Abtak Media Google News

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના રાજીનામા બાદ ખાલી પડેલી બન્ને બેઠકો ફરી હાંસલ કરવા ભાજપ અલગ-અલગ ચૂંટણી કરાવે તેવો કોંગ્રેસને ભય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી વિજેતા બનતા તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી વિજેતા બનતા બન્નેએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામુ આપી દેતા ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. જેથી ચૂંટણી એક સાથે યોજવા માટે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવશે.

17મી લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી રેકોર્ડબ્રેક મતોથી વિજેતા બન્યા હતા જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર ઈતિહાસ સર્જતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને કારમો પરાજય આપ્યો હતો. આ બન્ને નેતાઓએ રાજ્ય સભાના સાંસદ પદેથી રાજીનામુ આપી દેતા હાલ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ ભાજપનું સંખ્યાબળ જોતા હાલ ભાજપને રાજ્યસભાની આ બે બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ ભાજપ આ બન્ને બેઠકો જાળવી રાખવા માટે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ અલગ સમયે ચૂંટણી કરાવે તેવી સંભાવના દેખાય રહી છે.

ભાજપની આ ચાલને સફળ ન થવા દેવા માટે કોંગ્રેસે પાણી પહેલા પાળ બાંધી લીધી છે. ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે એકી સાથે ચૂંટણી યોજવા માટે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. રાજ્યસભાની બન્ને બેઠકો કોઈપણ ભોગે જાળવી રાખવા ભાજપ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને પોતાની તરફે ખેંચે તેવી દહેશત પણ કોંગ્રેસને અંદરખાને ડરાવી રહી છે. આવામાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ભાજપ પાસેથી આંચકી લેવાના અવસર કરતા ગુજરાતમાં પોતાના ધારાસભ્યોને જાળવી રાખવા જ સૌથી મોટો પડકાર છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તરીકે તે પૂર્વ વહેલીતકે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ જાય તેવું કોંગ્રેસ ઈચ્છી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.