદ્રાભાઈ મ.સા.આદિ ઠાણા-૪, વીરમતીબાઈ મ.સ.આદિ ઠાણા-૩૧, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂ.રાજુલબાઈ મ.સ, પૂ.ઉષાબાઈ મ.સ. તેમજ ઉતમ પરિવારના પૂ.ધર્મિલાબાઈ આદિ ઠાણા મળીને ૬ સંતો તેમજ ૫૧ મહાસતીજીઓની ઉપસ્થિતિમાં ઉજવાયેલા સંયમ અનુમોદનાના આ અવસરે જુનાગઢ, અમરાવતી, અમદાવાદ, પારસધામ, પરમધામ, મોરબી, જામનગર, જામજોધપુર, ધારી, વેરાવળ, અમરેલી, પોરબંદર, કાલાવડ, રાજકોટ, આકોલા, બરોડા, નાગપુર, કોલકતા, દિલ્હી, ધારી, બગસરા, જેતપુર, લાલપુર આદિ અનેક ક્ષેત્રોના સંઘોની વિશેષભાવે ઉપસ્થિત સાથે વિશાળ સંખ્યામાં જન સમુદાયે પૂજય મહાસતીજીના સંયમ જીવનની અનુમોદના કરી હતી.

૫૦ વર્ષના દીર્ઘ સંયમી પૂજય મહાસતીજીના સંયમના બહુમાન સ્વરૂપ જિન શાસનના જયકાર સાથે અજમેરા બિલ્ડર્સના આંગણે લાંબી શોભાયાત્રા સાથે પૂજય મહાસતીજીના પરિવારજનો અને વિશાળ જન સમુદાય દ્વારા પૂજય વીરમતીબાઈ મહાસતીજીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંતમાં સમગ્ર ગોંડલ સંપ્રદાયવતી પ્રવિણભાઈ કોઠારી, રાજકોટ રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, કાલાવડ સંઘના પ્રમુખ પી.સી.મહેતા તેમજ દિલ્હી ગુજરાતી સ્થા.જૈન સંઘના દિલીપભાઈ ધોળકીયાએ પણ વકતવ્ય આપીને પૂજય મહાસતીજીના સંયમ જીવનની ભુરી ભુરી અનુમોદના કરી હતી. પૂજયશ્રીની મંગલ પ્રેરણાને ઉપસ્થિત વિશાળ સમુદાયે હર્ષનાદથી વધાવી લીધી હતી. એ સાથે જ અનેક ઉદારદિલ ભાવિકોએ અબોલ જીવો માટે ઘાસચારા અર્થે અનુદાન અર્પણ કરતા બહોળુ અનુદાન એકત્રિત થયું હતું.૫૧ કિલોનો લાડવો વ્હોરાવવાનો અનન્ય લાભ રાજકોટના કાંતિભાઈ લાધાભાઈ શેઠ, અમદાવાદ રમેશભાઈ મકાતી તેમજ નિરજભાઈ શાહ પરિવારે લીધો હતો.

લાડવાની ઉછામણીની સમગ્ર રકમ ગોંડલ પાંજરાપોળના અબોલ જીવો માટે ઉપયોગમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. લાભાર્થી પરીવારો દ્વારા અત્યંત અહોભાવપૂર્વક મહાસતીજીને લાડવો વ્હોરાવ્યા બાદ શેષ લાડવાને ગોંડલ ક્ષેત્રના ગરીબોને ખવડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે મુંબઈની લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી રેખાબેન શેઠની ઉદાર ભાવના અને સેવા ભાવનાનું સન્માન પ્રવિણભાઈ કોઠારીના હસ્તે શાલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.