Abtak Media Google News

સ્થાનિક રાજકીય આગેવાનોની દખલગીરીના કારણે અનેક કો-ઓપરેટીવ બેંકો સંકટમાં મૂકાઇ હોય કે ઉઠી ગઇ હોવાના ઘણા દાખલા

જિલ્લા રજિસ્ટાર દ્વારા થતા ઓડીટ સહિતની સત્તા હવે રિઝર્વ બેંક પાસે ચાલી જાય તો અનેકના તપેલા ચઢી જાય

નાના-મોટા આર્થિક વ્યવહારોમાં સહકારી બેંકોનો વહીવટ અર્થતંત્ર માટે અગત્યનું પાસુ બની ગયું છે. જો કે, સહકારી બેંકોમાં રાજ્ય સરકારો અને સ્થાનિક રાજકીય આગેવાનોની ચંચુપાતનું પ્રમાણ કેન્દ્ર સરકારની સહન શક્તિ બહાર ચાલ્યું ગયું હોય હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સહકારી બેંકોના વહીવટ ઉપર લગામ લગાવવાની તૈયારી થઈ છે. અત્યાર સુધીમાં સ્થાનિક આગેવાનોની ચંચુપાત અને ગેરવહીવટના કારણે અનેક સહકારી બેંકો ફડચામાં ચાલી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે ત્યારે હવે સહકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હેઠળ આવરી લેવામાં આવી છે. આવી બેંકોને આરબીઆઈના નિયમોનું પાલન કરવાનું રહેશે.

કેન્દ્ર સરકારે કરેલી નિર્ણયના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની સરકારી બેંકોમાં કૌભાંડો અટકશે અને રાજકીય વગ વાપરીને તપાસ બંધ કરાવી દેતા કૌભાંડી સહકારી આગેવાનોના રસ્તા પણ બંધ થઈ જશે. ગેરરીતિઓ કે થાપણદારોની ગેરરીતિઓ સામે હવે ભારતીય રિઝર્વ બેંક સીધા વહીવટદાર નીમી શકશે. દેશમાં વર્તમાન સમયે ૧૫૪૦ જેટલી સહકારી બેંકો આવેલી છે. કેન્દ્રએ બેંન્કિંગ રેગ્યુલેશન એકટમાં ફેરફાર કરી સહકારી બેંકોને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી થાપણદારો અને ખાતેદારોને ફાયદો થશે. અગાઉ રજિસ્ટ્રાર પાસે સહકારી બેંકને લઈ મહત્વની સત્તાઓ રહેતી હતી જે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે ચાલી જશે. ડિપોઝીટર્સનો વિશ્ર્વાસ હવે સરકારી બેંકોમાં વધુ વધશે. રિઝર્વ બેંકને વહીવટમાં કોઈ ગેરરીતિ લાગશે તો સીધા જ વહીવટદાર નીમી શકશે.

અત્યાર સુધી કૌભાંડી વગદાર હોય અથવા રાજ્ય સરકારમાં પહોંચ ધરાવતો હોય તો કડક તપાસ અને નિર્ણયો લેવાતા ન હતા. પરંતુ ખુદ રિઝર્વ બેંક હવે પગલા લઈ શકશે. રિઝર્વ બેંક એકંદરે કેન્દ્ર સરકારની સ્વાયત સંસ્થા છે. સહકારી બેંકોના સંચાલનની જવાબદારી હવે રજિસ્ટ્રારની જગ્યાએ રિઝર્વ બેંકની રહેશે. સહકારી બેંકોનું ઓડિટ પણ આરબીઆઈના નિયમો હેઠળ કરવામાં આવશે. જો કોઈ બેંક આર્થિક સંકટમાં ફસાઈ હશે તો આરબીઆઈ તેના બોર્ડ પર નજર રાખશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પંજાબ અને મહારાષ્ટ્ર બેંક તેમજ કેટલીક સહકારી બેંકોમાં કૌભાંડના પગલે લાખો રોકાણકારોના નાણા ફસાઈ ગયા હતા. હવે સહકારી બેંકોનો વહિવટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે ચાલ્યો જતાં રાજ્ય સરકારનું પ્રભુત્વ સહકારી બેંકો પરથી ઘટી જશે.

સહકારી બેંકોની સત્તા ઉપર મર્યાદા આવી જશે. વર્ષોથી રાજ્ય સરકારો અને સ્થાનિક આગેવાનો દ્વારા સહકારી બેંકોના વહીવટમાં ચંચુપાત થતો આવ્યો છે. જેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાં અનેક સહકારી બેંકોના એનપીએ વધ્યા છે. કેટલીક બેંકો ઉઠી પણ ગઈ છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી સહકારી બેંકોની ગતિવિધિ ઉપર નજર રાખી રહી હતી. વૈશ્ર્વિક રીતે બેન્કિંગ વ્યવસ્થા મજબૂત બનાવવાના આશયથી બેન્કિંગ સેકટરમાં અનેકવિધ ફેરફાર કર્યા છે. જેમાં સૌથી મોટો ફેરફાર અત્યારે સહકારી બેંકોને રિઝર્વ બેંકની સીધી દેખરેખ હેઠળ લાવવાનો રહ્યો છે. જેના કારણે ઓડીટ સહિતની સતા રજિસ્ટાર પાસેથી આંચકી લેવાતા અત્યારસુધી ચાલ્યા આવતા લોલમલોલ ઉપરથી પડદો ઉંચકાઇ જશે.

ગુજરાતમાં મધ્યસ્થ સહકારી બેંકોની સ્થિતિ શું?

ગુજરાતમાં પણ માધવપુરા કો.ઓપરેટીવ બેંકનું મોટુ કૌભાંડ થયું હતું. જેના પુરેપુરા નાણા હજુ ખાતેદારોને મળ્યા નથી. રાજ્યમાં એક સ્ટેટ કો-ઓપરેટીવ બેંક અને ૧૮ મધ્યસ્થ કો-ઓપરેટીવ બેંક આવેલ છે જેમાં ૩૭૦૦ સભ્યોની સંખ્યા છે. જ્યારે ૪૭,૧૮,૦૯૩ લાખ કાર્યકારી મુડી છે. આ બેંકોએ ૧૧,૬૫,૯૫૦ લાખની લોન વસુલાત કરી છે જ્યારે ૧૯,૪૯,૯૯૦ લાખ વસુલવાના બાકી છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન બેંકોએ ૨૯,૯૭,૪૧૫ લાખ કરોડનું ધિરાણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.