Abtak Media Google News

ચૂંટણી ખર્ચ નિરીક્ષક દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સરકારી-સહકારી-ખાનગી બેંકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક બાબતોની આગોતરી તકેદારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આર્થિક લેવડ દેવડ ઉપર ચાંપતી નજર રાખીને કોઈપણ પ્રકારની ગેરરીતિઓ ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને કલેકટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સરકારી, સહકારી અને ખાનગી બેંકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ તકે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દેવ ચૌધરીએ દરેક બેન્કોને 10 લાખ અથવા તેનાથી વધુની રકમના નાણાકીય વ્યવહારો ઉપર ખાસ નજર રાખવા જણાવ્યું હતું. રોકડ લેવડ દેવડ સિવાયના ઓનલાઈન ટ્રાન્જેકશનો ઉપર પણ ધ્યાન રાખવા સૂચના આપી હતી. તેમજ દરેક બેંકનાં અધિકારીઓને નિયત ફોર્મમાં સર્વે બ્રાન્ચમાં રોજ થતા નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ બેન્ક નોડલ અધિકારી તેમજ ઇન્કમટેક્સ નોડલ અધિકારીને સત્વરે મોકલી આપવા પર ભાર મુક્યો હતો. વધુમાં દરેક બેંકના અધિકારીઓને પણ પોતાના સ્ટાફના સભ્યોને પણ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઉપર નજર રાખવાની સુચના આપવા જણાવ્યું હતું. સાથો સાથ કોઈપણ ઉમેદવારને બેન્ક વ્યવહાર સંબંધિત મુશ્કેલીઓ ન પડે તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. આ બેઠકમાં બેંક નોડલ અધિકારી, ઇન્કમટેક્સ નોડલ અધિકારી તેમજ સરકારી, સહકારી અને ખાનગી બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.