Abtak Media Google News

અમરેલીમાં કેન્દ્રીયમંત્રી પરષોતમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા અને પદાધિકારીઓ મહાનુભાવો જોડાશે

અબતક,

પ્રદીપ ઠાકર, અમરેલી

“સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન” યોજવામાં આવશે. જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકાના દરિયાઈ વિસ્તારને આવરી લઇ આશરે 55 થી 60 કિમી દરિયાકિનારાની સફાઈ હાથ ધરવામાં આવશે. આ કાર્ય માટે  સ્વયંસેવકો સેવા આપશે. કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાને શનિવારના રોજ “વિશ્વ સાગર કિનારા સ્વચ્છતા દિવસ” ની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહેશે. મંત્રી જાફરબાદના બલાણા સ્થિત સરકેશ્વર મહાદેવ મંદિર ખાતેના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં તેમની સાથે વિદ્યાર્થીઓ, વિવિધ જૂથ અને પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે. જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા જાફરબાદના વારાહસ્વરૂપ મંદિર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  જાફરબાદના રોહિસામાં ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી અને અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા ઉપસ્થિત રહેશે. સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત રાજુલાના ચાંચ અને જાફરાબાદ તાલુકાના વરુડી માતા મંદિર વઢેરા, સરકેશ્વર મહાદેવ મંદિર બલાણા, રતનેશ્વર મહાદેવ મંદિર, રોહિસા અને ધારાબંદર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  મહત્વનું છે કે, દરિયાઈ સ્વચ્છતા માટેનું આ અભિયાન સ્વચ્છતાની સાથે સાથે દરિયાઈ વિસ્તારમાં વસતા નાગરિકોમાં દરિયાઈ સૃષ્ટિ અને પર્યાવરણ જાળવણી માટે પ્રયાસો કરવામાં આવશે. કાર્યક્રમની માહિતી આપવાના હેતુથી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ડેરી કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ અમરેલી અતિથિ ગૃહ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.

પત્રકારોને માહિતી આપતા મંત્રીએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના 60 કિલોમીટરના દરિયાકિનારે વિવિધ સ્થળોએ સૌ કોઈ આ અભિયાનમાં જોડાઈ અને સમુદ્ર કિનારે સફાઈ અભિયાન હાથ ધરશું. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અપીલના પગલે રક્તદાન શિબિરનું પણ આયોજન આ તકે કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ઇફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. કાનાબાર સહિત સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.