Abtak Media Google News

અરવલ્લીના મોડાસામાં સવારે ૨ કલાકમાં ૨ ઈંચ ખાબક્યો : આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

માણાવદર પંથકમાં અનરાધાર વરસાદે એક ઝાટકે જ રસાલા ડેમ: ગોંડલમાં મોસમનો ૬૦ ટકાથી વધુ વરસાદ

ગઈકાલે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે બપોરબાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. માણાવદરના જાંબુડા અને રોણકી પંથકમાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ એક જ કલાકમાં સુપડાધારે ૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ચેકડેમો છલકાઈ ગયા હતા. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. એક ઝાટકે જ શહેરનો રસાલા ડેમ ઓવરફલો થઈ ગયો હતો. ગોંડલમાં પણ મેઘરાજાએ ગઈકાલે તોફાની ઈનીંગ જોવા મળી હતી. ૩૦ મિનિટમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ઠેર-ઠેર કેળ સમાણા પાણી ભરાયા હતા. આજે સવારથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. હજુ જૂન માસ પૂર્ણ થયો નથી ત્યાં ગોંડલમાં મૌસમનો ૬૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આજે સવારથી રાજ્યના ૨૮ તાલુકામાં વરસાદ વરસી રહ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના સુત્રોએ જણાવ્યું છે.

Img 20200630 Wa0007

સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદ આપે તેવી હાલ એક પણ સીસ્ટમ સક્રિય નથી. છતાં ગઈકાલે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. માણાવદર પંથકના જાંબુડા, રોણકીના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ રીતસર ધમરોળ્યા હતા. એક કલાકમાં સુપડાધારે ૫ ઈચં જેટલો વરસાદ વરસી જતાં ચેકડેમો છલકાઈ ગયા હતા અને નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જાંબુડા જવાનો રસ્તો ભારે વરસાદના કારણષ બંધ થઈ ગયો હતો. માણાવદરનો રસાલા ડેમ જે ગઈકાલ સવારથી કોરો ધાકડ હતો તે અનરાધાર વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપુરથી ઓવરફલો થઈ ગયો હતો. નદીઓમાં આવેલ પુર જોવા મેદની ઉમટી પડી હતી. વેરવામાં પણ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સણોસરામાં ૩॥ ઈંચ, ગળવાવમાં ૪॥ ઈંચ વરસાદ પડ્યો હતો તો માણાવદરમાં ૨૮ મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. ગઈકાલે બપોરબાદ ગોંડલમાં પણ મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી. માત્ર ૩૦ મિનિટમાં જ શહેરમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી જતા કોલેજ ચોક, ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક, કૈલાસ બાગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. કાશિ વિશ્ર્વનાથ રોડ પર રાતા નાલા નીચે માથાડૂબ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જ્યારે ઉમરાળા રોડ પર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર પડી હતી. રાજુલા પંથકમાં પણ ગઈકાલે મેઘરાજાએ મહેર ઉતારી હતી. આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૬૬ તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. રેકોર્ડ પર સૌથી વધુ વરસાદ ગોંડલ તાલુકાઓમાં પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં માણાવદર, રાણપુર, માંગરોળ, કેસોદ, જામકંડોરણા, વંથલી, લોધીકા, તાલાલા, જેતપુર, ધારી, ભેંસાણ, જૂનાગઢ, રાજુલા, કોટડા સાંગાણી, મેંદરડા, જેસર, મહુવા, ઉના, ભાવનગર, પડધરી સહિતના ગામોમાં હળવા ઝાપટાથી લઈ ૧ ઈંચ સુધી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર ગઢડા પંથકમાં ઢોકડવામાં વહેલી સવારે અડધો ઈંચ જેટલો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારે અરવલ્લીના મોડાસામાં ૨ કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો માલપુરમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

ભાદર ડેમમાં અડધો ફૂટ નવુ પાણી આવ્યું

ગઈકાલે ગોંડલ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ એવા ભાદરમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ૭ જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદર ડેમમાં નવું ૦.૪૩ ફૂટ પાણીની આવક થતાં ડેમની સપાટી ૧૯.૩૦ ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ ૧૭૫૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ભાદરમાં નર્મદાના નીર પણ ઠાલવવામાં આવી રહ્યાં છે. ભાદર ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં નવું ૦.૫૯ ફૂટ, છાપરવાડી-૨માં ૦.૬૬ ફૂટ, મોરબી જિલ્લાના ડેમી-૧ ડેમમાં ૦.૦૩ ફૂટ, બ્રાહ્મણી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, જામનગર જિલ્લાના ડાયમીણસારમાં ૦.૭૫ ફૂટ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વાસલમાં ૦.૪૯ ફૂટ નવા નીરની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.