Abtak Media Google News

૫૧ બેડ સાથે આઈસીયુ અને ઓપરેશન થિયેટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ: કોરોનાની લડતમાં મહત્વની પહેલ: અન્ય દર્દીઓની સારવાર માટે સદભાવના હોસ્પિટલ સજજ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાની મહામારી વ્યાપી રહી છે ત્યારે હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ઉભરાઈ રહી છે તેવા સમયે ખાનગી હોસ્પિટલો દ્વારા પણ કોરોનાની સારવાર માટે તૈયારીઓ દર્શાવી છે જે અંતર્ગત આજરોજથી સૌરાષ્ટ્રની અગ્રણી મલ્ટી સ્પેશિયાલીસ્ટ સેલસ હોસ્પિટલ ખાતેથી કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની સારવાર શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની ખાનગી હોસ્પિટલોમાંથી રાજકોટની સેલસ હોસ્પિટલ દ્વારા આઈસીયુ ઓપરેશન થીયેટર સહિત ૫૧ બેડની જાયન્ટ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. કોરોનાની મહામારી સામે લડવા સેલસ અને સદભાવના હોસ્પિટલે અનોખી પહેલ શરૂ કરી છે. અન્ય દર્દીઓ માટે સદભાવના હોસ્પિટલ ૨૪ કલાક કાર્યરત રહેશે.

સેલસ અને સદભાવના હોસ્પિટલ દ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે કોવિડ-૧૯ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. અતિઆધુનિક સુવિધાઓ સાથે ૫૧ બેડની મલ્ટી સુપર સ્પેશિયાલીસ્ટ કોરોનાની સારવાર માટેની હોસ્પિટલનો પ્રારંભ આજરોજથી કરવામાં આવ્યો છે. સેલસ અને સદભાવના હોસ્પિટલનાં નિષ્ણાંત તબીબો દ્વારા કોરોનાનાં પોઝીટીવ દર્દીઓ માટે આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે તમામ પ્રકારની દવાઓ અને સુવિધાઓ સાથે સારવાર આપવા માટે સજજ છે જે અંગે સદભાવના હોસ્પિટલનાં ડાયરેકટર સતિષભાઈ તન્ના તથા ડો.વિમલ વોરા અને સેલસ હોસ્પિટલનાં ડાયરેકટર ડો.ધવલ ગોધાણી તથા ડો.વી.બી.કાસુન્દ્રાએ આજરોજ સેલસ હોસ્પિટલ ખાતે પત્રકાર પરીષદ યોજી કોવિડ-૧૯ હોસ્પિટલ અંગે માહિતી આપી હતી.

૫૧ બેડની સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં ૧૮ બેડની આઈસીયુની સુવિધા સાથે ૬ બેડ અતિગંભીર દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. સેલસ અને સદભાવના હોસ્પિટલનાં અનુભવી તબીબો દ્વારા ૨૪ કલાક કોરોનાનાં દર્દીઓની સારવાર આપવામાં આવશે. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા દર્દીઓમાં જો કોઈ અન્ય બિમારીઓ પણ હોય તો તેના નિદાન માટે સેલસ હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. આ સાથે હોસ્પિટલે  ડેડીકેડ કોવિડ એમ્બ્યુલન્સની સુવિધાઓ અને માઈલ સિમટન્સ ધરાવતા દર્દીઓને હોમ કોરોન્ટાઈનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સેલસ હોસ્પિટલમાં દાખલ થવા કે કોરોનાની માહિતી માટે મો.૯૬૯૬૭ ૯૬૯૬૪ હોસ્પિટલનાં હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધવાનો રહેશે.

૫૧ બેડ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત: સતિષ તન્ના

સેલસ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની સારવારનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સદભાવના હોસ્પિટલનાં ડાયરેકટર સતિષભાઈ તન્નાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સેલસ અને સદભાવના હોસ્પિટલ સંલગ્ન કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે સતત ખડેપગે રહેશે. ૫૧ બેડ તથા આઈસીયુ અને અન્ય બિમારીઓ માટે ઓપરેશન થિયેટર સાથે સગર્ભા માટે પણ અલગથી સુવિધાઓ દર્દીઓ માટે ફાળવવામાં આવશે. સરકાર દ્વારા નકકી કરાયેલા નીતિ-નિયમો મુજબ અને ગાઈડલાઈન પ્રમાણેનો ચાર્જ લેવામાં આવશે. દાખલ થતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થાથી લઈ દિવસમાં બે વાર ઉકાળો આપવાની સુવિધાઓ સાથે આજથી હોસ્પિટલ કાર્યરત રહેશે.

આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર: ડો.ધવલ ગોધાણી

સેલસ હોસ્પિટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સેલસ હોસ્પિટલનાં ડાયરેકટર ડો.ધવલ ગોધાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલની પુરી બિલ્ડીંગ કોવિડ-૧૯નાં દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. કોઈપણ કોરોના પોઝીટીવ દર્દીઓને આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે સારવાર આપવામાં આવશે. ગાઈડલાઈન મુજબ કોઈપણ દવા અસરકારક છે કે કેમ અને કોઈપણ અપડેટ સાથે દર્દીઓની સચોટ સારવાર આપવામાં સેલસ હોસ્પિટલ હંમેશા અગ્રેસર રહેશે. આજરોજથી જ સેલસ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર શરૂ થતા જ ૬ દર્દીઓની ઈન્કવાયરી આવી ચુકી છે.  હોસ્પિટલનાં ફિઝિશ્યન અને અન્ય નિષ્ણાંત તબીબો સાથે પુરતો નર્સીંગ સ્ટાફ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ પર સતત દેખરેખ રાખવામાં આવશે. આ સાથે કોવિડ હોસ્પિટલમાં કામ કરતા તબીબો, પેરા મેડિકલ સહિતનાં ૫૦થી વધુ સ્ટાફની પણ સાવચેતી રાખી વિમો કરાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.