Abtak Media Google News

ચાઈના આતંકીઓને સાથે રાખી વિશ્વને ડરાવવા નીકળ્યું

આખુ વિશ્વ અફઘાનિસ્તાનમાં બંદૂકના નાળચે સત્તા પ્રાપ્ત કરનાર તાલિબાનના વિરોધમાં, ત્યારે ચીન તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના નાખી રહ્યું છે પાયા

અબતક, નવી દિલ્હી : ચાઈના આતંકીઓને સાથે રાખી વિશ્વને ડરાવવા નીકળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અફઘાનને માન્યતા આપવા પાછળ ભારતનું ડેવલપમેન્ટ હડપ કરવાની ચીનની મેલી મુરાદ સમાયેલી છે. આખી દુનિયા અફઘાનિસ્તાનમાં બંદૂકના નાળચે સત્તા પ્રાપ્ત કરવા પર તાલિબાનની ટીકા કરી રહ્યું છે ત્યારે ચીન તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયો નાખતું દેખાય છે. ચીનની આ નીતિ હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોને માન્યતા આપી દીધા બાદ અફઘાનિસ્તાન સ્થિત ચીનના રાજૂદત વાંગ યુ અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ ઓપરેશનલ કમાન્ડર મુફતી અબ્દુલ રઉફ અઝહરે કંદહારમાં તાલિબાની નેતૃત્વ સાથે અલગ મુલાકાત કરી હતી. આટલું જ નહીં ચીનના રાજદૂતે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા મેળવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા. આ પહેલાં ચીની રાજદૂત વાંગે પાકિસ્તાનના અફઘાનિસ્તાન સ્થિત રાજદૂત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કઈ રીતે સહયોગ વધારી શકે તેના માટે હતી.

ઉલ્લેખનીય છે કે તાલિબાનના રાજકીય આયોગના વડા મુલ્લા અબ્દુલ ગની બરાદારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિમંડળે ગયા મહિને ચીનની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત દરમિયાન વચન આપ્યું હતું કે શિનજિયાંગના ઉઇગર સમુદાયના આતંકવાદી જૂથોને અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ખરબોના ખનીજ ભંડાર ઉપર ચીનનો ડોળો

તાજેતરમાં રાજદૂત વાંગે કંદહારમાં મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી હતી. મુલ્લા બરાદર હાલમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં સૌથી આગળ છે. ચીન અફઘાનિસ્તાનમાં રસ લઈ રહ્યું છે અને તેનો ડોળો અફઘાનિસ્તાનના ખરબો રુપિયાના ખનિજ ભંડાર પર હોવાનું મનાય છે. આ સિવાય ચીન અહીંયા પોતાની બેલ્ટ એન્ડ રોડ યોજના પૂરી કરવા માટે પણ પ્રયત્નો કરી રહ્યું છે. ચીન પોતાની પ્રોડક્ટસની નિકાસ માટે અફઘાનિસ્તાનના માધ્યમથી મધ્ય એશિયાના દેશો સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતે 20 વર્ષની મહેનતથી કરેલા ડેવલપમેન્ટનો ફાયદો તાલિબાનો અને ચીન ઉઠાવશે !!

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબ્જો જમાવતા ભારતની 20 વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ભારતે માળખાગત ક્ષેત્રથી લઈને શિક્ષણ સુધી અફઘાનિસ્તાનમાં હજારો કરોડનું રોકાણ કર્યુ છે.20 વર્ષ અગાઉ તાલિબાનોએ કબ્જો કરેલા અફઘાનિસ્તાનને ફરી બેઠુ કરવા માટે ભારતે 3 બિલિયન ડોલર એટલે કે 22500 કરોડની સહાયતા આપી હતી. પરંતુ ફરી 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન હતુ ત્યાં પહોંચ્યુ છે. ભારતે  કાબુલમાં 675 કરોડ રૂપિયાના ખર્ચે ભારતે સંસદનું નિર્માણ કરાવ્યુ હતું. હેરાત પ્રાંતમાં ભારત તરફથી સલમા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 42 મેગાવોટની ક્ષમતાવાળો આ એક હાઈડ્રોપાવર અને સિંચાઈનો પ્રોજેક્ટ પણ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.