Abtak Media Google News
  • આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 630 એમસીએફટી પાણી ઠલવાશે: કાલ સાંજથી નર્મદાના નીરનું આગમન

ચોમાસુ મોડું અને અનિયમિત રહેશે તેવી હવામાન વિભાગની આગાહીના કારણે રાજકોટવાસીઓના જીવ થોડા ઉંચક થઇ ગયા છે. જો કે, આજે મેયર ડો.પ્રદિપ ડવા દ્વારા રાહત આપતા સમાચાર આપવામાં આવ્યા છે. વરસાદ ખેંચાશે અને જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક નહિં થાય તો પણ શહેરીજનોએ પાણીની હાડમારી વેઠવી પડશે નહિં. સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં વધુ 630 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આજે મચ્છુ ડેમથી નર્મદાના પાણી રાજકોટ તરફ રવાના કરી દેવામાં આવ્યા છે. જે કાલે સાંજ સુધીમાં આજી ડેમે પહોંચી જશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાય તો રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજીડેમમાં વધારાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેને મંજૂરી આપી દેવામાં આવી છે. આજી ડેમનું લેવલ હાલ 17.36 ફૂટ છે અને ડેમમાં 309 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ 10 જૂન સુધી ચાલે તેમ છે. 31 ઓગસ્ટ સુધી વિતરણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર પાસે 630 એમસીએફટી નર્મદાના નીર માંગવામાં આવ્યા છે. જે મંજૂર થઇ ગયા છે. દરમિયાન આજે સવારથી મોરબીના મચ્છુ ડેમથી રાજકોટ તરફ પાઇપલાઇન મારફત નર્મદાના નીર રવાના કરી દેવામાં આવ્યા છે. જે આવતીકાલ સાંજ સુધીમાં આજીડેમ ખાતે પહોંચી જશે. વરસાદ નહિં પડે તો પણ ઓગસ્ટમાં આજી ડેમ નર્મદાના પાણીની છલોછલ ભરેલો હશે.

તેઓએ ઉમેર્યું હતું કે ન્યારી ડેમમાં તાજેતરમાં 200 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 16.90 ફૂટ છે અને ડેમમાં 570 એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.