Abtak Media Google News

નિયમો વિરુદ્ધ અખબારોનું હવે આવી બનશે

તમામ અખબારોએ કલેકટર સમક્ષ પોતાનો આરએનઆઈ નંબર વેરિફાય કરાવવો પડશે : સમાચારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકાર તરફથી તોળાતી કાર્યવાહી

સમાચારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકાર તરફથી કાર્યવાહી તોળાઈ રહી છે. આ માટે કેન્દ્ર દ્વારા લોલમલોલ ચાલતા અખબારોની તપાસ કરી રિપોર્ટ સોંપવા કેન્દ્રએ કલેક્ટરોને આદેશ આપ્યો છે. જે માટે દરેક અખબારને હવે કલેકટર સમક્ષ પોતાનો આરએનઆઈ નંબર વેરિફાય કરાવવો પડશે.

લોકો સુધી સત્ય પહોંચાડવાનું અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો જેનો ધર્મ છે તેવા અખબારોના વ્યવસાય તરફ મોટા પ્રમાણમાં લોકો વળ્યાં છે. જો કે આ અખબારો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉતાવળિયા સમાચારો પીરસીને જાણી કે અજાણી રીતે ઘણી વખત અર્થના અનર્થ કરી નાખે છે. આ ઉપરાંત અનેક બોગસ અખબારો પણ કાર્યરત છે. જેઓ માત્રને માત્ર પીળા પત્રકારત્વને વેગ આપી રહ્યા છે.

આ અંગેની અનેક ફરિયાદો બાદ કેન્દ્ર સરકાર હવે હરકતમાં આપી છે.

કેન્દ્ર દ્વારા આવા અખબારોની યાદી બનાવીને તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંદર્ભે કેન્દ્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને અખબારના આરએનઆઈ અંગે તપાસ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

જેને પગલે તમામ અખબારોએ પોતાના આરએનઆઈ નંબરને કલેકટર સમક્ષ વેરિફાય કરાવવાનો રહેશે. બાદમાં કલેકટર તંત્ર જે અખબારો આરએનઆઈ નંબર વેરિફાય ન કરાવી શકે તેવા અખબારોની યાદી કેન્દ્રમાં મોકલશે.

ત્યારબાદ કેન્દ્ર દ્વારા આવા અખબારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

બીજી તરફ મળતી વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી અનેક અખબારો બોગસ આરએનઆઈ નંબરના આધારે ચાલી રહ્યા છે. તેઓ માત્રને માત્ર ચોથી જાગીર હોવાનો ડોળ ઉભો કરી પૈસા ખંખેરવાનું કામ કરી રહ્યા છે.

અંતે સરકાર હરકતમાં આવી છે અને આવા અખબારોને અલગ તારવીને તેની સામે કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.