Abtak Media Google News

આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરાશે : રેશનકાર્ડ ન હોય તેવા ગરીબ લોકોને પણ ૪ એપ્રિલથી અનાજ કીટ મળશે

શ્રમજીવીઓ પોતાના વતન-ગામ પાછા ન ફરે તે માટે તેમને આશ્રય – ભોજન સહિતની સુવિધાઓ આપવા માટે વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે  આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્યની પ્રજાનાં જનહિતકારી નિર્ણયો લેવામાં કોઈ રૂકાવટ કે  બાધા ન આવે તેવા ઉમદા અભિગમ સાથે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીમંડળના મંત્રીઓ સાથે જોડાશે. રાજ્યના મંત્રીઓ પોતાના જિલ્લાની કલેકટર કચેરીમાં હાજર રહી મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠકમાં જોડાશે. ખાસ નોંધનીય છે કે, વિજયભાઈ રૂપાણીના ટેકનોસેવી અભિગમ અને સરકારમાં ટેકનોલોજીનાં મહત્તમ વિનિયોગ દ્વારા દેશભરનાં રાજ્યોમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની કેબિનેટ બેઠક  – આધુનિક કોમ્યુનિકેશન  વીડિયો કોન્ફરન્સ યોજાઈ રહી છે.

Advertisement

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનનાં સમય દરમિયાન ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા રહેવું ન પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. આ સંદર્ભમાં રાજ્યનાં અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આજે ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીશ્રીએ કરી છે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે.

તદ્દઅનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ એવા પણ દિશાનિર્દેશો આપેલા છે કે, રાજ્યના દરેક સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી રપ-રપ લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીને જ અનાજ લેવા માટે બોલાવવામાં આવે. કોરોના વાયરસ કોવિડ-૧૯નું સંક્રમણ ભીડભાડ અને એકબીજાના સંપર્કથી વધુ પ્રસરે છે તે અટકાવવાના હેતુસર વિજયભાઈ રૂપાણીએ આ વ્યવસ્થાનું ચુસ્ત પાલન થાય તેની પણ તેકદારી રાખવા સુચનાઓ આપી છે.

વધુમાં ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો, ગરીબ – અંત્યોદય પરિવારો – લોકોને પણ લોકડાઉન દરમિયાન અનાજ વગર ન રહેવું પડે તે માટે વધુ એક ઉદાત્તભાવ દર્શાવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૪ એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. આવા વ્યક્તિ – પરિવારોની યાદી સંબંધિત જિલ્લાના કલેકટર તંત્રએ તૈયાર કરી છે. આટલું જ નહીં લોકડાઉનની સ્થિતિમાં નાગરિકો-પ્રજાજનોને ઘરમાં રહેલા અનાજ દળાવવાની, લોટની સગવડ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી અનાજ દળવાની ઘંટી – ફલોર મિલ્સ ચાલુ રાખવા પણ તંત્રવાહકોને સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી – રોજીરોટી માટે આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ હાલ પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે  આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે.  આવા શેડ બનાવવા માટે અમદાવાદને રૂ. ૩ કરોડ, સુરતને રૂ. ર.પ૦ કરોડ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પ્રત્યેકને રૂ. ર-ર કરોડ તેમજ અન્ય જિલ્લાઓને ૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.