Abtak Media Google News

ચુંટણી ગમે ત્યારે આવે ભાજપ હંમેશા સજ્જ અને તૈયાર છે, કારણકે ભાજપનો કાર્યકર્તા ‘સેવા હિ સંગઠન’ના મંત્ર સાથે સતત લોકોની સેવા કરતું આવ્યું છે: તમામ બેઠકો પર વિજય વિશ્વાસ વ્યકત કરતા ભરત પંડયા

ગુજરાત વિધાનસભાની કુલ ૮ બેઠકો પરથી કોંગી ધારાસભ્યએ રાજીનામા આપ્યા બાદ ફરીવાર તમામ ૮ બેઠકો પર પેટાચુંટણી યોજી જનતાનો મત મેળવી તેમનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કોણ કરશે ? તે અંગે તાગ મેળવવાનો છે. લોકશાહી પ્રક્રિયા મુજબ ધારાસભ્યનાં રાજીનામા બાદ ૬ મહિનામાં પેટાચુંટણી આપવી પડે પરંતુ કોરોનાનાં કપરા કાળને ધ્યાને રાખવું પણ ખુબ જરૂરી છે. હાલ સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્રએ આરોગ્ય ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે બાબત ખુબ સ્પષ્ટ હોવાથી હાલ પેટાચુંટણી થોડા સમય માટે મોકુફ રાખવામાં આવે તેવો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો જેની સામે વિપક્ષે વાંધો ઉઠાવતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ વિપક્ષને આડે હાથ લઈ લોકશાહી પ્રક્રિયા વિશે અવગત કર્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ૮ વિધાનસભાની પેટાચુંટણીઓ આપવી કે ન આપવી અથવા તો કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચુંટણીપંચનો હોય છે. એક બાજુ વિધાનસભામાં રાજીનામું આપ્યા પછી ૬ મહિનામાં ચુંટણી આપવી પડે તેવી લોકશાહી પ્રક્રિયા છે અને બીજીબાજુ કોરોનાની પરિસ્થિતિ છે. ચુંટણીપંચે હાલ કોરોનાની પરિસ્થિતિને પણ ધ્યાને જ લેવી પડશે તે બાબત પણ સ્પષ્ટ છે. જોકે હાલ તો સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટની દિશા અને નિર્ણયને પણ ધ્યાને લેવી અતિમહત્વપૂર્ણ છે. ભરત પંડયાએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ચુંટણીપંચ ગમે ત્યારે ચુંટણી આપે ભાજપ હંમેશા સજજ છે, તૈયાર છે. કારણકે ભાજપનો કાર્યકર્તા ‘સેવા હિ સંગઠન’નાં મંત્ર સાથે લોકોની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે. ભાજપ પાસે કાર્યકર્તા બળ છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના, નિર્ણયો, પગલા એટલે કે પ્રજાલક્ષી વિકાસબળ છે. ભાજપ કાર્યકર્તાબળ, વિકાસબળ અને સેવાબળ સાથે જનતાની વચ્ચે રહે છે. અમને જનતાનો વિશ્ર્વાસ અને સમર્થન મળતું આવ્યું છે અને મને સંપૂર્ણપણે વિશ્ર્વાસ છે કે, રાજયની ૮ બેઠકો પરની પેટાચુંટણીમાં પણ લોકો ભાજપનાં ભગવાને સ્વીકારી ભાજપનાં ઉમેદવારને જ ગાંધીનગર ખાતે તેમનું પ્રતિનિધિ કરવા અર્થે મોકલશે. તેમણે કહ્યું હતું કે, ૮ બેઠક પરની પેટાચુંટણીમાં તમામ બેઠકો ભાજપ જીતશે તેવો અમારો વિજય વિશ્ર્વાસ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં જયારે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ યોજાઈ હતી ત્યારે તમામ ખાલી પડેલી બેઠકો પરથી જનતાએ કોંગ્રેસી ધારાસભ્યોને બહુમત આપી ગાંધીનગર મોકલ્યા હતા પરંતુ જે-તે કારણોસર રાજયસભાની ચુંટણી સમય પૂર્વે તમામ ધારાસભ્યો જેમ કે જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ ઝાલા, સોમા ગાંડા, બ્રિજેશ મેરજા સહિતનાં કુલ ૮ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા રાજયસભાની ચુંટણીમાં ભાજપે ૪ બેઠકો પૈકી ત્રણ બેઠકો કબજે કરી હતી જયારે કોંગ્રેસનાં ફાળે ફકત એક જ બેઠક આવી હતી. હવે જયારે રાજયસભાની ચુંટણી સમાપ્ત થઈ ચુકી છે ત્યારે ઝડપથી  તમામ બેઠકો ઉપર પેટાચુંટણીઓ યોજાય તે પ્રકારની માંગ વિપક્ષ વારંવાર ઉઠાવી રહ્યું છે

તેવા સંજોગોમાં ચુંટણીપંચ તમામ મુદા, પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય કરશે પરંતુ હાલ તમામ મામલો હાઈકોર્ટ સુધી પહોંચવાને કારણે હાઈકોર્ટનો નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે અને પેટાચુંટણી કયારે યોજાશે તે હાઈકોર્ટનાં નિર્ણય પરથી જ નકકી કરાશે પરંતુ ભાજપ પ્રદેશ પ્રવકતાનાં નિવેદન પરથી હાલ ચોકકસ લાગી રહ્યું છે કે, પેેટાચુંટણી ગમે ત્યારે યોજાય તેના માટે ભાજપ સંપૂર્ણપણે તૈયાર છે અને તમામ બેઠકો જીતી લેવા ભાજપે તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી સજજતા બતાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.