Abtak Media Google News

Screenshot 3 35 સૌથી વધુ કચ્છમાં એકાદ અઠવાડિયામાં જ 63 ટકા વરસાદ પડી ગયો : સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 37 ટકા વરસાદ નોંધાયો : ઉતર ગુજરાતમાં પણ 20 ટકા જેવો સારો વરસાદ

બિપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર- કચ્છમાં પાણી-પાણી કરી નાખ્યું છે. માત્ર એકાદ અઠવાડિયામાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં 39 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે એકલા કચ્છમાં અધધધ 63 ટકા વરસાદ નોંધાયો છે.

હાલ સુધી સમગ્ર ગુજરાતમાં મોસમનો 19% વરસાદ નોંધાયો છે.  જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 થી 18 જૂન સુધીના એક અઠવાડિયામાં 39% વરસાદ થયો છે. ભારતના હવામાન વિભાગ ગુજરાતના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય લેન્ડફોલ પહેલા, દરમિયાન અને પછી ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને જામનગર જેવા વિસ્તારોમાં ઘણો વરસાદ લાવ્યો હતો.

સોમવાર સુધીમાં, રાજ્યમાં 18.7% વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 38.8% મોસમનો વરસાદ નોંધાયો છે.  લેન્ડફોલ પછી પણ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહ્યો હતો. ગુજરાત તરફ દક્ષિણપશ્ચિમ ચોમાસાની પ્રગતિની રાહ જોવાઈ રહી છે.  સોમવારે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ ભારતના કેટલાક વધુ ભાગોને આવરી લીધા.  તેની ઉત્તરી સીમા દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે.

Screenshot 4 32

હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ખાધમાં છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં અતિશય વરસાદ થયો છે.  પરંપરાગત રીતે, ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશે છે અને પછી ધીમે ધીમે સમગ્ર રાજ્યને આવરી લે છે.  દક્ષિણ ગુજરાતમાં પણ પરંપરાગત રીતે સૌથી વધુ વરસાદ પડે છે.

નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે ચક્રવાતના વર્ષો સામાન્ય રીતે જુલાઈની શરૂઆતમાં વરસાદ અને જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં જ ચોમાસાની ટોચ પર પરિણમે છે.  ઓગસ્ટ પરંપરાગત રીતે મહત્તમ વરસાદ સાથે ચોમાસાનો મહિનો રહ્યો છે.  2020 અને 2021 બંનેમાં – ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત સાથેના વર્ષો – ચોમાસાની સારી શરૂઆત પછી જુલાઈમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હતો, ડેટા દર્શાવે છે.

ચક્રવાત બિપરજોયના પરિણામે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ભારે પવન સાથે વ્યાપક વિનાશ સર્જાયો હતો.  કચ્છમાં સૌથી વધુ અસર થઈ હતી કારણ કે ચક્રવાત જખૌ નજીક લેન્ડફોલ થયો હતો.  ચક્રવાતની અસર હેઠળ હજુ પણ સંખ્યાબંધ ગામડાઓ ઝઝૂમી રહ્યાં છે.  રાજ્ય સરકાર અને એનજીઓ દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે જ્યાં સેંકડો લોકોએ તેમના ઘર અને આજીવિકા ગુમાવી છે.

કચ્છના જળાશયોમાં સરેરાશ પાણીનું સ્તર 20 ટકા વધ્યું

રાજ્યના જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર વ્યાપક વરસાદને કારણે કચ્છમાં ડેમ અને જળાશયોમાં 20% પાણીનું સ્તર વધ્યું છે.  વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં ચાર ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે છ તેની ક્ષમતાના 80% કરતા વધુ ભરાયા છે.

રાજસ્થાનમાં ભારે વરસાદ: આબુમાં 30 ઈંચ

વાવાઝોડું બિપરજોય હવે ગુજરાત બાદ રાજસ્થાનમાં કહેર મચાવી રહ્યું છે. રાજસ્થાનના અનેક જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. સાથે ભારે પવનને લીધે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આબુમાં 30 ઇંચ વરસાદ નોંધાતા સ્થિતિ વિકટ બની છે. બાડમેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સિરોહી અને જાલોરમાં પણ ભારે વરસાદને પગલે હાલત બગડી છે. હવામાન ખાતાએ વધુ વરસાદની આગાહી કરતાં સ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે.

છેલ્લાં 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ પડી જતા સ્થિતિ વણસી છે.કુદરતી આફતના કારણે 500થી વધુ ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયો છે. એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી હજુ પરિસ્થિતિ ખૂબ બગડી શકે છે.શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદે બાડમેર જિલ્લામાં 25 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.

જાલૌર જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિ છે. સાંચૌર શહેરમાં પૂરના પાણી સતત આવી રહ્યા છે અને કેટલાય ગામો તળાવો બની ગયા છે. આ ઉપરાત, વરસાદની વાત કરીએ તો મારવાડમાં છેલ્લા 24 કલાકમાં 12 સ્થળોએ અતિ ભારે વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સિરોહીના શિવગંજમાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. સાંચૌરના રાનીવાડામાં 13 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે આગામી 24 કલાકમાં બિપરજોયની અસર રહેશે.

આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી વચ્ચે અસહ્ય બફારો રહેશે

છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધતાની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધ્યુ

આજે અમદાવાદ ખાતે 146મી જગન્નાથજીની યાત્રા વચ્ચે અમી છાંટાણા થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો, છેલ્લા બે દિવસથી રાજ્યલના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો ઉંચકાતની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. ત્યારે આજે સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન 26 ડીગ્રી જ્યારે મહત્તમ તાપમાન 28 ડીગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા તેમજ 16 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બિપરજોય વાવાઝોડાના કારણે હવામાનમાં ભારે પલટો જોવા મળ્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડુ હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. ગઇકાલે એક જ દિવસમાં રાજસ્થાનમાં 19 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો હતો. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું હતું અને જો આજે રથયાત્રા દરમિયાન અમીછાંટણા થાય તો આખુંય વર્ષ સારૂં જાય તેવી લોકવાયકા માન્યતા છે. રથયાત્રા દરમિયાન હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બિપરજોયની ઇફેક્ટ હપ્તા જ રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. સાથો સાથ હવામાં ભેજનું પ્રમાણ પણ 80 ટકા જેટલું રહેવા પામ્યુ છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ભેજયુક્ત વાતાવરણ રહેશે અને આ ભેજને કારણે વરસાદ થાય તેવી આગાહી છે. અમદાવાદ સિવાય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.