Abtak Media Google News

મહેસુલ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી છવાઈ ગયા

માત્ર આ એક જ ફેરફારથી બિનખેતીના પેન્ડિંગ કેસોનું ભારણ ઘટશે, તલાટી અને અરજદારો ઉતરોતર ઘરે બેઠા જોઈ શકતા હોવાથી વિવાદો સર્જાવાની પણ શકયતા ઘટશે

મહેસુલ વિભાગે સુચન સ્વિકારી હકારાત્મક વલણ દાખવ્યું: આઈઓઆરએ પોર્ટલના 4 ટેકનિક્લ ફોલ્ટ પણ ધ્યાને મૂક્યા

અત્યારે ઉતરોતર ન મળવાના પ્રશ્ને બિનખેતીના અનેક પ્રકરણો પેન્ડિંગ હાલતમાં પડ્યા રહે છે. આ સમસ્યા રાજ્યભરમાં છે. તેવામાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ પ્રશ્નને મહેસુલ વિભાગ સમક્ષ મુક્યો છે. મહેસુલ વિભાગ પણ હવે આ સૂચન બરાબર સાંભળીને તેનું અનુકરણ કરે તેવી શકયતા સેવાઈ રહી છે.

Advertisement

ઓનલાઈન બીનખેતીને વધુ સરળ કરવા માટે મહેસુલ વિભાગે ગઈકાલે રાજયભરના કલેકટરો પાસેથી સુચન માંગ્યા હતાં. જેમાં રાજકોટ કલેકટરે બીનખેતી માટે ગામ નમૂના નં.2 ઓનલાઈન કરવાની ભલામણ કરી હતી.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પોતાના સુચનોમા જણાવ્યું હતું કે આઈઓઆરએમાં ઓનલાઈન બીનખેતી માટેના આવતા પ્રકરણમાં અરજદાર દ્વારા જમીનના દસ્તાવેજ, 7/12 રજૂ કરવામાં આવે છે. જયારે ગામ નમુના નં. 2 ના ઉતરોતર નોંધ નહી મુકવાના કારણે બીનખેતીની પરવાનગી આપવામાં મુશ્કેલી પડી રહી છે. આથી જો બીનખેતી માટે ગામ નમુના નં. 2 ને ઓનલાઈન કરવામાં આવે તો ઝડપથી બીનખેતીની પ્રક્રિયા આટોપી લેવાય તેમ છે.

વધુમાં તેઓએ સુચનમાં કહ્યું કે ગામ નમુના નં. 2 ઓનલાઈન કરવાથી તલાટી અને અન્ય અરજદારો પણ ઘરબેઠા જોઈ શકે તેમજ જમીનની ખરીદી વેચાણ તથા લીટીગેશન છે કે નહિ? જેથી સંભવિત વિવાદો પણ ઓછા થાય તેમ છે. મહેસુલ વિભાગે રાજકોટ કલેકટરે કરેલ ભલામણનો સ્વિકાર કર્યો છે. આથી આગામી દિવસોમાં બીનખેતીમાં નવો સુધારો થાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે. આ ઉપરાંત આઈઓઆરએ પોર્ટલમાં ચાર જેટલા ટેકનિકલ ઈસ્યુ છે તેમાં પણ સુધારાના સુચન કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે મહેસુલ વિભાહ દ્વારા તમામ જિલ્લા કલેકટરો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મહત્વનું સૂચન આપવાની સાથે 4 ટેક્નિકલ ભૂલ પણ મહેસુલ વિભાગ સામે મૂકી હતી. આમ તેઓના રેવન્યુ નોલેજને કારણે મહત્વનું સૂચન મહેસુલ વિભાગ સુધી પહોંચીને લોકોની સરળતા માટે કામે આવવાનું છે.  મહેસૂલ વિભાગ દ્વારા હાલ આઈઓઆરએ પોર્ટલ કાર્યરત છે. જે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન, ટ્રેકિંગ તથા મોનિટરિંગ સરળ, વિલંબમાં ઘટાડો, જેમ કે કાયદાની જોગવાઇ મુજબ બિનખેતી મંજૂરીની સમયમર્યાદા 90 દિવસ પરંતુ અરજીઓનું ગ્રીન, યલો તેમજ રેડ ચેનલમાં વિભાજન કરવાથી અરજીઓનું ઝડપથી નિકાલ સહિતની ખાસિયતો ધરાવે છે.

આ પોર્ટલ વધુમાં વધુ સરળ બને તે માટે મહેસુલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને લઈને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રૂડાના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નાયબ મામલતદારો, સિટી સર્વે કચેરીના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આઈઓઆરએ અંગે ચર્ચા કરી તે અંગેના સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા. સૂચનો કલેકટરે ગઈકાલે મહેસુલ વિભાગ સાથેની વિડીયો કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.