Abtak Media Google News

ગીરનાર પર્વત પર લઘુતમ તાપમાનનો પારો ૪ ડિગ્રી: અમરેલી ૮.૬ ડિગ્રી અને રાજકોટ ૧૧ ડિગ્રી સાથે ઠુંઠવાયા

ઉતરીય રાજયમાં સતત બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજથી બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. કચ્છનું નલીયા આજે ૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો પાર ૪ ડિગ્રી આસપાસ પહોંચી જતા ગીરનાર જાણે હિમાલય જેવો ઠંડોગાર બની ગયો હતો. આવતીકાલે પણ કોલ્ડવેવ જારી રહે તેવી આગાહી આપવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. એક જ દિવસમાં પારો ૧.૪ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. શિયાળાની સિઝનમાં આજે સૌથી નીચુ તાપમાન રહ્યાના કારણે નલીયા બરફનો ગોળો બની ગયો હતો. ગરમ વસ્ત્રો અને ઉપકરણો પણ કાતીલ ઠંડી ગામે લોકોને રક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ગઈકાલનું મહતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.

રાજકોટ પણ આજે કાતીલ ઠંડીમાં ધ્રુજયુ હતું. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૩૧.૭ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. શહેરમાં ગઈકાલ કરતા આજે પારો સવા ડિગ્રી જેટલો નીચો પટકાયો હતો. દિવસભર ઠંડાગાર પવનોના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં વિંટોળાયેલા જોવા મળતા હતા.

જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૯ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. મહતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા તથા પવનની સરેરાશ ઝડપ ૨.૭ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૪ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. ગીરનાર જાણે હિમાલય બની ગયો હોય તેવો અનુભવ થતો હતો. અમરેલીમાં આજે લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩.૭ કિ.મી પ્રતિ કલાક અને ગઈકાલે મહતમ તાપમાન ૩૨ ડિગ્રી રહેવા પામ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.