છેતરપીંડીથી થતા સ્ત્રીઓના ધર્મ પરિવર્તન સામે કાયદો લાવવા મુખ્યમંત્રી રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

બળજબરી કે વિવશ બનાવી કરાયેલા ધર્મ પરિવર્તનનો સંદેહ અનુભવનારની ફરિયાદ પરથી કાયદાનું સુરક્ષા કવચ મળશે

ગુજરાતમાં નવા આવનારા ધર્મ પરિવર્તન કાયદાથી તમામ વર્ગની મહિલાઓને પોતાનો ધર્મ સંપ્રદાય પાળવાનો અધિકાર મળશે: આ કાયદાથી સાંપ્રદાયિક વિચારધારા માટે પણ કોઈ મહિલાને મજબૂર નહીં કરાય

વિશ્ર્વના સૌથી મોટા લોકતંત્રની વિવિધતામાં એકતા અને દરેક નાગરિકને પોતાના મત મુજબ ધર્મનું આચરણ કરવાની સ્વાયતતા આપવામાં આવી છે. ‘ધર્મ’નું પાલન દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે અને તેના માટે કોઈપણ પ્રકારનું બાહ્ય કે આંતરીક દબાણ ન કરી શકાય. દેશના સવિધાને દરેક નાગરિકને ધર્મ અંગેની સ્વાયતતાનો અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં આંતરધર્મિય લગ્ન અને લગ્નના માધ્યમથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે અને ખાસ કરીને હિન્દુ યુવતીના અપહરણ અને ધરાર ધર્મ પરિવર્તનથી લવજેહાદની ઉભી થયેલી સમસ્યા સામે કાનૂની રક્ષણ આપવાના પ્રયાસો શરૂ થયા છે.

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સરકારે લવ જેહાદ સામે કાયદો બનાવ્યો છે ત્યારે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ધર્મની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરીને કોઈપણ મહિલાના બળજબરીથી ધર્માંતરણ ન થાય તે માટે કાયદો લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને સ્ત્રીઓની છેતરપિંડીથી થતાં ધર્મ પરિવર્તન સામે કાયદો લવાશે. ગુજરાત સરકારના આ કાયદાથી આંતરધર્મના લગ્ન બાદ થતાં બળજબરીથી ધર્મ પરિવર્તનની સાથે સાથે આંતર સાંપ્રદાય લગ્નમાં ધર્મના વૈચારિક, વૈવિધ્યમાં કોઈપણ મહિલાને એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયની માન્યતા માટે કોઈપણ બળજબરી નહીં કરી શકે. લગ્ન બાદ જો સ્ત્રીને પતિ પક્ષ દ્વારા માનવામાં આવતા ધર્મમાં પોતાને બળજબરીથી ધર્મ માનવા માટે મજબૂર કરી હોવાનો સંદેહ થાય અને પોતાનો મુળ ધર્મ જ યોગ્ય હોવાનું લાગે તો તે મહિલા પોતાના આ અત્યાચાર સામે કાયદાનું કવચ અને છુટાછેડા સુધીની સ્વાયતતા કાયદાની રીતે મેળવવા હક્કદાર બનશે.

ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર લવ જેહાદથી લઈને મહિલાઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન સામે કાયદો લાવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભામાં આવનાર બજેટ સત્રમાં જ સ્ત્રીઓને છેતરપિંડીથી થતાં ધર્મ પરિવર્તન સામે કાયદો લાવવામાં આવશે. ભાજપની મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સરકારે છેતરપિંડીથી થતાં ધર્માંતરણને રોકતા કાયદાની રચના કરી છે તેને લવ જેહાદ અને હિન્દુ મહિલાઓને લગ્નના માધ્યમથી ધર્મપરિવર્તીત કરાતી હોવાની પરિસ્થિતિ સામે કાયદાનું કવચ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ૧લી માર્ચથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે મારી સરકાર મહિલાઓને છેતરપિંડીથી કરાવવામાં આવતા ધર્મ પરિવર્તન સામે કાયદો લાવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આવનારા આ કાયદાથી મહિલાઓને છેતરપિંડીથી ધર્માંતરિત કરવાની પ્રવૃતિઓ અટકી જશે. આ નવા કાયદાથી મહિલાઓને છેતરીને પોતાનો ધર્મ ફેરવવા માટે મજબૂર કરવાની પરિસ્થિતિ અટકશે. મુખ્યમંત્રીએ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રવાસ દરમિયાન ધર્મપરિવર્તન વિરોધી કાયદાની ૧૫મી ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી. ભાજપ સરકારે શરૂ કરેલી આ ઝુંબેશમાં બળજબરીથી ધર્માંતરણ માટે મહિલાઓને મજબૂરીમાંથી મુક્તિ આપવામાં આવશે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ કરી હતી.

ધર્માંતરણ વિરોધી કાયદામાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, દેશના મુખ્ય પાંચ ધર્મ હિન્દુ, ઈસ્લામ, શિખ, ઈસાઈ અને પારસી ધર્મના બે વ્યક્તિઓ અરસ-પરસ લગ્નગ્રંથીથી જોડાય અને સામાન્ય રીતે પુરૂષ પ્રધાન કુટુંબ વ્યવસ્થામાં મહિલાએ પુરૂષનો ધર્મ અંગીકાર કરવો પડે ત્યારે હિન્દુમાંથી ઈસ્લામ, ઈસ્લામમાંથી હિન્દુ કે વિવિધ બે ધર્મોવાળા લગ્નગ્રંથીથી જોડાય ત્યારે ધર્માંતરણનો કિસ્સો ગણાય છે પરંતુ ખરેખર ધર્મની વ્યાખ્યામાં ઉંડાણપૂર્વક ઉતરવામાં આવે તો ધર્મની માન્યતા એ સ્વાયત માન્યતા છે અને પેટા ધર્મ અને સંપ્રદાયની વિવિધ માન્યતામાં એક માન્યતામાંથી બીજી માન્યતામાં જવું એ પણ ‘ધર્માંતરણ’ની વ્યાખ્યામાં આવે છે.

ગુજરાતમાં લવાનારા ધર્માંતરણ વિરોધી કાયદામાં કોઈપણ મહિલાને છેતરપિંડી અથવા તો લોભ લાલચથી એક સંપ્રદાયથી બીજા સંપ્રદાયની માન્યતાઓ થોપવામાં આવે અને તે મહિલાને એવી અનુભુતિ થાય કે પોતાને ન ગમતુ હોવા છતાં અલગ માન્યતાવાળા ધર્મનું અનુસરણ કરવાની ફરજ પડે છે તો આ ભોગ બનનાર મહિલા ધર્માંતરણ વિરોધી કાયદાનો આશ્રય લઈ એક જ ધર્મના અલગ અલગ સંપ્રદાયોમાં થતાં ધર્માંતરણને લઈને છુટાછેડા સુધીનો અધિકાર મેળવી શકશે.

કાયદાના ધર્મના વ્યાખ્યામાં હિન્દુ, મુસ્લીમ, શિખ, ઈસાઈ અને પારસી જેવા તદન અલગ અલગ સંપ્રદાયો અને ધર્મની જગ્યાએ હિન્દુ ધર્મના વિવિધ પેટા સંપ્રદાયો ઈસ્લામ ધર્મના પેટા સંપ્રદાયોની જેમ જ શિખ, ઈસાઈ અને પારસી ધર્મના આંતરીક સંપ્રદાયોમાં પણ મહિલાઓને બળજબરીથી ધર્માંતરીત થવા સામે રક્ષણ મળી શકે.

ગુજરાતમાં આવનારા ધર્માંતરણ વિરોધી કાયદામાં બળજરીથી મહિલાને છેતરપિંડીથી થતાં ધર્મપરિવર્તન સામે કાયદાનું કવચ મળશે. સ્ત્રીઓમાં ધર્મ પરિવર્તનની વ્યાખ્યા મુળ અલગ અલગ ધર્મો સાથે સાથે આંતરીક સંપ્રદાયની માન્યતાને પણ ધર્મ તરીકે ગણવામાં આવશે. સરકારના આ ધર્મની વિસ્તૃત વ્યાખ્યા સાથે મહિલાને કોઈપણ વિચારધારામાં બળજબરી કે છેતરપિંડીથી લઈ જવામાં આવી હોય તો તે ધર્માંતરણ વિરોધી કાયદાનો આશ્રય લઈ શકશે. ધર્માંતરણ માત્ર હિન્દુ-મુસ્લીમ, શીખ ઈસાય અને પારસી ધર્મના આંતરધર્મીય વ્યક્તિઓના થતાં ધર્મ પરિવર્તન પુરતુ મર્યાદિત નહીં હોય કોઈ એક ધર્મના અલગ અલગ સંપ્રદાય અંગે પણ જો મહિલાને બળજબરીથી પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મની માન્યતા ઉપર થોપવામાં આવતી હોય તો તે પણ ધર્મપરિવર્તન ગણાશે અને બળજબરીથી કોઈપણ વ્યક્તિને પોતાનો ધર્મ બદલાવવા મજબુર ન કરી શકાય.

ધર્મ શું છે ?

માનવ સંસ્કૃતિની સામાજિક પરિભાષામાં દરેક વ્યક્તિને પોતાની રીતે જીવનના આચરણ માટે કોઈ એક ધર્મ પાળવાની પ્રથા છે. ધર્મ પાળવો દરેક વ્યક્તિ માટે સ્વાયત બાબત છે. ભારતીય બંધારણ મુજબ ધર્મ માટે કોઈને બળજબરી ન કરી શકાય. ધર્મ એક વિચારધારા અને આધ્યાત્મિક, સામાજીક જીવન જીવવાની એક વ્યવસ્થા છે તે દરેક માટે સ્વાયત છે. કોઈને સમૂહમાં ચોક્કસ વિચારધારા પાળવા માટે મજબૂર ન કરી શકાય.

ગુજરાતમાં સ્ત્રીઓની છેતરપિંડીથી થતાં ધર્મ  પરિવર્તન સામેનો કાયદો શું અસર કરશે?

ધર્માંતરણ એટલે સામાન્ય રીતે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને પારસી જેવા મુખ્ય ધર્મ ગણાતા સંપ્રદાયના લોકો એકબીજા ધર્મમાં પરાવર્તીત થાય તેને ધર્મપરિવર્તન ગણવામાં આવે છે. હિન્દુ યુવતીને મુસ્લિમો લગ્ન કરીને ધર્માંતરણ કરાવતા હોવાનો મુદ્દો લવ જેહાદનો મુદ્દો બન્યો છે ત્યારે નવા કાયદામાં ધર્મની વ્યાખ્યા વધુ વિસ્તૃત બની છે. કોઈપણ મહિલાને હિન્દુ ધર્મના એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયનું પંથ મનાવવામાં બળજબરી થતી હશે તો પણ કાયદાનું કવચ મહિલાને મળી શકશે.  દા.ત. હિન્દુ ધર્મની વ્યાખ્યામાં આવતા લેઉવા પટેલ અને કડવા પટેલ પરિવારો વચ્ચે લગ્ન સંબંધ બંધાય લેઉવા પટેલ ખોડીયાર માતાને પુજતા હોય, કડવા પટેલ ઉમિયા માતાજીને પુજતા હોય તો ઘરની મહિલાને બન્ને સંપ્રદાયો પોત-પોતાનો પંથ પાળવા માટે વિવશ ન કરી શકે. જો પટેલ મહિલાને એવું લાગે કે મને બળજબરીથી મારા કુળદેવીના બદલે બીજાના કુળદેવીનો ધર્મ પાળવા માટે વિવશ કરવામાં આવે છે તો તે ધર્માંતરણ વિરોધી કાયદાનો આશ્રય લઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતી મહિલાને જો વૈશ્ર્ણવ પંથ પાળવા મજબૂર કરવામાં આવતી હોય તો તેને પણ કાયદાનું કવચ મળી શકે. મુસ્લિમ ધર્મમાં શિયા પરિવારની દીકરીને સુન્નિ મજહબ પાળવાની કે સુન્નિની દીકરીને બળજબરીથી શિયા બનાવવામાં આવે અને મહિલાને જો સંદેહ થાય કે મારા પર ધાર્મિક બળજબરી થાય છે તો તે ધર્મપરિવર્તન વિરોધી કાયદો આશ્રય લઈ શકશે.