Abtak Media Google News
  • હવે ભાવનગર યુનિવર્સિટી માટે નવેસરથી સર્ચ કમિટીની રચના કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ

રાજયની ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે એલ.એમ.ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેશ છાબરિયાની નિમણૂક બાદ તેઓ પંદર દિવસથી હાજર થયા નહોતા. આજે નવનિયુક્તિ કુલપતિ દ્વારા સત્તાવાર રીતે સરકારને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતુ. આમ, હવે ભાવનગર યુનિવર્સિટી માટે નવેસરથી સર્ચ કમિટીની રચના કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. રાજ્યમાં અડધો ડઝનથી વધારે યુનિવર્સિટીઓમાં કુલપતિની જગ્યાઓ ખાલી પડી હતી. સરકાર દ્વારા સર્ચ કમિટી બનાવીને સંભવિત ઉમેદવારોના નામો મંગાવી લેવામાં આવ્યા હતા. જોકે, નવી એજ્યુકેશન પોલીસી લાગુ થયા બાદ બાકી રહેલી યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિયુક્તિ માટે નવેસરથી સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી.

જૂની પધ્ધતિ પ્રમાણે કુલપતિની મુદત ત્રણ વર્ષની હતી જેની સામે નવી એજ્યુકેશન પોલીસી લાગુ થયા બાદ કુલપતિની મુદત પાંચવર્ષની કરી દેવામાં આવી છે. નવી પોલીસી પ્રમાણે નવેસરથી અરજીઓ મંગાવ્યા બાદ લાંબો સમય સુધી કુલપતિની નિમણૂક કરવામાં આવી નહોતી. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી તાકીદે 14મી માર્ચના રોજ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે એલ.એમ.ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેશ છાબરિયાની નિમણૂકની જાહેરાત કરી દેવામાં આવી હતી. કુલપતિ તરીકે નામની જાહેરાત થયા બાદ 31મી માર્ચ સુધી તેઓ હાજર થયા નહોતા.

સૂત્રો કહે છે યુનિવર્સિટીમાંથી કુલપતિને હાજર થવા માટે અનુરોધ કરવા છતાં તેઓએ કોઇ સ્પષ્ટતાં કરી નહોતી. ઉચ્ચ શિક્ષણ વિભાગના સૂત્રો કહે છે કે, આજે 1લી એપ્રિલે આખરે નવનિયુક્તિ કુલપતિ ડો.મહેશ છાબરિયાએ પોતાનું રાજીનામું સરકાર એટલે કે શિક્ષણ વિભાગને મોકલી આપ્યું હતુ. આમ, તેઓ કુલપતિ તરીકેનો ચાર્જ સ્વીકારવા તૈયાર નથી તે સ્પષ્ટ થઇ ગયુ છે. હાલ લોકસભાની ચૂંટણીને લઇને આચારસંહિતા ચાલી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે કાર્યવાહી થઇ શકે તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.