Abtak Media Google News
  • રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ અને મવડી વિસ્તારમાં બે મકાન, 12 ઝુંપડા, ગેરેજ અને મારબલના ડેલા સહિતના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું

કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છેલ્લા ઘણા સમયથી ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. દરમિયાન આજે શહેરના વોર્ડ નં.1 અને 11માં ટીપી સ્કિમના અનામત પ્લોટ પર ખડકાયેલા 17 દબાણો પર આજે બુલડોઝન ફેરવી દેવામાં આવ્યું હતું અને 127 કરોડની 14,970 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ટીપીના પ્લોટ ખૂલ્લા કરાવવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં.1માં ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના અંતિમ ખંડ નં.24/એ માં રૈયા રોડ પર સવન સિગ્નેટ બિલ્ડીંગની પાછળ આવેલા વાણિજ્ય હેતુ વેંચાણ માટેના પ્લોટ પર એક મકાન તથા કમ્પાઉન્ડ વોલનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. અહિં અંતિમ ખંડ નં.25/એ માં વાણિજ્ય વેંચાણ હેતુ માટેના પ્લોટ પર ગેરેજનું બાંધકામ અને માર્બલનો ડેલા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો શહેરના વોર્ડ નં.11માં ત્રાટક્યો હતો. અહિં 150 રીંગ રોડ પર ગોવિંદરત્ન બંગ્લોઝની પાછળ ટીપી સ્કિમ નં.7 (નાનામવા)ના અંતિમ ખંડ નં.22/એ ના વાણિજ્ય વેંચાણ માટેના પ્લોટ પર 6143.19 ચોરસ મીટર જમીનમાં 12 ઝુંપડા બની ગયા હતા. જેનું આજે ડિમોલીશન કરી નાંખવામાં આવ્યું હતું. આ ઉપરાંત મવડી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.27 (મવડી)ના રામધણ ચોક પાસે સાવન બંગ્લોઝની બાજુમાં અંતિમ ખંડ નં.34/એ ના ગાર્ડન બનાવવા માટેના અનામત પ્લોટ પર એક મકાનનું બાંધકામ હતું જે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. આજે અલગ-અલગ વિસ્તારોમાં ડિમોલીશન અંતર્ગત રૂ.126.71 કરોડની બજાર કિંમતની 14970 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચોમાસાના ચાર મહિના દરમિયાન ડિમોલીશનની કામગીરી કરી શકાતી નથી.

આગામી 15મી જૂનથી ડિમોલીશનની કામગીરી પર બ્રેક લાગે તે પૂર્વે ટીપી શાખા દ્વારા ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે રોજ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.