Abtak Media Google News

તાલિબાનને શાસન સુધારવા તમામ દેશોની સલાહ

મોસ્કો ખાતે અફઘાનિસ્તાનને લઈને વિવિધ દેશો વચ્ચે બેઠક મળી, ભારત અને તાલિબાનના પ્રતિનિધિ પ્રથમ વખત સામ-સામે આવ્યા

તાલિબાન સરકારના વાંકે ત્યાંની નિર્દોષ પ્રજાને ભોગવવું ન પડે તે માટે સહાય કરવા સર્વે દેશોની હાંકલ

અબતક, નવી દિલ્હી : અફઘાનિસ્તાનને લઈને રશીયાએ મોસ્કો ખાતે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા, ચીન, ભારત, ઈરાન અને પાકિસ્તાન સહિત 10 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ રશિયાએ આ બેઠકનું પ્રથમ વખત આયોજન કર્યું હતું. જેમાં ભારત અને તાલિબાનના પ્રતિનિધિ પ્રથમ વખત સામ-સામે આવ્યા હતા. આ બેઠકમાં યુએનને સાથે રાખીને અફઘાનની મદદ કરવાનો ભારતનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત તાલિબાનને શાસન સુધારવા તમામ દેશોએ સલાહ આપી હતી.

ભારત અને વચગાળાની તાલિબાન સરકારના સભ્યોએ પ્રથમ વખત મુલાકાત કરી હતી બન્ને પક્ષે રાજદ્વારી સંપર્કોમાં સુધારો કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ઉપરાંત માનવતાવાદી સહાય ઉપર પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી જેપી સિંઘ અને તાલિબાન તરફથી નાયબ વડાપ્રધાન મૌલવી અબ્દુલ સલામ હનાફીએ પ્રતિનિધિત્વ કર્યું હતું. તાલિબાને એક નિવેદનમાં દાવો કર્યો કે બંને પક્ષોએ એકબીજાની ચિંતાઓ ધ્યાનમાં લીધી અને રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાના નિર્ણય લીધા હતા.  તાલિબાનના જણાવ્યા અનુસાર ભારતે માનવીય સહાયતા આપવાની ખાતરી આપી છે.

ભારતે અફઘાન ભૂમિનો ઉપયોગ સરહદ પાર આતંકવાદી હુમલા માટે કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને 15 ઓગસ્ટથી અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર તેની સ્થિતિ સ્પષ્ટ કરી છે.  આ બેઠકમાં રશિયા અને ભારત બંને દ્વારા તાલિબાનની માન્યતા પર ઉતાવળ ન કરવાનું જાહેર કર્યું હતું.મોસ્કો ફોર્મેટ બેઠક બાદ બહાર પાડવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે વર્તમાન અફઘાન નેતૃત્વને શાસન સુધારવા માટે વધુ પગલાં લેવા જોઈએ. ત્યાં માનવઅધિકારો જળવાઈ રહે તેવું આયોજન કરવું જોઈએ. સ્ત્રીઓને માન સન્માન મળવું જોઈએ.

વધુમાં તાજેતરમાં જ ભારતે અફઘાનિસ્તાનને ટાંકીને કહ્યું હતું કે અફઘાનિસ્તાન દેશ અને નાગરિકો સાથે ભારત સંવેદનશીલતા દાખવે છે. પણ ત્યાંના આતંકવાદ સામે ભારત વિરોધ નોંધાવે છે. ત્યાંના નાગરિકોને ભૂખમરાથી બચાવવા માટે ભારત 50 હજાર મેટ્રિક ટન ઘઉં અને દવાઓનો જથ્થો મોકલવાનું છે. પણ આ બેઠકમાં ભારતે જાહેર કર્યું કે અફઘાનિસ્તાનને જે માનવતાંવાદી સહાય આપવામાં આવશે તે સંયુક્ત રાષ્ટ્રની સાથે રહીને આપવામાં આવશે. આ સહાય અંગે સંયુક્ત રાષ્ટ્રએ સંકલન કરવાનું રહેશે.

આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિએ પણ કહ્યું હતું કે અમે અમારી ધરતીનો ઉપયોગ કોઈ દેશ વિરોધીઓને કરવા દેશું નહિ. માનવતાવાદી સહાય અંગે, રશિયાના રાષ્ટ્રપતિના દૂત ઝમીર કાબુલોવે કહ્યું કે  આપણે અફઘાન લોકોને સહાય આપવી જોઈએ.  આપણે આવનારી કટોકટીને રોકવી જોઈએ.  વિશ્વ સમુદાયે એકીકૃત થવું જોઈએ અને પક્ષપાતી અભિગમથી દૂર રહેવું જોઈએ,” કાબુલોવે ઉમેર્યું.  હું સમજું છું કે દરેકને અફઘાનિસ્તાનની નવી સરકાર પસંદ નથી, પરંતુ આ નવી સત્તાને સજા કરવાના પ્રયાસમાં, તેઓ સમગ્ર અફઘાન વસ્તીને સજા કરે છે.

અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ બેઠકથી તાલિબાનને મોટી આશા હતી. અફઘાનિસ્તાનનું ભંડોળ સ્થગિત થયું ત્યારથી આ દેશ આર્થિક સંકટ અને ભૂખમરાના ભયનો સામનો કરી રહ્યો છે. તાલિબાને સમાવેશી સરકારના વચનો પાળ્યા ન હોવાથી રશિયા તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાની ઉતાવળમાં નથી.

નોંધનીય છે કે આ બેઠક માટે અમેરિકાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ અમેરિકા આ ​​બેઠક પહેલા દોહામાં તાલિબાન પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી ચૂક્યું હતું અને આ બેઠકમાં ભાગ લીધો ન હતો.

રશિયા ઉપરાંત તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ તાલિબાન સરકાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તાલિબાન સરકારે જાહેરમાં આપેલા વચનો પૂરા થયા નથી. તો કતાર પણ તાલિબાનને કહી ચૂક્યું છે કે તેઓ ઈસ્લામિક સરકાર ચલાવવા માંગતા હોય તો તેમણે કતાર પાસેથી શીખવું જોઈએ. આ સિવાય કેટલાક મુસ્લિમ દેશો પણ એક સમાવેશી સરકાર ચલાવવા અને સમાજમાં મહિલાઓની ભૂમિકાના મહત્વને તાલિબાનમાં વિદેશ મંત્રીઓ મોકલીને અફઘાનિસ્તાન પહોંચવાની યોજના બનાવી રહ્યા છે.

પાકિસ્તાન તાલિબાનને ટેકો આપે છે અને અફઘાનિસ્તાનની ખરાબ સ્થિતિ વચ્ચે પણ આ દેશને મદદ પૂરી પાડી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનની પણ તેની મર્યાદા છે કારણ કે પાકિસ્તાન પોતે જ આર્થિક સંકટનો ખરાબ રીતે સામનો કરી રહ્યું છે. ચીને પણ હજુ તાલિબાન પ્રત્યે બહુ ઉત્સાહી વલણ બતાવ્યું નથી. આવી સ્થિતિમાં તાલિબાન સતત શક્ય તેટલી મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.