Abtak Media Google News

સરકારે નક્સલવાદીઓની લોહિયાળ રમતનો ખાત્મો કરવાનું મન બનાવી લીધું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફના જાંબાઝ કોબ્રા કમાન્ડોઝના હત્યાકાંડ પછી કેન્દ્ર અને છત્તીસગઢ સરકારની સંમતિથી છે કે, નક્સલવાદીઓ વિરુદ્ધ એક વ્યાપક અને નિર્ણાયક અભિયાન ચલાવવું જોઈએ.  છેલ્લા બે અઠવાડિયામાં નક્સલવાદીઓના હુમલામાં 27 સુરક્ષા દળોનાં મોત નીપજ્યાં છે જ્યારે 46 સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા છે.  સોમવારે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સરકાર નક્સલવાદીઓ સામે લડત ચલાવશે.  શાહનું નિવેદન પણ આ તરફ ખૂબ ધ્યાન દોરે છે.

સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, એવા સંકેત મળ્યા હતા કે, સુરક્ષા દળો એક મહિનાની અંદર ગિરિલોને મારવા અને તેમને નક્સલવાદીઓના ગઢમાં જ તેમને હરાવવા માટે મોટી કાર્યવાહી શરૂ કરી શકે છે.  આ અભિયાનમાં સુરક્ષા દળો સચોટ અને અસરકારક રીતે પ્રહાર કરશે. અહેવાલમાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર સાથે સંકળાયેલા જુદા જુદા સૂત્રો કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો ઓપરેશન હાથ ધરીને નક્સલ કમાન્ડર હિડમાને નિષ્ક્રિય કરવા સંમત થયા છે.  બીજાપુરમાં કોબ્રા કમાન્ડોઝ પરના હુમલા પાછળ હિડમાનો હાથ હોવાનું કહેવાય છે.  ચર્ચા છે કે, આ હુમલો હિડમાના માસ્ટર માઇન્ડની પેદાશ હતી.  શનિવારનો હુમલો છેલ્લા દાયકામાં સુરક્ષા દળો પરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.

સોમવારે ટેકુલગુડા હત્યાકાંડ બાદ ગૃહ પ્રધાન શાહે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કેન્દ્રીય ગૃહ સચિવ એકે ભલ્લા, ભારત સરકારના સુરક્ષા સલાહકાર કે વિજયકુમાર, સીઆરપીએફ ડીજી કુલદીપ સિંહ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર અરવિંદ કુમાર, છત્તીસગઢના ડીજીપી ડી.એમ. અવસ્થી, વિશેષ ડીજી (નક્સલ ઓપરેશંસ) અશોક હાજર રહ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે, નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરવા આ બેઠકમાં વિગતવાર અભિયાનની રૂપરેખા આપવામાં આવી છે.

આ હુમલા બાદ તેલંગાણા અને ઓડિશાને અડીને આવેલા સુકમા જંગલોમાં કાર્યરત કેટલાક નક્સલવાદી કમાન્ડરો વિશે ગુપ્તચર માહિતી એકત્રિત કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, ગરીલો સામે સંયુક્ત કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. અહીંથી નક્સલવાદીઓ સરળતાથી મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં પ્રવેશ કરે છે.  કોઈ મોટો હુમલો કરવા માટે, નક્સલવાદીઓના જુથને જુદા જુદા રાજ્યોથી મોકલવામાં આવે છે.  હુમલો કર્યા પછી, આ નક્સલવાદીઓ તેમના પ્રદેશોમાં પાછા ફરવા માટે પણ આ વિસ્તારનો જ ઉપયોગ કરવામાં આવે છે.

Maoistsafp Social
માઓવાદીઓનો કમાન્ડર હિડમાં છે કોણ?

છત્તીસગઢમાં કરાયેલા ખૂની હુમલાનો માસ્ટરમાઈન્ડ નકસલનો કમાન્ડર હિડમા છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ત્યારે હિડમાના ખાત્મા માટે પણ સરકારે તૈયારી કરી છે પરંતુ તે જાણવું ખૂબ જરૂરી છે કે, ખરેખર હિડમા કોણ છે? આશરે 51 વર્ષીય હિડમા વિશે સેના તેમજ પોલીસને પણ વધુ જાણકારી નથી. હિડમા નકસલીઓના બસ્તર વિસ્તારના કમાન્ડરો પૈકી એક છે. જે નક્સલીઓના લીડર પહાડ સિંઘની ધરપકડ બાદ પ્રકાશમાં આવ્યો હતો. સેના પાસે થોકબંધ ફોટાઓ છે જે હિડમાના હોઈ શકે તેવું અનુમાન છે પરંતુ, સેના કે પોલીસ ચોક્કસ રીતે કહી શકતી નથી કે, ખરેખર આ ફોટા પૈકી કયો શખ્સ હિડમા છે? માનવામાં આવે છે કે, આ નકસલ જંગલ વિસ્તારમાં ખૂબ મજબૂત નેટવર્ક ધરાવે છે અને ગામના લોકો પણ હિડમાના સંપર્કમાં છે જેથી સેના કે પોલીસની કોઈ પણ હિલચાલ શરૂ થતાની સાથે જ તેને તમામ વિગતો પહોંચી જતી હોય છે. જેનો લાભ લઈને જ નકસલીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. હિડમાં મૂળ જગરકુંડા વિસ્તારનો હોય તેવું હાલના તબક્કે માનવામાં આવે છે.

તે નકસલમાં  ક્યારે જોડાયો ? તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. તેની ઉપર 26થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેની પત્નીનું નામ રાજે ઉર્ફે રજકા હોવાનું મનાય છે. આ સિવાય સેના કે પોલીસ પાસે પણ તેના વિશે વધુ કોઈ વિગતો નથી. હિડમાના ઇતિહાસ કે તેના પરિવારજનો વિશે પણ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.