Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાનારી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચૂકી છે. રાજ્યમાંથી ચાલુ વર્ષે 9,16,480 ફોર્મ ભરાયા છે. ગત વર્ષની સરખામણીમાં અંદાજે 40 હજાર ફોર્મ ઓછા ભરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ફોર્મ ભરવાની મુદત આગામી 6 જાન્યુઆરીએ પૂરી થઇ રહી છે ત્યારે અત્યાર સુધીમાં 4,83,943 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જોકે, ફોર્મ ભરવામાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. હાલમાં ધો.10ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત 2 જાન્યુઆરીએ પૂરી થઇ ચૂકી છે.

ધોરણ 10માં ગત વર્ષની સરખામણીએ ફોર્મ ભરવામાં ગત ઘટાડો: ચાલુ વર્ષે 9 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે

ધો.10માં પરીક્ષા આપવા કુલ 9,16,480 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે. ગત વર્ષે ધો.10માં 9,56,753 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીમાં ધો.10માં ચાલુ વર્ષે અંદાજે 40 હજાર વિદ્યાર્થીનો ઘટાડો નોંધાયો છે. ધો.12 સાયન્સમાં અત્યાર સુધીમાં 1,31,179 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે. સાયન્સમાં ગત વર્ષે 1,26,777 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા. આમ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અંદાજે સાડા ચાર હજાર વધારે વિદ્યાર્થી નોંધાયા છે. મેડિકલ અને ઇજનેરી સહિતના કોર્સમાં બેઠકોનો વધારો થતાં વધુને વધુ વિદ્યાર્થીઓએ સાયન્સમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ફોર્મ ભરવાની મુદત આગામી 6 જાન્યુઆરીએ પૂરી થઇ રહી છે.

સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધીમાં 4,84,943 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે. ગત વર્ષે 5,65,528 ફોર્મ ભરાયા હતા. સામાન્ય પ્રવાહમાં અંદાજે 80 હજારથી વધારે ઓછા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આમ, ગત વર્ષે ધો.10 અને 12ની પરીક્ષામાં કુલ 15,32,602 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેની સામે ગત વર્ષે 16.49 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આમ, ગત વર્ષ કરતાં કુલ 1,16,456 જેટલા ફોર્મ ઓછા ભરાયા છે. ગત વર્ષે વધારે વિદ્યાર્થીઓ નોંધાવવા પાછળ ધો.10માં માસ પ્રમોશનના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થઇને આવ્યા હતા તે ગણવામાં આવ્યું હતું.

કુલ કેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા?

ધો.10  –  9,16,480
ધો.12 સાયન્સ – 1,31,179
ધો.12 સામાન્ય –  4,83,943
કુલ – 15,31,612

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.