Abtak Media Google News

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના સંદર્ભમાં ૨૫ જુન ૨૦૧૯ના પરિપત્રનો અમલ સ્થગિત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને  વિભાવરીબેન દવે ને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.

પંડ્યાએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે રાજ્યના સમગ્ર શિક્ષક આલમને સ્પર્શતા ઉચ્ચ્તર પગાર ધોરણ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના વિશાળ હિતમાં લેવાયેલ આ સંવેદનાસભર  નિર્ણય, સરકારની હકારાત્મક નીતિ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટેની તત્પરતાની પ્રતીતિ કરાવે છે.

રાજ્યની ભાજપા સરકારે હંમેશા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ નાગરિકોની સુખાકારી અને કલ્યાણકારી નીતિને જ પ્રાધાન્ય આપ્યું છે સાથો સાથ મુખ્યમંત્રીએ લોકલાગણી અને લોકમાંગણીને પ્રાથમિકતા આપી સંવેદના સાથે સતત મજબૂત નિર્ણયો લીધા છે. જેના લીધે તમામ બાબતોમાં વિવાદ નહીં પરંતુ સંવાદનો  હકારાત્મક અભિગમ સરકારે અપનાવ્યો છે.

અંતમાં પંડ્યાએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર અને તેઓની સમસ્યા થયેલ સમાધાન માટે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.