Abtak Media Google News

એક જ દિવસમાં શહેરમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો ઉતર-પૂર્વના ફૂંકાતા સુકકા પવનો

અબતક,રાજકોટ

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનથી સૌરાષ્ટ્રમાં માવઠુ પડયું હતુ. હવે વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થઈ જતા વાતાવરણ કિલયર થઈ ગયું છે. ગઈકાલે ઝાકળ વર્ષા થવા પામી હતી. આજે ઠંડીનો પારો 18.7 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યો હતો. દરમિયાન આગામી ત્રણથી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમા લઘુતમ તાપમાનનો પારો 2થી ચાર ડિગ્રી સુધી પટકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચો પટકાતા ઠંડીનું જોર વધ્યું હતુ. હાલ ઉતર-પૂર્વના સુકકા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉતરના રાજયમાં હિમ વર્ષા બાદ ગુજરાતમાં શિયાળાની સીઝન બરાબરની જમાવટ લેશે. આગામી ત્રણથી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં લઘુતમ તાપમાનમા બેથી લઈ ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ડિસેમ્બર માસના આરંભથી શિયાળાનો અસલી રંગ જોવા મળશે. ગત અઠવાડીયે ઠંડીનું થોડુ જોર જોવા મળ્યુ હતુ દરમિયાન સાયકલોનીક સરકયુલેશનના કારણે માવઠુ પડતા ઠંડીનું જોર ઘટયું હતુ ગઈકાલે શિયાળાની સિઝનની પ્રથમ ઝાકળ વર્ષા થવા પામી હતી. આજે લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી પટકાયો હતો. દરમિયાન આગામી બેથી ત્રણ દિવસમાં પારો બેથી ચાર ડિગ્રી સુધી નીચે જાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.