Abtak Media Google News

કોંગ્રેસ સરકારના સમર્થક આઠ ધારાસભ્યોને ભાજપે ગુરૂગ્રામ હોટલમાં ખસેડયા : ડેમેજ કંટ્રોલ કરીને તમામ ધારાસભ્યોને પાછા લાવ્યાનો કોંગ્રેસનો દાવો

આગામી ૨૬મી માર્ચે રાજયસભાની ૫૫ બેઠકો માટે ચુંટણી યોજાનાર છે ત્યારે રાજયસભામાં સંખ્યાબળ વધારવા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા કમર કસવામાં આવી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ બન્ને રાજયોમાં ચાર-ચાર બેઠકો માટે ચુંટણી યોજાનારી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના એક ધારાસભ્યએ ભાજપી હાઈકમાન્ડથી નારાજ ગણાતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો ૧૫ ધારાસભ્યો સાથે પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસના મુખ્યમંત્રી બનવા ખુલ્લી ઓફર કરી હતી જેને લઈને રાજકીય વિવાદ ઉભો થવા પામ્યો હતો પરંતુ ગુજરાતમાં પંજો જમાવવા જતા કોંગ્રેસ મધ્યપ્રદેશમાં દાઝયું હોય તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. જેમાં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારના આઠ ધારાસભ્યોને ભાજપે ઉઠાવીને ગોંધી રાખ્યાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.

Banna For Site

મધ્યપ્રદેશના રાજકારણમાં અચાનક જ ગઈકાલે અડધી રાત્રે રાજકીય ભુકંપ સર્જાયો હતો. કોંગ્રેસ ગઠબંધનના ૮ ધારાસભ્યો એક હોટલમાં પહોંચી ગયા હતા જેથી કમલનાથ પર સંકટ તોળાવવા લાગ્યું છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તેણે પોતાના ધારાસભ્યોને હોટલમાં બંધક બનાવી દીધા છે. કોંગ્રેસની કમલનાથ સરકાર ભાજપ પર તેના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવી રહી છે જે બાદ કોંગ્રેસે હરકતમાં આવી અને અડધી રાત્રે તમામ ધારાસભ્યોને આ હોટલમાંથી બહાર લાવતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. આ અંગેની પ્રારંભિક જાણકારી પ્રમાણે ચાર ધારાસભ્યો એવા છે જે કમલનાથ સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે જયારે એક ધારાસભ્ય કોંગ્રેસનાં જ છે જે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ગ્રુપના માનવામાં આવી રહ્યા છે.

આ અંગે મધ્યપ્રદેશના નાણામંત્રી તરૂણ ભનોટે કહ્યું હતું કે, ભાજપે મધ્યપ્રદેશના ૮ ધારાસભ્યોને ગુરૂગ્રામની આઈટીસી ગ્રાન્ડ હોટલમાં બંધક બનાવી રાખ્યા હતા જેમાંથી ૪ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીનાં, ૨ બહુજન સમાજ પાર્ટીના અને એક સમાજવાદી પાર્ટીના જયારે એક ધારાસભ્ય અપક્ષ છે. આ અંગેની માહિતી મળતા કમલનાથ સરકારના મંત્રી જીતુ પટવારી અને મંત્રી જયવર્ધનસિંહ હોટલ પહોંચી ગયા હતા પરંતુ તેમને ધારાસભ્યોને મળવા દેવાતા નથી. હોટલમાં રાખવામાં આવેલા ધારાસભ્યોની દેખરેખ માટે હરિયાણા પોલીસને તૈનાત કરવામાં આવી છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશના નાણામંત્રી તરૂણ ભનોટ પણ તુરંત આ ધારાસભ્યોને મળવા માટે ગુરુગ્રામ હોટલમાં પહોંચી ગયા હતા. અડધી રાત્રે જ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ પાર્ટી સતર્ક થઈ ગઈ હતી અને ધારાસભ્યોનો સંપર્ક કરવામાં લાગી ગઈ હતી. થોડા સમય બાદ જ મધ્યપ્રદેશના મંત્રી જયવર્ધનસિંહ અને જીતુ પટવારી ગુરૂગ્રામની હોટલમાંથી બહાર આવ્યા હતા ત્યારે જયવર્ધન સિંહે કહ્યું હતું કે, ભાજપે અમારા ધારાસભ્યોને મોટી રકમની ઓફર આપીને ખરીદી રહી છે જોકે અમે અમારા ધારાસભ્યોને હોટલમાંથી બહાર કાઢી લીધા છે. હવે મધ્યપ્રદેશ સરકાર પર કોઈ જ ખતરો નથી. જીતુ પટવારી અને જયવર્ધનસિંહે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ નરોતમ મિશ્રા અને પૂર્વ ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહ પર સતારૂઢ પાર્ટીના ધારાસભ્યોને પૈસા આપીને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.

  • મધ્યપ્રદેશ વિધાનસભામાં બહુમત માટે ભાજપને આઠ ધારાસભ્યો ઘટે છે!

મધ્યપ્રદેશ વિધાનસભામાં ક્રિમિનલ લોબિલ-૨૦૧૯ની ચર્ચા બાદ કમલનાથ સરકારે ૧૨૨ મતો મેળવ્યા હતા. ૨૩૧ સભ્યોની વિધાનસભામાં બહુમતીથી વધુ સાત મતો તેમને મળ્યા હતા. ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસનાં સમર્થનમાં મતદાન કર્યું હતું. ૨૨૮ સભ્યોની વિધાનસભામાં બે ધારાસભ્યોના મૃત્યુ બાદ અત્યારે બે બેઠકો ખાલી પડી છે. કોંગ્રેસ પાસે અત્યારે ૧૧૪ ધારાસભ્યોનો સંખ્યાબળ છે જયારે ભાજપ ૧૦૭ બેઠકો ધરાવે છે બાકીની ૯ બેઠકો પર બીએસપીનો ૨, સમાજવાદી પાર્ટીના ૧ અને ચાર અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.