Abtak Media Google News

સરપંચ માટે બેલેટ પેપર ગુલાબી રંગનું અને સભ્યપદ માટે સફેદ રંગનું હશે

અબતક, રાજકોટ : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 16 લાખ જેટલા બેલેટ પેપર છપાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરપંચ પદ માટે ગુલાબી રંગનું તથા સભ્ય પદ માટે સફેદ રંગના બેલેટ પેપર છાપવામાં આવી રહ્યા છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.  જેમાં હાલ બેલેટ પેપરનું છાપકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરપંચ પદની ચૂંટણી માટેનું બેલેટ પેપર ગુલાબી રંગનું અને સભ્યપદ માટેનું સફેદ હશે. મતપત્રકોની સંખ્યા પણ ક્યાં કેટલાં ઉમેદવારો રહે છે તેના પર નિર્ભર રહેશે.  કેમ કે ક્યાંક ઉમેદવાર સંખ્યા વધુ રહે તો મતપત્રકો પણ બમણી સંખ્યામાં છાપવા પડે. જ્યાં જ્યાં આખી ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે ત્યાં તમામ મતદારો બે-બે મત આપી શકશે.એક મત સરપંચપદ માટે અને બીજો મત મતદારે પોતાનાં વોર્ડનાં ઉમેદવારને આપવાનો રહેશે.

માર્ગદર્શિકા પ્રમાણે મતદાર મતદાન મથકમાં પ્રવેશીને બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ કરે તે પછી પ્રિસાઈડિંગ ઓફિસર મતદારને એરોક્રોસ એટલે કે રબ્બર સ્ટેમ્પ આપશે. જે લઈને મતદારે મતકૂટિરમાં જઈ બંને મતપત્રક ઉપર સિક્કો મારીને ઘડ કરેલું મતપત્રક મતપેટીમાં નાખી દેવાનું રહેશે. ભૂતકાળમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન કેટલાંક બૂથ પર મતકૂટિરમાં સ્ટેમ્પ પેડ રખાયું હોવાથી અનેક મતદારો તેમાં આંગળી કે અંગુઠો શાહીવાળો કરીને મતપત્રકમાં આંગળી કે અંગુઠો મારી દેતા હતા. અને એવા મત રદ્દ ગણાતા હોવાથી સંખ્યાબંધ મતો બાતલ જતા હતા.

આ ભયસ્થાન ધ્યાને લઈને આ વખતે મતકૂટિરમાં સ્ટેમ્પ પેડ રાખવાની મનાઈ ફરમાવીને દરેક મતદાન મથકે બે-બે એરોક્રોસ રાખવાની પુનઃ સુચના અપાઈ છે. જો કે, કેટલાંક સ્થાનિક અધિકારીઓ કહે છે કે સો ટકા ગાઈડલાઈન મુજબ ચૂંટણી કરવી શક્ય નહીં હોવાથી એરોક્રોસ તો મતકૂટિરમાં જ રખાશે અને સ્ટેમ્પપેડ પણ ત્યાં જ પ્રિસાઈડિંગ ઓફિસર જોઈ શકે તેમ રાખીને મતદારને કઈ રીતે મતદાન કરવું તે સમજાવીને જ અંદર મોકલશે. આવું અંદરના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.