Abtak Media Google News

ત્રિપુટીને વધુ પડતુ મહત્વ અને કોંગ્રેસની આંતરીક જૂથબંધીએ પાર્ટીને જીતથી વંચિત રાખી

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહનો હુંકાર ‘હું’ હવે શિક્ષાત્મક પગલા લઈશ’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા માટે મહેસાણામાં કોંગ્રેસની ચિંતન શિબિરનું આયોજન થયું છે. જેમાં ગઈકાલે કોંગી કાર્યકરોએ હાર્દિકની મનમાનીના કારણે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસનું મોવડી મંડળ ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, ઓબીસી આગેવાન અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને વધુ મહત્વ આપતું હોવાથી કોંગી કોર્યકરો કાળજાળ થયા છે.

પાટીદાર મત મેળવવાની લ્હાયમાં કોંગ્રેસે હાર્દિકને વધુ પડતુ પ્રાધાન્ય આપી દીધું હોય. વિવિધ જિલ્લામાં નોન પાટીદાર મત ગુમાવવાનો વારો આવ્યો હોવાનું કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું માનવું છે.

આવી જ રીતે અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને અપાયેલા મહત્વથી પરાજય થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નવા નિશાળીયાને વધુ પ્રાધાન્ય આપવામાં આવતા સ્થાનિક કાર્યકરો રોષીત થયા હતા.

ત્રિપુટીના કારણે ગુસ્સે થયેલા સ્થાનિક કાર્યકરોએ પ્રચાર-પ્રસારમાં ઓછુ ધ્યાન આપતા જયાં કોંગ્રેસનો વિજય થઈ શકે તેવી બેઠકો પણ કોંગ્રેસને ગુમાવવી પડી હતી. એકંદરે કોંગ્રેસનો ગ્રાઉન્ડસ્તરનું મેનેજમેન્ટ કથળી ગયું હતું. કેટલાક કાર્યકરો અને નેતાઓએ તો પક્ષ વિરુધ્ધનું કામ કર્યું હોવાના આક્ષેપો પણ થયા હતા.

પરિણામ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પક્ષ વિરુધ્ધનું કામ કરનારા સામે શિક્ષાત્મક પગલા લેવાની જાહેરાત પણ કરી છે.ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં સરકાર બનાવવાની તક ગુમાવી દેવાથી કેટલાક કાર્યકરો દુ:ખી છે. ઘણા કાર્યકરોએ ગેરશિસ્ત અને પક્ષ વિરોધના કૃત્યની ફરિયાદ પણ કરી છે. લોકસભા ચૂંટણી માટે શિસ્ત ન જાળવનાર કાર્યકરો સામે પગલા લેવા જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઘણા ઉમેદવારોએ ઈવીએમમાં ગળબડીના કારણે હારનો સામનો કરવો પડયો હોવાની રાવ પણ કરી છે.

ભાજપને ઈવીએમમાં છેડછાડ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઘણા ઉમેદવારો બેલેટ પેપરથી મતદાન કરવાની તરફેણ પણ કરી રહ્યાં છે.મહેસાણામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં આવેલા કારણોથી કોંગ્રેસને વધુ ચિંતા થઈ શકે છે. કોંગ્રેસની અંદર જ મવડી મંડળના નિર્ણયોથી જ રોષ ફાટયો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, ઓબીસી અગ્રણી અલ્પેશ ઠાકોર અને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીને અપાયેલા ટેકાના કારણે જ કોંગ્રેસમાં રોષ જણાય રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.