Abtak Media Google News

વાવાઝોડાએ ઉત્તર પશ્ચિમ એટલે કે પાકિસ્તાન- ઓમાનને બદલે ઉત્તર પૂર્વ એટલે કે જખૌ તરફ દિશા બદલી : દરિયા કિનારાના વિસ્તારોમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા

બિપરજોયની અસર આજથી વર્તાવાની શરૂ થવાની છે. જેને પગલે આજે પવનની તેજ ગતિ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે શકયતા વ્યક્ત કરી છે. સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં અંદાજે 700 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડું ફંટાઇ શકે છે. હાલ ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે. વાવાઝોડાએ ઉત્તર પશ્ચિમ એટલે કે પાકિસ્તાન- ઓમાનને બદલે ઉત્તર પૂર્વ એટલે કે જખૌ તરફ દિશા બદલી હોવાનું પણ જાણવા મળ્યું છે.

બિપરજોય વાવાઝોડા અંગે મહાપાત્રે ગુજરાત પર તેની અસર અંગે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યના કાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની વધુ ગતિનો અનુભવ થશે.કાંઠા વિસ્તારોની આસપાસ પવનની ઝડપ 50-60 કિલોમિટર પ્રતિ કલાક સુધી નોંધાઈ શકે છે.

બીજી તરફ હવામાન વિભાગે આજે શનિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વાવાઝોડાની શક્યતા છે.

વાવાઝોડાની સંભવત અસરને પહોંચી વળવા તંત્ર સજ્જ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી : 13 જિલ્લાઓને વધુ તકેદારી રાખવાના આદેશ

Cabinate Meeting Cm Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તંત્રની તૈયારીઓ સમીક્ષા બેઠક યોજી છે. જો કે આ વાવાઝોડાની ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની શકયતા નહિવત છે. પણ દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરોને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવી, તેમ જ ફીશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ રહે તે માટેની કાળજી લેવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર કરવાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્રવાહકોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેન્દ્રિય હવામાન વિભાગના વખતોવખતના બુલેટિન અને સૂચનાઓનું સ્થાનિક સ્થિતિ મુજબ પાલન થાય તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકારની મદદની જરૂર જણાય તો સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનો ત્વરાએ સંપર્ક કરવા પણ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન સહિત વરિષ્ઠ સચિવો અને એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.